ઔરંગઝેબના વખાણ કરવા મોંઘા પડ્યા! અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા…

મુંબઈ: મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કરીને સમાજવાદી પાર્ટી (SP) ના મહારાષ્ટ્રના વિધાનસભ્ય અબુ આઝમી વિવાદોમાં ફસાયા છે. હવે, વિધાનસભ્ય અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભાના સમગ્ર બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં (Abu Azami Suspended from Assembly ) આવ્યા છે. આજે બુધવારે વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ સંસદીય બાબતોના પ્રધાન ચંદ્રકાંત પાટીલે સસ્પેન્શનનો પ્રસ્તાવ રજૂ કર્યો, જે પસાર થઇ જતા અબુ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અબુ આઝમીએ શું કહ્યું હતું?
અબુ આઝમીએ ઔરંગઝેબની પ્રશંસા કરી અને કહ્યું કે તે એટલો અત્યાચારી ન હતો. તેમના શાસનકાળ દરમિયાન ભારત “સોને કી ચીડિયા” હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઔરંગઝેબે ઘણા મંદિરો બનાવ્યા હતા અને છત્રપતિ સંભાજી મહારાજ સાથેનું તેમનું યુદ્ધ ધાર્મિક નહોતું પણ સત્તા માટેનો સંઘર્ષ હતો. તેમના આ નિવેદનને કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું હતું. જોકે, બાદમાં તેમણે નિવેદન બદલ ફી માંગી લીધી.
વિધાનસભ્ય પદ રદ કરવા માંગ:
ભાજપના વિધાનસભ્ય સુધીર મુનગંટીવારે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અબુ આઝમીને માત્ર એક કે બે સત્ર માટે નહીં, પરંતુ વિધાનસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવા જોઈએ. તેમણે કહ્યું, “છત્રપતિ શિવાજી મહારાજ પૂજનીય છે અને તેમનું અપમાન કરનારાઓને છોડી શકાય નહીં.”
Also read : Assembly Session: ભાજપ – સેના (યુબીટી) વચ્ચે શું ચાલી રહ્યું છે????
એકનાથ શિંદેએ કરી ટીકા:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાન પરિષદ અને વિધાનસભા બંને ગૃહોમાં અબુ આઝમી પર પ્રહારો કર્યા હતાં. તેમણે વિધાન પરિષદમાં કહ્યું કે અબુ આઝમીએ અગાઉ શિવાજી મહારાજ વિરુદ્ધ પણ વાંધાજનક નિવેદનો આપ્યા હતા. હવે તેઓ જાણી જોઈને છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજીનું અપમાન કરી રહ્યા છે.