બદલાપુર ઘટના બાદ એક્શનમાં શિક્ષણ મંત્રાલય, વોશરૂમ અને ક્લાસરૂમમાં પેનિક બટન લગાવવાનો નિર્ણય…

મુંબઇઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાની બદલાપુરની એક શાળામાં બે છોકરીઓના યૌન શોષણનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગુરુવારે આ કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે શાળાઓમાં છોકરીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. હવે આ મામલે શિક્ષણ મંત્રાલય એક્શનમાં આવ્યું છે અને તેણે દરેક શાળાના વોશરૂમ અને ક્લાસરૂમમાં પેનિક બટન લગાવવાનો નિર્ણય લીધો હતો. આ પેનિક બટન દબાવતા જ પોલીસ શાળામાં પહોંચી જશે.
બદલાપુરમાં માસુમ બાળકીઓના યૌન શોષણની ઘટના બાદ શિક્ષણ મંત્રાલયે રિપોર્ટ તૈયાર કર્યો છે અને શિક્ષણ પ્રધાન દીપક કેસરકરને સોંપ્યો છે. આ ઉપરાંત મહિલા અને બાળ કલ્યાણ અને વિકાસ મંત્રાલય દ્વારા પર આ ઘટના અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : બદલાપુરના બનાવે દેશમાં મહારાષ્ટ્રની છબી ખરડી છે: શરદ પવાર
બદલાપુરની ઘટના બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે દરેક શાળામાં પેનિક બટન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની દરેક શાળા, વોશરૂમ, ક્લાસરૂમ વગેરેમાં પેનિક બટન લગાવવામાં આવશે. પેનિક બટનનું નિયંત્રણ સ્કૂલ અને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. પોલીસને જ્યારે પેનિક બટનનું એલર્ટ મળશે ત્યારે તે ફટાક કરતી ઘટના સ્થળે પહોંચી જશે.
આ ઉપરાંત શાળામાં છોકરીઓના શૌચાલયોની સ્વચ્છતાનું કામ મહિલા સ્વચ્છતા કર્મચારીઓને સોંપવામાં આવે અને બસ, ટેક્સી, વેન જેવા સ્ટુડન્ટ ટ્રાન્સપોર્ટ મોડમાં મહિલા કર્મચારીઓના હાજર રાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.
બદલાપુરની શાળામાં નર્સરીની છોકરીઓનું યૌનશોષણ કરનાર આરોપી સફાઇ કર્મચારી છે. આ કર્મચારી સામે પોક્સો ડેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી છે. શાળાના સીસીટીવી કેમેરા પણ યોગ્ય સ્થિતિમાં નહોતા. છોકરીઓના વોશરૂમની સફાઇ માટે પુરૂષ સ્ટાફની નિમણૂક કરતા શાળાનું વહીવટીતંત્ર પણ નિશાના પર આવી ગયું છે અને તેની સામે પણ પગલાં લેવામાં આવશે.