
નવી દિલ્હી : દેશમાં તહેવારોની સિઝન શરૂ થતાં જ ઘણી એરલાઇન્સ કંપનીઓ દ્વારા સસ્તી ટિકિટોની જાહેરાત કરવામાં આવી રહી છે. હવે આ શ્રેણીમાં એર ઈન્ડિયા(Air India)એક્સપ્રેસે તેના ફ્લેશ સેલની જાહેરાત કરી છે. આ ફ્લેશ સેલમાં એક્સપ્રેસ લાઇટનું ભાડું રૂપિયા 1037 થી શરૂ થઈ રહ્યું છે. જ્યારે એક્સપ્રેસ વેલ્યુનું ભાડું 1195 રૂપિયાથી શરૂ થઇ રહ્યું છે. જેમાં દિલ્હી-જયપુર, કોલકાતા-ઈમ્ફાલ, ચેન્નાઈ-ભુવનેશ્વર જેવા રૂટ પર શાનદાર ઑફર્સ ઉપલબ્ધ છે. આ ફલેશ સેલમાં 32 સ્થળોની મુસાફરી માટે વિશેષ ભાડું ઓફર કરવામાં આવી રહ્યું છે.
26 ઓગસ્ટથી 24 ઓક્ટોબર, 2024 સુધીના બુકિંગ પર ઓફર
એરલાઇનની પ્રેસ રીલીઝ મુજબ, આ ટિકિટોનું વેચાણ 25 ઓગસ્ટ સુધી કરવામાં આવેલા બુકિંગ માટે ખુલ્લું છે. જેની મુસાફરી 26 ઓગસ્ટથી 24 ઓક્ટોબર, 2024 સુધી એરલાઇનના સ્થાનિક રૂટ પર કરી શકાશે. જેમાં સમગ્ર ભારતમાં 32 સ્થળ માટે ટિકિટ બુક કરાવી શકાશે. જો મુસાફર airindiaexpress.com વેબસાઈટ પરથી ટિકિટ બુક કરાવશે તો મુસાફરને ત્રણ કિલો સુધીનો સામાન ફ્રી લઈ જવાની સુવિધા મળશે. તેમજ જો મુસાફર એર ઈન્ડિયા એક્સપ્રેસના લોયલ્ટી મેમ્બર હશે તો વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.