ગુજરાતના 6 પ્રધાનને ફાળે આવ્યા આટલા ખાતા, કોને કયા ખાતા મળ્યાં, જાણો?
નવી દિલ્હી: આજે નરેન્દ્ર મોદી સરકારની (Narendra Modi) પ્રથમ કેબિનેટ બેઠક (First Cabinet Meeting) મળી હતી. પ્રધાનમંત્રી આવાસ પર નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠકને સંબોધતા કહ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાની નેમની વાત કરી હતી. જો કે આ પ્રથમ બેઠક બાદ સરકારના મહત્વપૂર્ણ ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનેલા 2 મંત્રીઓ અને લોકસભાની ચૂંટણી જીતેલા 4 મંત્રીઓ મળીને ગુજરાતનાં કુલ 6 સાંસદો મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય મંત્રી બનવાના છે. જો કે મોદી સરકારની ગઈ ટર્મમાં છ ગુજરાતીઓ કેન્દ્રીય મંત્રીઓ હતા, જ્યારે આ વખતે માત્ર 4 ગુજરાતી સાંસદો કેન્દ્રીય મંત્રીઓ બન્યા હતા.
અમિત શાહને ગૃહ મંત્રાલય યથાવત :
ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતેલા અમિત શાહને તેનું ગૃહ મંત્રાલય યથાવત રહ્યું છે. અમીત શાહ હવે ફરીથી કેંદ્રમાં ગૃહ અને સહકારીતા મંત્રાલય સંભાળશે. અમિત શાહ 2019 માં કેન્દ્રમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. ગાંધીનગર બેઠક પર અમીત શાહને 7, 44, 716 મતોની લીડ મળી હતી. 2019માં ગૃહમંત્રી તરીકેના અમિત શાહના કાર્યકાળમાં મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા. કશ્મીરમાંથી કલમ 370 ની નાબૂદી, CAA જેવા મહત્વપૂર્ણ બિલો આવ્યા હતા.
એસ. જયશંકરને વિદેશ મંત્રાલય
એસ. જયશંકરને ફરીથી વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓનું વિદેશ મંત્રાલય મોદી 3.0 સરકારમાં પણ યથાવત રહ્યું છે. એસ. જયશંકર ગુજરાતથી રાજ્યસસભાના સાંસદ છે. 2019 માં નરેન્દ્ર મોદી સરકારમાં તેઓ વીદેશમંત્રીનું પદ નિભાવી ચૂક્યા છે અને આ દરમિયાન તેમણે મક્કમતાથી વિદેશોમાં પણ ભારતનો પક્ષ રાખ્યો હતો. તેઓ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બન્યા બાદ કેન્દ્રીય મંત્રી તરીકે ફરજો નિભાવવાના છે.
સી. આર. પાટીલને જળ શક્તિ
વર્તમાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી બેઠકથી ચૂંટણી જીતેલા સી. આર. પાટીલને મોદી 3.0 સરકારમાં પ્રથમ વખત કેન્દ્રીય મંત્રીનું પદ મળ્યું છે. જો કે આ પહેલા તેઓએ સંગઠનમાં જ કામ કર્યું હતું. ગુજરાત વિધાનસભામાં ભાજપને મળેલી 156 બેઠકોની જીતમાં તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. હાલ તેઓએ નવસારી બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. નવસારી બેઠક પર સી. આર. પાટીલે 7,73,551 મતોની સરસાઈ સાથે જીત્યા છે. 2009ના વર્ષે પાટીલે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી ત્યારથી લઈને આજસુધી તેમના મતોની લીડમાં સતત વધારો થતો આવ્યો છે. હવે સી. આર. પાટિલ કેન્દ્રીય મંત્રી બન્યા છે જેથી હવે પ્રદેશ પ્રમુખનું પદ કોણ સંભાળશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.
જે. પી. નડ્ડાને ફાળે આરોગ્ય
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી બન્યા છે. હાલ તેઓ પણ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. તેની સાથે જ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. નડ્ડા મોટાભાગે સંગઠનની વિવિધ જવાબદારીઓ સંભાળતા આવ્યા છે. 1991થી 1994 સુધી તેઓ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. જે. પી. નડ્ડા 2014ની નવનિર્મિત મોદી સરકારમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાનની જવાબદારી નિભાવી ચૂકયા છે.
મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર
પોરબંદર બેઠક પરથી ચૂંટણી જીતેલા મનસુખ માંડવિયાને મોદી સરકારમાં ફરી વખત કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. મોદી 3.0 સરકારમાં મનસુખ માંડવિયાને શ્રમ-રોજગાર મંત્રાલય તેમજ સાથે જ યુવા અને રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા છે. મનસુખ માંડવિયાના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પોરબંદર બેઠક પરથી કોઈ કેન્દ્રીય પ્રધાન બન્યું હોય તેવો ઇતિહાસ રચાયો છે. આ પહેલા મનસુખ માંડવિયા 2019માં આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી રહી ચુક્યા છે તેમજ કેમિકલ અને ફર્ટિલાઈઝર વિભાગનો પણ હવાલો સંભાળી ચૂક્યા છે.
નિમુબેન બાંભણિયાને ખાદ્ય અને જાહેર વિતરણ
ભાવનગર બેઠક પરથી પ્રથમ વખત જ સાંસદ બનેલા નિમુબેનને સીધા જ કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. નિમુબેનને નવી સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે. ભાવનગર બેઠક પર ભાજપના સાંસદ ભારતીબેન શિયાળની ટિકિટ કાપીને આ બેઠક પર નવા જ ચહેરા તરીકે નિમુબેન બાંભણીયાને મેદાનમાં ઉતાર્યા હતા. નિમુ બાંભણીયા અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીના સભ્ય તેમજ રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી રહ્યા છે. તેમજ ભાવનગર જિલ્લા કોળી કર્મચારી મંડળના સભ્ય છે.