ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયનને 12-0થી હરાવ્યો: સેમિમાં પહોંચી ગયો
પૅરિસ: અહીં ઑલિમ્પિક ગેમ્સમાં પુરુષોની કુસ્તીમાં ગુરુવારે ભારતના અમન સેહરાવતે ધમાલ મચાવી દીધી હતી. તેણે ઉપરાઉપરી બે મુકાબલા ક્લીન સ્વીપથી જીતી લીધા અને સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે.
21 વર્ષના એશિયન ચૅમ્પિયનશિપ ગોલ્ડ મેડલિસ્ટ સેહરાવતે પહેલાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં નોર્થ મેસડોનિયાના વ્લાદિમીર ઇગોરોવને 10-0થી હરાવી દીધો હતા અને પછી અલ્બાનિયાના ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ઝેલિમખાન અબાકારોવને 12-0થી કચડીને સેમિમાં પ્રવેશ મેળવી લીધો હતો જેમાં તેણે જાપાનના ટૉપ-સીડેડ રેઇ હિગુચી સામે લડવાનું હતું.
અમન સેહરાવતે 57 કિલો ફ્રીસ્ટાઇલની હરીફાઈમાં આ કમાલ કરી હતી. ઝેલિમખાન સામે અમને બીજો રાઉન્ડ તો રમતાં-રમતાં પસાર કર્યો હતો. તેણે ઝેલિમખાન પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું હતું. 31 વર્ષનો ઝેલિમખાન મૂળ રશિયાનો છે અને થોડા વર્ષોથી અલ્બાનિયાનો નાગરિક બન્યો છે. તે 2022માં પોતાની કૅટેગરીમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો.
આ મુકાબલામાં અમને શરૂઆતથી જ ઇગોરોવ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને છેક સુધી જાળવી રાખ્યું હતું. અમને તેના ડાબા પગને ટાર્ગેટ બનાવ્યો હતો અને ચપળતાપૂર્વક તેને નીચે પાડ્યો હતો અને તેના પર અંકુશ જમાવ્યો હતો. ઝેલિમખાને અમનની જાળમાંથી બહાર આવવા ઘણા ફાંફા માર્યા હતા, પણ સફળ નહોતો થયો.
આ પણ વાંચો :હવે ભારતને આ કુસ્તીબાજે ઑલિમ્પિક્સના મેડલની આશા અપાવી
એ પહેલાં, પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં અમનના સતત આક્રમણને કારણે વ્લાદિમીર ઇગોરોવને ઘૂંટણમાં દુખાવો થયો હતો જેને લીધે તેણે તબીબી સારવાર લેવી પડી હતી.
જોકે પછીના રાઉન્ડમાં અમને આક્રમણ ચાલુ રાખ્યું હતું અને ઇગોરોવને પોતાના પર કાબૂ નહોતો લેવા દીધો. મુકાબલાની બે મિનિટ બાકી હતી ત્યારે અમન 10-0થી આગળ હતો.