આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ચિંતાજનક: રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી 5ના મોત, હેલ્થ ચેકપ કરાવવા તબીબોએ આપી સલાહ

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં યુવાન વયના લોકોમાં હૃદય રોગના હુમલાથી મોતના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. એવામાં રાજકોટમાં ગઈકાલે સોમવારે એક એક જ દિવસમાં હાર્ટ એટેકથી 5 લોકોના મોત થતા સ્થિતિ ચિંતા જનક બનતી જણાઈ રહી છે. નવરાત્રી નજીક છે ત્યારે તબીબોએ સલાહ આપી રહ્યા છે કે યુવાનોએ ગરબા રમવા જતા પહેલા હેલ્થ ચેકપ કરાવવું જોઈએ, અને ડોક્ટરની સલાહ પ્રમાણે આહાર-દવાઓ લેવી જોઈએ તથા દરરોજ માફકસર કસરત કરવી જોઈએ.

હૃદય રોગના હુમલાથી મોતના પ્રથમ બનાવની જાણકારી મુજબ, કોઠારીયા મેઇન રોડ ઉપર ખોખડદડ નદી પાસે આવેલા ઓમ ઉદ્યોગનગરમાં રહેતા અને કારખાનામાં શ્રમિક તરીકે કામ કરતા રસીદખાન નથુખાન બાર નામનો 34 વર્ષનો યુવાન ઢળી પડ્યો હતો. યુવકને બેભાન અવસ્થામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ મૃતક રસીદખાન મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને બે ભાઈ છ બહેનમાં સૈથી નાનો હતો. મૃતક રસીદખાન બાનને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

બીજા કિસ્સાની માહિતી મુજબ રાજકોટની હદમાં આવેલા કોઠારિયા ગામમાં રહેતા 45 વર્ષીય રાજેશ ભુત તેમના ખેતરમાં હતા ત્યારે ગઈ કાલે સવારે સવારે 10 વાગ્યાની આસપાસ તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ત્રીજા કિસ્સાની જાણકારી મુજબ રાજકોટમાં રહેતો નેપાળનો 35 વર્ષીય યુવક લલિત પરિહાર રહેણાંક એપાર્ટમેન્ટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો, સોમવારે ઘરે હતો ત્યારે ઢળી પડ્યો ગયો. તેને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળતા તને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

ચોથા મામલાની જાણકારી મુજબ 21 વર્ષીય ધારા પરમાર તેના ઘરે હતી ત્યારે તે બેભાન થઈ ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કથિત રીતે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ધારા ત્રણ બહેનોમાં સૌથી નાની હતી અને તેના પિતા લેથ ફેક્ટરીમાં કામ કરે છે.

પાંચમાં કિસ્સાની જાણકારી મુજબ 30 વર્ષીય વિજય સંકેત મેટોડા જીઆઈડીસીમાં એક કારખાનામાં રસોઈયા તરીકે નોકરી કરતો હતો ત્યારે તે ઢળી પડ્યો હતો, તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ કિસ્સામાં પણ હાર્ટ એટેક મૃત્યુનું કારણ હોવાની શંકા છે.

શહેરના વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટે જણાવ્યું હતું કે કોવિડ પછી યુવાનોમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. કોવિડ પહેલાના દિવસોમાં આવી સ્થિતિ ન હતી અને આનો અર્થ એ છે કે બંને વચ્ચે કેટલીક લિંક છે. તદુપરાંત, યુવાનોમાં હાઈ બ્લડ પ્રેશરના કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેનું મુખ્ય કારણ તેમની તણાવપૂર્ણ જીવનશૈલી છે.

કાર્ડિયોલોજિસ્ટે કહ્યું કે ઘણીવાર જ્યારે યુવાનોને અસ્વસ્થતા જેવું લાગે છે પરંતુ તેઓ બ્લડ પ્રેશર અને ઇસીજી તપાસ કરાવવાનું ટાળે છે. તેથી તેમની સારવાર થઇ શકતી નથી. ત્યાર બાદ સ્થિતિ બગડે છે અને આ બેદરકારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button