
મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે બિગ બી ફેમિલી ચર્ચામાં છે, જ્યારે પરિવારના સભ્યોની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હોવાના સમાચાર રોજ ચર્ચાનું કારણ બને છે. બિગ બી અમિતાભ બચ્ચનનો પરિવાર આજે ચર્ચામાં છે, કારણ કે પરિવારના લાડલા કુંવરનો જન્મદિવસ છે. ફિલ્મ અભિનેતા સ્ટાર કમ બિઝનેસમેન અભિષેક બચ્ચનને આજે 48 વર્ષ થયા છે, ત્યારે બહેન સહિત પત્નીએ પણ શુભેચ્છા આપીને સૌને ચોંકાવી નાખ્યા હતા.
ફિલ્મ ક્ષેત્રે અપેક્ષા પ્રમાણે સફળતા મળી નહીં હોવા છતાં અભિષેક પણ લોકો માટે ચર્ચાના કેન્દ્રમાં રહે છે, તેમાંય વળી છેલ્લા કેટલાક મહિનાથી પત્ની ઐશ્વર્યા રાય સાથે પરિવારને જામતું નહીં હોવાથી તેમની વચ્ચે અંતર વધ્યું હોવાના રોજ સમાચાર વહેતા થાય છે. આ સમાચારોની વચ્ચે આજે ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપી છે.
ઈન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યાએ પોતાની સાથે દીકરી અને અભિષેકના ફોટો સાથે શુભેચ્છા આપી છે. અન્ય બીજો ફોટો અભિષેકના બાળપણનો મૂક્યો છે. આ બંને ફોટો સાથે ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું હીયર વિશિંગ યુ હેપ્પી બર્થ-ડે વિથ મચ હેપ્પીનેસ, લવ, કામ, પીસ એન્ડ ગૂડ હેલ્થ ગોડ બ્લેસ સાઈન યુ.
ઐશ્વર્યાની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે, જેમાં કલાકોમાં હજારો લોકોએ તેના પર કમેન્ટ આપી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી ફોટોગ્રાફને પણ લાખો લોકોએ લાઈક આપી છે. એક યૂઝરે લખ્યું સ્લેપ ટૂ ધોસ હૂ સ્પ્રેડ હ્યુમર્સ અબાઉટ ડાઈવોર્સ. અન્ય યૂઝરે અભિષેકને પણ શુભેચ્છા આપી હતી.
ઐશ્વર્યા તો સોશિયલ મીડિયા પર વિશેષ એક્ટિવ રહેતી નથી, જેમાં છેલ્લે તેના દિવગંત પિતાજીને યાદ કરીને તસવીરો પોસ્ટ કરી હતી. સૌથી રસપ્રદ બાબત એ હતી કે ઐશ્વર્યાએ પોતાની દીકરી આરાધ્યા અને દિવંગત પિતા સાથે તસવીર શેર કરી હતી. અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ઐશ્વર્યા ઈન્સ્ટાગ્રામ પર પણ લિમિટેડ પોસ્ટ કરે છે.
અહીં એ જણાવવાનું કે આજે અભિષેકનો 48મો જન્મદિવસ છે, જ્યારે તેના બર્થ-ડે અંગે બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પણ શુભેચ્છા આપી હતી, ત્યારબાદ તેની બહેન શ્વેતા નંદાએ પણ શુભેચ્છા આપી હતી. ભત્રીજી નવ્યાએ પણ મામાને વિશ કરી હતી. અભિષેક બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિષેક ઘૂમરમાં જોવા મળ્યા હતા, પરંતુ હવે આગામી ફિલ્મ ગુલાબ જામુનમાં જોવા મળશે.