નવી દિલ્હી: ભારતીય સેનામાં જવાનોની ભરતી માટે લાગુ કરવામાં આવેલી અગ્નિવીર યોજના(Agniveer scheme) બાબતે સતત વિરોધ થઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણી દરમિયાન પણ વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો હતો, કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે INDIA ગઠબંધન સત્તા પર આવશે તો આ યોજના રદ કરવામાં આવશે. જોકે INDIA ગઠબંધન સત્તા ના મેળવી શક્યું. NDA ગઠબંધનની નવી સરકાર રચાયા બાદ એવા અહેવાલો છે કે અગ્નિપથ યોજનામાં ફેરફારો કરવામાં આવી શકે છે.
અગ્નીવીરોને કાયમ કરવા અને તાલીમના સમયગાળાના મુદ્દાઓ પર આંતરિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાલમાં જ ત્રણેય સેનાઓમાં આ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો, જેના પરિણામોમાં મહત્વના મુદ્દા સામે આવ્યા છે. જો કે, આ ફેરફારો અંગે હજુ સુધી સરકારને કોઈ ઔપચારિક દરખાસ્ત મોકલવામાં આવી નથી. આ એવી દરખાસ્તો છે જેના પર સશસ્ત્ર દળો દ્વારા હજુ પણ ચર્ચા થઈ રહી છે.
Read This…
એક ફેરફાર અગ્નીવીરોને કાયમ કરવાની ટકાવારી વધારવાનો છે, જેમાં હાલમાં માત્ર 25 ટકાની જોગવાઈ છે. ચર્ચા છે કે આ 25 ટકાની મર્યાદા વધારીને 60-70 ટકા કરવામાં આવી શકે. આ સિવાય વિશેષ દળો સહિત ટેકનિકલ અને નિષ્ણાત સૈનિકો માટે આ કેપ લગભગ 75 ટકા સુધી વધારવામાં આવી શકે છે.
અધિકારીએ કહ્યું કે જ્યારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે સૈનિકો માટે તાલીમનો સમયગાળો 37 થી 42 અઠવાડિયાનો હતો. સેનાને મળેલા આંતરિક પ્રતિસાદમાં જાણવા મળ્યું છે કે તાલીમનો સમયગાળો ઘટાડીને 24 અઠવાડિયા કરવાનો સૈનિકો પર નકારાત્મક અસર પડી રહી છે.
સેનાચર્ચા કરી રહી છે કે અગ્નિવીર માટેનો તાલીમ સમયગાળો સામાન્ય સૈનિકો માટે નિર્ધારિત જેટલો જ હોવો જોઈએ, જ્યારે તેમની સેવાનો સમય વધારીને 4ને બદલે 7 વર્ષ કરવો જોઈએ, જેથી તેમને ગ્રેચ્યુઈટી અને ભૂતપૂર્વ સૈનિકનો દરજ્જો આપી શકાય.
અન્ય સૂચનોની વાત કરીએ તો તેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારોને અન્ય કામ માટે રાખવાનો પણ સમાવેશ થાય છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી સંબંધિત કામ માટે પ્રોફેશનલ્સની જરૂર છે, અગ્નિવીર તેમની ભરતી કરવા માટે એક યોગ્ય રીત છે. તેમણે કહ્યું કે અન્યથા 2035 સુધીમાં તેમના માટે ઘણા વરિષ્ઠ પદો ખાલી થઈ જશે.
આ ઉપરાંત ઘણા સૂચનો પર પણ ચર્ચા થઈ રહી છે, જેમાં અગ્નિવીરોની સિનીયોરીટી સુરક્ષિત કરવા ઉપરાંત તેમને અર્ધલશ્કરી દળોમાં નવેસરથી સામેલ કરવાને બદલે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં સામેલ કરવાનું સૂચન પણ સામેલ છે.