Ashok Chavan: અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા, રાજ્યસભાના ઉમેદવાર બને તેવી અટકળો

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે કૉંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યા બાદ, આજે તેઓ ભાજપમાં જોડાયા છે. તેમના ભાજપમાં સામેલ થવાના કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, મુંબઈ પ્રદેશ અધ્યક્ષ આશિષ શેલાર મંચ પર હાજર હતા. ચવ્હાણે કહ્યું કે, જો કે મેં કોંગ્રેસના કોઈપણ વિધાનસભ્યને મારી સાથે આવવાનું આમંત્રણ આપ્યું નથી.
અશોક ચવ્હાણે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદથી એવી અટકળો હતી કે તેઓ ભાજપમાં જોડાશે, આજે સવારે તેમણે આ વાતની પુષ્ટિ કરી હતી. એવા અહેવાલ છે કે ભાજપ તેમને રાજ્યસભામાં મોકલી શકે છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
તો બીજી તરફ કૉંગ્રેસના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ સંજય નિરુપમે ચવ્હાણના પાર્ટી છોડવાના અંગે નિવેદન આપ્યું હતું. સંજય નિરુપમેં એક નિવેદન દરમિયાન દાવો કર્યો હતો કે ચવ્હાણ મહારાષ્ટ્રના એક નેતાની કાર્યશૈલીથી નારાજ હતા.
કોંગ્રેસ છોડ્યાના એક દિવસ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે આજે મંગળવારે કહ્યું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ચવ્હાણે પત્રકારોને સાથે વાત કરતા જણાવ્યું હતું, “હું મારી રાજકીય કારકિર્દીની નવી સફર શરૂ કરવા જઈ રહ્યો છું, હું ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું,”.
બીજી તરફ સંજય નિરુપમે કહ્યું, “અશોક ચવ્હાણ ચોક્કસપણે પાર્ટી માટે મુલ્યવાન હતા. કેટલાક લોકો તેમને બોજ ગણાવી રહ્યા છે, કેટલાક ED પર દોષારોપણ કરી રહ્યા છે, આ બધી ઉતાવળમાં થયેલી પ્રતિક્રિયાઓ છે. તેઓ મહારાષ્ટ્રના એક નેતાની કાર્યશૈલીથી ખૂબ નારાજ હતા.”
મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ સંજય નિરુપમે દાવો કર્યો હતો કે જો પાર્ટીએ તેમની ફરિયાદો પર ધ્યાન આપ્યું હોત તો તેમણે રાજીનામું ન આપ્યું હોત. નિરુપમે કહ્યું, “તેમણે (ચવ્હાણ) વખતોવખત ટોચના નેતૃત્વને આ માહિતી આપી હતી. જો તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.”
સંજય નિરુપમે કહ્યું, “અશોક ચવ્હાણ કોઠાસૂઝ ધરાવનાર, કુશળ આયોજક છે, ગ્રાઉન્ડ લેવલ પર ઊંડી પકડ ધરાવે છે અને તેઓ ગંભીર નેતા છે. ગયા વર્ષે જ્યારે ભારત જોડો યાત્રા પાંચ દિવસ માટે નાંદેડમાં હતી ત્યારે સમગ્ર નેતૃત્વએ તેમની પ્રતિભા જોઈ હતી તેમનું કોંગ્રેસ છોડવું એ મોટી ખોટ છે. કોઈ તેની ભરપાઈ કરી શકશે નહીં. તેમની સંભાળ રાખવાની જવાબદારી અમારી હતી.”
પૂર્ણ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે સોમવારે સવારે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નાના પટોલેને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.