મરાઠા અનામત બાબતે વધુ એક યુવકે જીવન ટૂકાવ્યું: 25 વર્ષના યુવકે ભર્યું અંતિમ પગલું
નાંદેડ: એક તરફ આખા રાજ્યમાં મરાઠા અનામત ઉગ્ર બન્યું છે ત્યાં બીજી તરફ અનામત માટે અનેક આંદોલનકારીઓ અંતિમ નિર્ણય લઇને આત્મહત્યા કરી રહ્યાં છે. મરાઠા અનામત માટે થઇ રહેલ આત્મહત્યાના બનાવો રોકાવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યાં હવે મરાઠા અનામત માટે વધુ એક યુવાને અંતિમ નિર્ણય લઇને આત્મહત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. નાંદેડના એક 25 વર્ષના યુવાને મરાઠા સમાજને અનામત મળે તે માટે ઝેર ગટગટાવીને આત્મહત્યા કરી છે.
આ બનાવ નાંદેડથી થોડે દૂર આવેલ મરળકનો છે. દાજીબા રામદાસ શિંદે 11મી નવેમ્બરના રોજ ઝેરી દવા ગટગટાવી જતાં તેના સારવાર અર્થે નાંદેડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દાજીબા પાસે એક સ્યુસાઇડ નોટ મળી છે. આ સ્યુસાઇડ નોટમાં તેણે મરાઠા સમાજને અનામત મળી નથી રહ્યું તેથી પોતે આત્મહત્યા કરે છે એમ લખ્યું છે. પોલીસે સ્યુસાઇડ નોટ જપ્ત કરીને દાજીબાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
દાજીબા મરાઠા અનામત આંદોલનમાં સામેલ થયો હતો. દાજીબા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. અનામત ન હોવાને કારણે દાજીબા કઇ કરી શક્યો નહતો. ઉપરાંત તેના પિતાને દોઢ એકરનું ખેતર વેચવાની ફરજ પડી હતી. એમ મૃતકના ભાઇએ જણાવ્યું હતું. સરકાર તરફથી વહેલી તકે મદદ મળી રહે તેવા પ્રયાસો અમે કરી રહ્યાં છીએ એમ તહસીલદાર વિજય આવધાને કહ્યું હતું.