
દિલ્હી: ભારતીય ફિનટેક કંપની BharatPeના કો-ફાઉન્ડર અને ભૂતપૂર્વ CEO અશ્નીર ગ્રોવરની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરી જૈન ગ્રોવર સામે છેતરપિંડીના આરોપોની તપાસ કરી રહી છે. આ તપાસના આધારે દિલ્હી પોલીસે નવા ખુલાસા કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે અશ્નીર ગ્રોવર અને તેના પરિવારના સભ્યો સાથે સંકળાયેલી કંપનીઓએ ફિનટેક યુનિકોર્ન માટે કરેલા કામ માટે પૈસા ઉપાડવા માટે બેકડેટેડ ઇન્વૉઇસનો ઉપયોગ કર્યો હતો. આ ઈન્વોઈસ કરોડો રૂપિયાની કિંમતના હતા. જોકે, ઇકોનોમિક ઓફેન્સીસ વિંગને હજુ સુધી ઘણી કંપનીઓ વિશે માહિતી મળી નથી, જેને BharatPe દ્વારા ચૂકવણી કરવામાં આવી હતી.
EOW દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા સ્ટેટસ રિપોર્ટ જણાવવામા આવ્યું હતું કે આરોપીઓએ રિક્રુટમેન્ટ વર્કના બદલામાં કમિશનની ચુકવણી માટે BharatPe એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવા માટે કથિત રીતે બેકડેટેડ ચલણનો ઉપયોગ કર્યો હતો.
સ્ટેટસ રિપોર્ટ અનુસાર, નકલી એચઆર કન્સલ્ટન્સીને ઓછામાં ઓછા 7.6 કરોડ રૂપિયા કથિત રીતે ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અધિકારીઓને 1.66 કરોડ રૂપિયા દંડ તરીકે ચૂકવવામાં આવ્યા હતા. આ બનાવટી વ્યવહાર દ્વારા 71.76 કરોડ રૂપિયા ઉપાડી લેવાયા હતા.
EOW અનુસાર, અત્યાર સુધી 81 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનની માહિતી મળી છે. હજુ તપાસ ચાલુ છે. EOW સ્ટેટસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “તપાસ દરમિયાન, માધુરી જૈન ગ્રોવરના એકાઉન્ટ નંબરની ચકાસણીમાં જાણવા મળ્યું કે અંદાજે રૂ. 5 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, રૂ. 3 કરોડ પિતા સુરેશ જૈનને અને રૂ. 2 કરોડ માતા સંતોષે જૈન-ભાઈ શ્વેતાંક જૈનને.”
EOW એ જણાવ્યું હતું કે ભારતપેના ભૂતપૂર્વ હેડ ઓફ કંટ્રોલ માધુરી જૈનને 2022 માં ફોરેન્સિક ઓડિટમાં ઘણી ગેરરીતિઓ બહાર આવ્યા પછી બરતરફ કરવામાં આવી હતી. આ પછી, માર્ચ 2022 માં, અશ્નીર ગ્રોવરે CEO પદ પરથી રાજીનામું આપ્યું. EOW અનુસાર, આ સિવાય તપાસમાં જાણવા મળ્યું કે અશ્નીર ગ્રોવરે 2019 થી 2022 દરમિયાન તેના પિતા અશોક ગ્રોવરના ખાતામાં 46 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ એક મોટી રકમ છે. આ વ્યવહારની ચકાસણી કરવાની બાકી છે.