જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી
ટોકિયોઃ નવા વર્ષના પહેલા દિવસે જ્યારે દુનિયાભરના લોકો ઉજવણીના માહોલમાં વ્યસ્ત છે ત્યારે ઉગતા સૂર્યના દેશ ગણાતા જાપાનમાં નવા વર્ષની શરૂઆત શક્તિશાળી ભૂકંપને કારણે જનજીવનને અસર થઈ હતી.
મળતી માહિતી મુજબ જાપાનના ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ આવ્યા બાદ જાપાને સુનામીની ચેતવણી જારી કરી છે. અહેવાલો અનુસાર, નવા વર્ષના પ્રથમ દિવસે સોમવારે ઉત્તર મધ્ય જાપાનમાં 7.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાપાનની હવામાન એજન્સીએ ઇશિકાવા, નિગાતા અને તોયામા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરી છે.
મળતા અહેવાલો અનુસાર જાપાન સરકારે એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટમાં 5 મીટર સુધીના મોજાંની આગાહી કરવામાં આવી છે. આ સાથે લોકોને ઝડપથી દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવાની અને ઉંચાઇવાળા વિસ્તારોમાં જતા રહેવાની પણ વિનંતી કરવામાં આવી છે.
જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ જાનમાલના નુક્સાનના તો કોઇ સમાચાર જાણવા મળ્યા નથી, પણ રસ્તામાં તિરાડો પડેલી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં બુલેટ ટ્રેનની ઝડપથી હલતી (ધ્રુજતી) જોઇ શકાય છે. ભૂકંપને કારણે ટ્રેનને હલતી જોઇને સ્ટેશન પર હાજર રહેલા લોકો પણ ડરી ગયા હતા.
જાપાનમાં ભૂકંપ આવ્યા બાદ હોકુરીકુ ઈલેક્ટ્રોનિક પાવર કંપનીએ એક નિવેદન જારી કર્યું હતું. તેમણે ભૂકંપની અસર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભૂકંપ ઘણો જ શક્તિશાળી હતો. ભૂકંપ બાદ 36,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. કંપની હાલમાં પાવર પ્લાન્ટ પર આ ભૂકંપની અસરની તપાસ કરી રહી છે.