જૂનાગઢ: ગિરનાર પર્વતની તળેટીથી લીલી પરિક્રમાનું શરૂઆત (Girnar Lili Parikrama) થઇ ચુકી છે, લાખો ભાવી ભક્તો આ પરિક્રમા કરવા પહોંચી રહ્યા છે. પરિક્રમા શરૂ થવાના 24 કલાક પહેલા જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે એકાદશીના 24 કલાક પહેલા જ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. એવામાં એવા પણ આહેવાલો મળી રહ્યા છે કે, ભારે ભીડ અને ગરમીના કારણે 48 કલાકમાં 9 લોકોના હાર્ટ એટેકને કારણે મોત થયા હતા.
ડોકટરે આપી આવી સલાહ:
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે, દિવસ દરમિયાન ઉમટેલી ભારે ભીડ અને અત્યંત ગરમીના કારણે કેટલાક લોકોને હાર્ટ એટેક આવ્યો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 8 લોકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતાં.
આપણ વાંચો: Girnar Lili Parikrma : ગિરનારની લીલી પરિક્રમામા આવેલા બે યાત્રાળુના હાર્ટ એટેકથી મૃત્યુ
અહેવાલ મુજબ મૃતકોમાં રાજકોટના 3, મુંબઈ અને અમદાવાદના 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીધામ, દેવળા અને અમરસરમાંથી 1-1 વ્યક્તિનું મોત થયું છે.
ડોકટરે લોકોને એકસાથે 36 કિલોમીટર ન ચાલવા વિનંતી કરી છે. તેમણે લોકોને પરિક્રમાના રસ્તામાં સમયાંતરે આરામ કરવા સલાહ આપી. પરિક્રમા દરમિયાન જો કોઈ સમસ્યા જણાય તો તાત્કાલિક મેડિકલ કેમ્પનો સંપર્ક કરવો.
પરિક્રમાનો મહિમા:
ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે જેને કારણે દુર દુરથી લોકો ઉમટી પડે છે, જો કે આ પરિક્રમા કપરી હોય છે. સાધુ, સંતો અને અધિકારીઓએ પરિક્રમા માર્ગ પર પૂજા કરીને પરિક્રમા શરુ કરાવી હતી. ભજન, ભક્તિ, લાગણીઓ અને ભોજનના આ સંગમ સમી આ પરિક્રમા માટે દર વર્ષે લાખો લોકો ઉમટે છે અને ચાર દિવસ અને ત્રણ રાત ગાઢ જંગલમાં વિતાવે છે.