આગે આગે દેખીયેઃ ફડણવીસે અશોક ચવ્હાણના રાજીનામા બાદ કર્યો કોના તરફ ઈશારો
મુંબઈઃ આખો દેશ બિહારની રાજનીતિના સમાચારો પર નજર માંડીને બેઠો હતો ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક ભૂકંપ આવ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણે પક્ષને રાજીનામું ધરી દીધું છે. આ સાથે અશોક ચવ્હાણે આજે સવારે 11.24 વાગ્યે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ધારાસભ્ય પદ પરથી રાજીનામું સોંપી દીધું છે. સ્પીકરના કાર્યાલયે રાજીનામું સ્વીકારી લીધું છે.
ચવ્હાણ કૉંગ્રેસનો બહુ મજબૂત ચહેરો માનવામાં આવતો હતો, પણ હવે તેઓ ભાજપમાં જોડાવાની તૈયારીમાં હોવાનું જણાઈ રહ્યું છે. જોકે તેના કરતા પણ ચોંકાવનારી વાત એ છે કે કૉંગ્રેસમાંથી હજુ રાજીનામાં આવે તેવી સંબાવના છે. ચવ્હાણ બાદ 10થી 12 ધારાસભ્યો પણ પક્ષ બદલી શકે છે. થોડા દિવસોમાં રાજ્યના કૉંગ્રેસના ત્રણ મોટા નેતાના રાજીનામાએ પક્ષને હચમચાવી મૂક્યો છે. અગાઉ બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરા કોંગ્રેસ છોડી ચૂક્યા છે.
ચવ્હાણ આજે જ ભાજપમાં જોડાઈ તેવી સંભાવનાઓ છે. જોકે ચવ્હાણના રાજીનામા બાદ ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપેલું નિવેદન મહત્વનું બની રહ્યું છે. અશોક ચવ્હાણ વિશે રાજ્યના ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મેં મીડિયા પાસેથી અશોક ચવ્હાણ વિશે સાંભળ્યું. પરંતુ અત્યારે હું એટલું જ કહી શકું છું કે કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. પ્રજા સાથે જોડાયેલા નેતાઓ કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મને ખાતરી છે કે કેટલાક મોટા ચહેરાઓ કોંગ્રેસમાં જોડાશે. આગે આગે દેખીયે હોતા હૈ ક્યા.
મળતી માહિતી અનુસાર આવનારા સમયમાં કૉંગ્રેસના લગભગ દસેક વિધાનસભ્ય ભાજપમાં જોડાઈ તેવી ચર્ચા ચાલી રહી છે. તેમાં જિતેશ અંતાપુરકર, વિશ્વજીત કદમ, અમિત ઝણક, માધવ જવળકર અને અમર રાજૂરકરના નામ બોલાઈ રહ્યા છે અને કહેવાય છે કે તેઓ આજકાલમાં જ કૉંગ્રેસને મોટો ઝટકો આપી પોતાના રાજીનામા ધરી શકે છે.
લોકસભાની ચૂંટણીની નજીક આવી રહી છે ત્યારે કૉંગ્રેસ માટે મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ નિયંત્રણ બહાર હોવાનું જણાઈ રહ્યું છે.