દ્વારકા જિલ્લામાં નદીમાં ફસાયેલા ખેડૂતોનું એરફોર્સ દ્વારા દિલધડક કરાયું રેસ્ક્યૂ
જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લામા સવારથી જ વરસી રહેલા અનરાધાર વરસાદનાઆ પગલે અનેક ગામો જળબંબાકાર થઈ ચૂક્યા છે. આ દરમિયાન કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે નદીના પ્રવાહમાં ત્રણ ખેડૂતો ફસાઈ ચૂક્યા હતા. આ બનાવની જાણ થયા બાદ ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા એરફોર્સની મદદ લઈને દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ વરસ્યો હતો. અનરાધાર વરસાદ પડવાને લીધે અનેક ગામો જળબંબાકર થઈ ચૂક્યા હતા. કલ્યાણપુરના પાનેલી ગામે વાડી વિસ્તારમાં તારણ ખેડૂતો નદીના પ્રવાહમાં ફસાયા હતા. આ બાબતની જિલ્લા કલેકટરને જાણ કરતાં તેમના માર્ગદર્શન હેઠળ ફાયર વિભાગ અને પોલીસ તંત્રની મદદથી એરફોર્સની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
કલ્યાણપુર તાલુકાનાના અન્ય ગામોમાં પણ અનેક લોકો ફસાયા હતા. જિલ્લા તંત્ર દ્વારા NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી હતી. તાલુકાના કેશવપુરા અને ટંકારીયા ગામે પણ 4 -4 લોકોને બચાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલે વહીવટીતંત્રએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: porbandarના મધદરિયે પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ
આજે સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં કુલ 108 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ માણાવદરમાં છ ઈંચથી વધુ અને માળિયા-હટિનામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચથી વધુ, ગીર ગઢડામાં સાડા ચાર ઈંચથી વધુ, વિસાવદરમાં ચાર ઈંચ, પલસાડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસી ચુક્યો છે, આ ઉપરાંત રાણાવાવમાં ત્રણ ઈંચથી વધુ, વાપીમાં ત્રણ ઈંચ, ઉમરપાડા અને કેશોદમાં ત્રણ ઈંચ, કામરેજમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે.