
મુંબઈ: સાઉદી અરેબિયાના જેદાહ શહેરમાં આગામી 24-25 નવેમ્બરે આઈપીએલના ખેલાડીઓ માટે જે મેગા ઑક્શન યોજાવાનું છે એ માટે કુલ 1,574 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. એમાં ઇંગ્લેન્ડના સ્ટાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સનું નામ નથી, પરંતુ ભારતમાં જન્મેલો અમેરિકાનો ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકર અને ઇટલીનો થોમસ ડ્રેકા હાલમાં આ યાદીના સૌથી મોટા આકર્ષણો છે.
Also read: ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો એક જ ટીમમાં? આ કેવી રીતે શક્ય છે?
તમામ ફ્રેન્ચાઇઝીઓ પાસેથી માહિતી મળ્યા બાદ આઈપીએલના સત્તાધીશો દ્વારા હરાજી માટેના ખેલાડીઓની યાદી ટૂંકાવવામાં આવશે. એવા ઘણા જાણીતા ખેલાડીઓના નામ આ યાદીમાં છે જેમને તેમના ફ્રેન્ચાઇઝીએ રીટેન નથી કર્યા અને હરાજી માટે છૂટા કરી દીધા છે. એમાં રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, આર. અશ્વિન વગેરેનો સમાવેશ છે.
આ પાંચેય મુખ્ય ખેલાડીઓએ બે કરોડ રૂપિયાવાળી બેઝ પ્રાઇઝના લિસ્ટમાં નામ લખાવ્યું છે.
ત્રણ પ્રકારની ઇજાને કારણે એક વર્ષથી ન રમી શકનાર મોહમ્મદ શમીને ગુજરાત ટાઇટન્સે ઓકશન માટે રિલીઝ કરી દીધો છે. અર્શદીપ સિંહનું નામ પણ હરાજી માટેના ખેલાડીઓમાં સામેલ છે. પેસ બોલર થોમસ ડ્રેકા આઇપીએલ માટે નામ નોંધાવનાર પ્રથમ ઇટાલિયન ક્રિકેટર છે. તેણે 30 લાખ રૂપિયાની મૂળ કિંમતવાળા ખેલાડીઓના લિસ્ટમાં ઑલરાઉન્ડર તરીકે નામ નોંધાવ્યું છે. 24 વર્ષના આ ખેલાડીએ જૂન મહિનામાં ડેબ્યૂ કર્યું હતું અને તે ચાર ટી 20 ઇન્ટરનેશનલ મૅચ રમ્યો છે.
Also read: ‘ઑસ્ટ્રેલિયામાં કલાકો ક્રીઝ પર ટકી રહેવું હોય તેા…’મેાહમ્મદ કૈફે દિગ્ગજ ક્રિકેટરોને આપી અસરદાર સલાહ
ઉલ્લેખનીય છે કે મુંબઈ ઇન્ડિયન્સની માલિકીની એમઆઈ એમિરેટસ ટીમે તાજેતરમાં જ ઇટલીના ફાસ્ટ બોલર ડ્રેકાને યુએઈની ટી-20 લીગ માટે સાઈન કર્યો હતો.
હરાજી માટે નામ નોંધાવનાર 1,574માંથી કયા દેશના કેટલા ખેલાડી?
ભારત (1165), સાઉથ આફ્રિકા (91), ઓસ્ટ્રેલિયા (76), ઇંગ્લેન્ડ (52), ન્યૂ ઝીલેન્ડ (39), વેસ્ટ ઈન્ડિઝ (33), અફઘાનિસ્તાન (29), શ્રીલંકા (29), બાંગ્લાદેશ (13), નેધરલેન્ડસ (12), અમેરિકા (10), આયર્લેન્ડ (9), ઝિમ્બાબ્વે (8), કેનેડા (4), સ્કોટલેન્ડ (2), ઈટલી (1) અને યુએઈ (1).