Ahmedabad સોલા સિવિલમાં તબીબોએ જટિલ ઓપરેશન કરી કિશોરીને નવજીવન બક્ષ્યું

અમદાવાદઃ અમદાવાદ(Ahmedabad) શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકીના પેટમાંથી 10 ઈંચ લાંબો વાળનો ગુચ્છો નિકળ્યો હતો. રાજસ્થાનની 13 વર્ષીય કિશોરીના પેટમાંથી 10 ઈંચ લાંબો વાળનો ગુચ્છો બહાર કાઢ્યો હતો. આ વાળનો ગુચ્છો જોઇને એક સમયે તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. લેપ્રોસ્કોપી મશીનથી જટિલ સર્જરી કરીને તબીબોએ આ કિશોરીને નવજીવન આપ્યું હતું. ખાસ કરીને 10થી 15 વર્ષની બાળકીઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
પેટમાં ત્રણ કાણાં પાડીને સર્જરી કરી
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત આ પ્રકારની જટિલ સર્જરી લેપ્રોસ્કોપી એચડી વીડિયો મશીનથી કરવામાં આવી હતી, જેમાં ફક્ત કિશોરીના પેટમાં ત્રણ કાણાં પાડીને લેપ્રોસ્કોપી મશીન પેટની અંદર પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેના પેટમાંથી વાળનો ગુચ્છો બહાર કાઢવા માટે એક ચીરો લગાવવામાં આવ્યો હતો એટલે કે ફક્ત પાંચથી છ ટકામાં જ તેનું સંપૂર્ણ ઓપરેશન સફળ રહ્યું હતું.
કિશોરી ટ્રાયકોબેઝોરની સમસ્યાથી પીડિત
રાજસ્થાનના ડુંગરપુરથી એક 13 વર્ષીય કિશોરીને પેટમાં દુખાવો અને ઊલટીની ફરિયાદ હતી. તેને લઈને પરિવારજનો દ્વારા અમદાવાદ સોલા સિવિલ લાવવામાં આવી હતી. જોકે અહીં તબીબોએ તેની તપાસ કરતાં તેને ટ્રાયકોબેઝોર નામની તકલીફ હોવાનું જાણાવ્યું હતું. આ બીમારીને રેપન્ઝલ સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કિશોરીના પેટમાં જે ટ્રાયકોબેઝોર હતું, એ બનવાની શરૂઆત લગભગ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી થઈ હોવાનું તબીબોએ જણાવ્યુ છે. ખાસ કરીને નાનાં બાળકો અને 10થી 15 વર્ષની કિશોરીઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે.