મમતા બેનરજીના પોસ્ટર બોય શાહજહાં શેખનો તમામ સ્વેગ ગાયબ, ભાજપે શેર કર્યો રડતો વીડિયો

કોલકાતાઃ સંદેશખાલી કેસના મુખ્ય આરોપી અને તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ નેતા શાહજહાં શેખનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે ખૂબ જ અહંકાર સાથે ફરતો જોવા મળ્યો હતો. એટલું જ નહીં તેણે ત્યાં ઉભેલા કેટલાક લોકોને તેના પાછા ફરવાના સંકેતો પણ આપ્યા હતા.
શાહજહાં શેખનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કોર્ટમાંથી બહાર નીકળતી વખતે વાનમાં બેઠેલો જોવા મળે છે. આ દરમિયાન તેના પરિવારના કેટલાક લોકો બહાર ઉભેલા જોવા મળે છે. સંદેશખાલી કેસનો મુખ્ય આરોપી તેની નાની દીકરીને બહાર જોતા જ આંખમાંથી આંસુ વહાવવા લાગે છે અને રડવા લાગે છે.
ભારતીય જનતા પાર્ટીએ શાહજહાં શેખના આ વીડિયો પર કટાક્ષ કર્યો છે. ભાજપના આયટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે તે તમામ સ્વેગ ગાયબ થઈ ગયા છે. મમતા બેનરજીના પોસ્ટર બોય અને બળાત્કારી શેખ શાહજહાં એક બાળકની જેમ રડી રહ્યો છે. અનુબ્રતો મોંડલ પણ જેલમાં છે. હજી અમુક લોકોની ધરપકડ થવાની બાકી છે, જેમણે સમગ્ર બંગાળમાં આતંકનું શાસન ફેલાવ્યું છે. જ્યારે તેઓ કાયદાની પકડમાં આવશે ત્યારે તેમને બચાવવા કોઈ નહીં આવે મમતા બેનરજી પણ નહીં. મમતા તેના નેતાઓને બચાવી શકી નથી.
મંગળવારે કોંગ્રેસના સસ્પેન્ટેડ નેતા શેખ શાહજહાના નાનાભાઈ શેખ સિરાજુદ્દીન સામે લુક આઉટ નોટિસ જારી કરી હતી. EDના સમન્સની અવગણના કર્યા બાદ આ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. દેશમાંથી ભાગી જવાના ભયને કારણે EDએ ભારતના તમામ એરપોર્ટ અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરી દીધા છે. દરમિયાન EDના અધિકારીઓએ શેખ શાહજહાંના બીજા નાના ભાઈ શેખ આલમગીરને કસ્ટડીમાં લીધો છે. અગાઉ તેની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ વર્ષની શરૂઆતમાં જ્યારે ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં શાહજહાંના સાગરીતો દ્વારા જાતીય સતામણી સામે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ગામ લોકોએ જણાવ્યું હતું કે તેમના ખેતરો પર કબ્જો કરવા માટે શેખ આલમગીરે મોટાભાઈના રાજકીય દબદબાનો ઉપયોગ કર્યો હતો.