પહેલા ‘માતોશ્રી’ પછી ‘વર્ષા’… અંબાણી ઠાકરે-શિંદેને એક જ રાતમાં મળ્યા; રાજ્યમાં નવાજૂનીની આશંકા
મુકેશ અંબાણી મંગળવારે રાત્રે 10:30 આસપાસ અચાનક ‘માતોશ્રી’માં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને મધરાત બાદ 1 વાગ્યાની આસપાસ ‘વર્ષા’ બંગલે જઈને એકનાથ શિંદેને મળ્યા હતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મંગળવારે રાત્રે ‘માતોશ્રી’ નિવાસસ્થાને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ મીટિંગ પછી તરત જ તેઓ ‘વર્ષા’ બંગલો પર ગયા હતા અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. મુકેશ અંબાણી રાત્રે એક વાગ્યે વર્ષા નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેથી જ આ મુલાકાત પાછળના ચોક્કસ કારણ વિશે ભાતભાતની ચર્ચા થઈ રહી છે.
રાત્રે સાડા દસ વાગે ‘માતોશ્રી’...
મુકેશ અંબાણી રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ઉદ્ધવ ઠાકરેના ‘માતોશ્રી’ નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે લગભગ બે કલાક ચર્ચા કરી હતી. મુકેશ અંબાણીની સાથે જ તેમના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે 10:30 થી 12:30 વચ્ચે ‘માતોશ્રી’ નિવાસસ્થાને હતા. બે કલાક બાદ અંબાણીનો કાફલો ‘માતોશ્રી’ નિવાસસ્થાનેથી નીકળી ગયો હતો. આ બેઠક દરમિયાન રાજકીય ક્ષેત્રે સક્રિય ન હોય તેવા તેજસ ઠાકરે પણ હાજર રહ્યા હોવાની માહિતી સામે આવી રહી.
આપણ વાંચો: મહારાષ્ટ્ર ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ દેશમાં અગ્રેસર: એકનાથ શિંદે
‘માતોશ્રી’ થી ‘વર્ષા’…
આ મીટિંગ પછી અંબાણીનો કાફલો સીધો ‘વર્ષા’ નિવાસસ્થાને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવા ગયો. આ બંને વચ્ચેની મુલાકાત દરમિયાન, અંબાણી દ્વારા શું અને કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તે અંગેની માહિતી હજી સુધી જાહેર કરવામાં આવી નથી. અંબાણી પિતા-પુત્ર લાંબા સમય સુધી ‘વર્ષા’ બંગલો પર રોકાયા હતા. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. પરંતુ ખરેખર શું ચર્ચા થઈ તે કહેવામાં આવ્યું નથી.
આજી-માજી મુખ્ય પ્રધાનને એક રાતમાં મળ્યા
અંબાણી એક જ રાતમાં બે અગ્રણી નેતાઓને મળ્યા હોવાથી, રાજ્યમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થશે કે કેમ તે અંગે રાજકીય વર્તુળમાં ધીમા અવાજમાં ચર્ચા શરૂ થઈ છે, પરંતુ અંબાણીએ ઉદ્ધવ ઠાકરે અને પછી એકનાથ શિંદે સાથે કરેલી અલગ-અલગ બેઠકમાં શું ચર્ચા કરી તે ત્રણેયમાંથી કોઈના દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી.
આપણ વાંચો: મને શું મળશે એની ચિંતા કરતો નથી: એકનાથ શિંદે…
મુલાકાતનું કારણ શું?
આ મુલાકાતો શા માટે થઈ? શું આની પાછળ કોઈ વ્યવસાયિક કારણ છે? કે પછી તેઓ બંને નેતાઓને કોઈ કાર્યક્રમનું આમંત્રણ આપવા માટે મળવા ગયા હતા કે પછી કોઈ કાર્યક્રમની માહિતી આપવા ગયા હતા તેની ચર્ચાઓ ચાલી રહી છે.
પવારની તે બેઠક પછી બળવો થયો હતો
અહીં ઉલ્લેખનીય છે કે એનસીપીના સ્થાપક શરદ પવાર વચ્ચે એક મોટા ઉદ્યોગપતિને મળ્યા હતા અને પછી રાજ્યમાં બળવો થયો હતો. તેથી હવે જ્યારે અંબાણી ભૂતપૂર્વ અને વર્તમાન મુખ્ય પ્રધાનોને તેમના નિવાસસ્થાને અડધા કલાકના અંતરે મળી રહ્યા છે, ત્યારે ભવિષ્યમાં કોઈ રાજકીય ઉથલપાથલ થશે કે કોઈ નવાજૂની થશે એવી અટકળો લગાવવામાં આવી રહી છે. આમેય ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીમાં બેઠકોની ફાળવણીથી અસંતુષ્ટ હોવાના અહેવાલો વહેતા થયા છે અને શિવસેનાના બંને જૂથો ફરી એક થઈ શકે એવી શક્યતા જણાવે છે.