નવી દિલ્હીઃ ત્રિચીથી શારજહા જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX613માં ખરાબી આવી હતી. જે બાદ પાયલટના કહેવા પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બે કલાક સુધી હવામાં ચક્કર લગાવ્યા ફ્લાઇટે સફળ ઉતરાણ કર્યું હોવાનું ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક્સ પર પોસ્ટ કર્યુ છે. આ ફ્લાઇટમાં 140 મુસાફરો સવાર હોવાનું કહેવાય છે.
શું આવી હતી મુશ્કેલી
એર ઈન્ડિયાની ફ્લાઇટે ઉડાન ભર્યા બાદ પૈડાં અદર આવ્યા નહોતા. ઇમરજન્સીથી બચવા માટે બે કલાક હવામાં ચક્કર લગાવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર 20થી વધારે એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ તૈનાત કરવામાં આવી હતી.
પાયલોટે હાઇડ્રોલિક ફેલ્યોર અંગે એરપોર્ટને જાણ કરી હતી. જેને લઈ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. એક રિપોર્ટ પ્રમાણે વિમાન 4255 ફૂટની ઊંચાઈએ ચક્કર લગાવ્યા હતા. એરક્રાફ્ટમાં હાઇડ્રોલિક ફેલ્યોર થાય છે જ્યારે લેન્ડિંગ ગિયર, બ્રેક્સ અને ફ્લેપ્સ જેવા મહત્વપૂર્ણ ભાગોને નિયંત્રિત કરવા માટે દબાણયુક્ત પ્રવાહીનો ઉપયોગ કરતી સિસ્ટમ યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે.