અમિત શાહે કલમ 370 પર રાહુલ ગાંધી અને મહેબૂબા મુફ્તી પર નિશાન સાધ્યું, કહ્યું- ‘કોઈની હિંમત નથી…
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 19 એપ્રિલ, 2024ના રોજ
રાજસ્થાનના ઉદયપુરમાં એક રોડ શો યોજ્યો હતો. રેલીને સંબોધતા અમિત શાહે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મહેબુબા મુફ્તી અને રાહુલ બાબા કહેતા હતા કે જમ્મુ કાશ્મીરમાંથી જો કલમ 370 હટાવવામાં આવશે તો અહીં લોહીની નદીઓ વહેશે. અમે આ કલમ હટાવી દીધી. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને પાંચ વર્ષ થઈ ગયા છે. પીએમ મોદીની સરકારમાં કોઈની હિંમત નથી કે તે કાશ્મીરમાં પથ્થર ફેંકે. તેમણે રાહુલ ગાંધી અને મહેબૂબા મુફ્તી પર જોરદાર નિશાન સાધ્યું હતું.
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઉદયપુરમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપે ઉદયપુરથી મુન્નાલાલ રાવતને ટિકિટ આપી છે. તેમના સમર્થનમા રોડ શોમાં અમિત શાહે ભાગ લીધો હતો. આ રેલીમાં અમિત શાહ સાથે રાજ્યના સીએમ ભજનલાલ શર્મા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે મુફ્તી અને ‘રાહુલ બાબા’ હંમેશા ભવિષ્યવાણી કરતા હતા કે જો જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવામાં આવે તો અહીં રક્તપાત થઇ શકે છે. હવે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટ્યાને પાંચ વર્ષ થઇ ગયા છે.
2019 માં, કેન્દ્ર સરકારે કલમ 370 દ્વારા જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો રદ કર્યો હતો અને અગાઉના રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યું હતું.
દરમિયાન, જાણીતા મીડિયા હાઉસ સાથેની એક મુલાકાતમાં અમિત શાહે વિપક્ષના આરોપનો જવાબ આપ્યો હતો કે જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો બંધારણમાં ફેરફાર થશે. તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષોમાં ક્યારેય તેની બહુમતીનો દુરુપયોગ કર્યો નથી અને તે કેન્દ્રમાં સત્તા પર હતી ત્યારે કોંગ્રેસે જ તેની બહુમતીનો દુરુપયોગ કર્યો હતો.
અમિત શાહે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ભાજપ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને અનામત આપવાની નીતિમાં ક્યારેય ફેરફાર કરશે નહીં.
ભાજપે બોન્ડ દ્વારા દાનની ઉચાપત કરી હોવાના રાહુલ ગાંધીના આરોપ પર અમિત શાહે એ મુદ્દા પર ધ્યાન દોર્યું હતું કે વિપક્ષને પણ આ વ્યક્તિઓ અને કંપનીઓ પાસેથી પૈસા મળ્યા હતા.