Bharat Jodo Nyay yatra: પશ્ચિમ બંગાળમાં રાહુલની SUV કાર પર હુમલો, કોંગ્રેસે મમતા સરકાર પર આરોપ લગાવ્યા
કોલકાતા: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા હાલ પશ્ચિમ બંગાળમાંથી પસાર થઇ રહી છે, એવામાં રાહુલ ગાંધીના કાફલા પર કથિત રીતે હુમલો થયો હોવાના સમાચાર છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના દરમિયાન તેમની એસયુવી કારનો પાછળનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. મીડિયા રીપોર્ટસ મુજબ ફેંકવામાં આવેલા પથ્થરોને કારણે રાહુલ ગાંધીની કારનો કાચ તૂટી ગયો હતો, જ્યારે ન્યાય યાત્રામાં સામેલ કેટલાક લોકોએ જણાવ્યું હતું કે આ ઘટના ભારે ભીડને કારણે બની હતી.
એક અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ન્યાય યાત્રાને જોવા માટે માલદા જિલ્લાના લાભા બ્રિજ પાસે હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી. રાહુલ બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમના કાફલાના વાહન પરના હુમલામાં, બ્લેક એસયુવીની પાછળની વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી. કોંગ્રેસના નેતાઓએ તેને સુરક્ષાની મોટી ખામી ગણાવી છે.
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “માલદામાં સીએમ મમતા બેનર્જીની આજની રેલીમાં તમામ પોલીસકર્મીઓ વ્યસ્ત છે. માત્ર થોડા પોલીસકર્મીઓને આ સમારંભમાં હાજરી આપવા તૈનાત કરવામાં આવ્યા છે.”
અગાઉ પશ્ચિમ બંગાળ પ્રશાસને રાહુલ ગાંધીને માલદા જિલ્લાના ભાલુકા સિંચાઈ બંગલામાં રહેવાની મંજૂરી આપી ન હતી. આ કારણે કોંગ્રેસે કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો હતો અને આ પહેલા ટીએમસી ચીફ અને સીએમ મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે બંગાળમાં પ્રસ્તાવિત ન્યાય યાત્રા વિશે કોંગ્રેસ દ્વારા તેમને કંઈ જણાવવામાં આવ્યું નથી.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં “ભારત જોડો ન્યાય યાત્રા” 14 જાન્યુઆરી, 2024ના રોજ મણિપુરથી શરૂ થઈ હતી. યાત્રા દરમિયાન 6,713 કિમીનું અંતર 67 દિવસમાં કાપવામાં આવશે જે 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે અને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. લોકસભા ચૂંટણી 2024 પહેલા માટે આ યાત્રા કોંગ્રેસ પાર્ટી માટે માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહી છે.