
હૈદરાબાદ: પુષ્પા-2 ફિલ્મના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના એક થીયેટરની બહાર મચેલી નાસભાગમાં મહિલાના મોત મામલે ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધી (Pushpa-2 premier Stampede case) રહી છે. તેલંગાણા પોલીસે આ મામલે મોટો દાવો કર્યો છે. પોલીસે દાવો કર્યો હતો કે અલ્લુ અર્જુને હૈદરાબાદમાં સંધ્યા થિયેટર છોડવાની ના પાડી હતી.
બીજી તરફ અલ્લુ અર્જુને કહ્યું હતું કે જેવી તેને બહારની સમસ્યાની જાણ થઈ, તેણે તરત જ સંધ્યા થિયેટર છોડી દીધું હતું. રવિવારે પોલીસે ટાઈમસ્ટેમ્પ સાથેના ફૂટેજ જાહેર કર્યા હતા, જેમાં અલ્લુ અર્જુન લગભગ અડધી રાત સુધી થિયેટરમાં જ જોવા મળ્યો હતો.
પોલીસની વાત ના માની:
પોલીસે આરોપ લગાવ્યો હતો કે અલ્લુ અર્જુને પોલીસની સુચનાની અવગણના કરી હતી. એક પત્રકાર પરિષદને સંબોધતા, હૈદરાબાદ શહેર પોલીસે નાસભાગ અને તેના પછીની ઘટનાઓના ક્રમનું વિડિયો પ્રેઝન્ટેશન આપ્યું હતું.
ચિક્કડપલ્લી ઝોનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે થિયેટર મેનેજરે શરૂઆતમાં પોલીસને અલ્લુ અર્જુનની નજીક જવાની મંજૂરી આપી ન હતી અને કહ્યું હતું કે તે પોલીસનો સંદેશ અલ્લુ અર્જુનને પહોંચાડશે.
પોલીસ અધિકારી એ જણાવ્યા મુજબ, જ્યારે અલ્લુ અર્જુન બહાર ન આવ્યો, ત્યારે પોલીસે તેના મેનેજરનો સંપર્ક કર્યો હતો અને તેને મહિલાના મૃત્યુ અને તેના 9 વર્ષના પુત્રને ગંભીર રીતે ઘાયલ થયાની જાણ કરી હતી. પરંતુ મેનેજરે પણ તેમની વિનંતી પર ધ્યાન આપ્યું ન હતું.
‘હું ફિલ્મ જોઈને જઈશ’
અધિકારીએ કહ્યું, “જ્યારે અમે અર્જુન પાસે ગયા અને તેને મહિલાના મૃત્યુ અને છોકરાની સ્થિતિ તેમજ બહાર અરાજકતા વિશે જણાવ્યું, ત્યારે તેણે જવાની ના પાડી અને કહ્યું કે તે ફિલ્મ જોઇને જ જશે.”
પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે અલ્લુ અર્જુનના બાઉન્સરોએ ત્યાં હાજર પોલીસકર્મીઓ અને અન્ય લોકો સાથે ઝપાઝપી કરી.
આ પણ વાંચો…આલિયા-દીપિકા નહીં આ છે ટોચની અભિનેત્રી, જુઓ ટોપ-10 લિસ્ટ…
તેલંગાણા પોલીસે કડકાઈ બતાવી:
તેલંગાણાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, “ફિલ્મોના પ્રમોશન કરતાં લોકોની સુરક્ષા અને જીવન વધુ મહત્વનું છે. તેમના વ્યવસાય અને જાહેર કદને ધ્યાનમાં લીધા વિના, પછી તે કોઈ ફિલ્મનો હીરો હોય કે અન્ય કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ હોય, તેમણે જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ. લોકોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. અમે જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે કોઈની વિરુદ્ધ છીએ.”