ઋષિકેશ: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારા પાસે ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ 41 કામદારોની ઋષિકેશની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે તબીબી ચકાસણી હાથ ધરવામાં આવી હતી. AIIMS પ્રશાસને જણાવ્યું હતું કે મેડિકલ તપાસમાં તમામ કામદારો સ્વસ્થ હોવાનું જણાયું હતું અને તેમને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી છે. જે બાદ ઘણા કામદારો પોતાના ઘર તરફ રવાના થઈ ગયા છે.
AIIMSના જનરલ મેડિસિન વિભાગના વરિષ્ઠ ડોકટરે જણાવ્યું હતું કે કામદારોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને તેમના બ્લડ ટેસ્ટ, ECG અને એક્સ-રે રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. તેણે કહ્યું, તેઓ શારીરિક રીતે સ્વસ્થ અને તબીબી રીતે સ્થિર છે. અમે તેમને ઘરે જવાની મંજૂરી આપી છે. ઉત્તરાખંડના રહેવાસી એક કામદાર હૃદય સંબંધિત બિમારીથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. તેમને જન્મથી જ આ બીમારી છે.
ચારધામ યાત્રા માર્ગ પર નિર્માણાધીન સાડા ચાર કિલોમીટર લાંબી ઉત્તરકાશી ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો, જેમાં 41 કામદારો ફસાયા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા સતત યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલા બચાવ અભિયાનના 17માં દિવસે મંગળવારે રાત્રે તેમને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા.સુરંગમાંથી બહાર કાઢ્યા બાદ બુધવારે તેમને સઘન સ્વાસ્થ્ય તપાસ માટે ઋષિકેશ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. .