
નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે ફરી એક વાર OTT પ્લેટફોર્મ્સ પર સેન્સરશીપ લગાવવાના સંકેતો આપ્યા હતા. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે મેકર્સને ચેતવણી આપી હતી. અનુરાગ ઠાકુરે OTT પ્લેટફોર્મ્સ પર બતાવવામાં આવતા કન્ટેન્ટ અંગે વાત કરી હતી.
અનુરાગ ઠાકુરે ચેતવણી આપી હતી કે OTT કન્ટેન્ટની ટીકા કરવાને બદલે તેમને સાચા માર્ગ પર લાવવાના પ્રયાસો કરવા જોઈએ અને ભારતીય વાર્તાઓ, સંસ્કૃતિ અને પરંપરાઓને વિશ્વભરના દર્શકો સુધી લઈ જવાની વાત કરવી જોઈએ. અનુરાગ ઠાકુરે OTT પર અશ્લીલ કન્ટેન્ટ બતાવવાના વિરોધમાં કડક નિવેદન આપ્યું છે. સંસદ સત્ર પછી ઓટીટી પ્લેટફોર્મ સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય ઉદ્યોગનો વિકાસ કરવાનો છે, પરંતુ સેલ્ફ રેગ્યુલેશનના નામે અશ્લીલતાને સાંખી લેવામાં આવશે નહીં.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ‘OTT મનોરંજન માટે એક નવું સ્થાન બની ગયું છે અને દરરોજ તેનો વધતો સબસ્ક્રાઈબર બેઝ તેનો પુરાવો છે. સેલ્ફ રેગ્યુલેશનના નામે અશ્લીલતા સાંખી લેવામાં આવશે નહીં. સરકારની નજર ચારે તરફ છે, કલા નિર્માતાઓએ કલા પ્રત્યેની તેમની જવાબદારીનું ભાન કરાવવું જોઈએ. સ્વતંત્રતાની આડમાં અશ્લીલતા સહન કરી શકાય નથી, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાથી ઘણી વખત ઘણી સમસ્યાઓ થાય છે, જેના પછી અનેક પ્રકારની અરાજકતા ફેલાય છે.
મનોરંજન અને સમાજ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકતા, માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું, ‘સરકારનો ઉદ્દેશ્ય બિઝનેસ વધારવાનો છે. મનોરંજન ઉદ્યોગ દર વર્ષે 28 ટકાના દરે વિકસી રહ્યો છે અને તેમાં રોજગાર અને આવક પેદા કરવાની વિશાળ સંભાવના છે.