ભારે વરસાદને કારણે રિસોર્ટમાં ફસાયેલા 49 અને ખેતરમાંથી 16 જણને બચાવાયા
મુંબઈ: ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં શાહપુરના રિસોર્ટમાં ફસાયેલા 49 જણ અને વસઈ નજીકના ખેતરમાં ફસાયેલા 16 લોકોને નૅશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે (એનડીઆરએફ) બચાવી લીધા હતા.
શનિવારે રાતથી પડતા મુશળધાર વરસાદને કારણે શાહપુરના અમુક ભાગોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ફરિયાદો પાલિકાને મળી હતી. એક રિસોર્ટમાં સહેલાણીઓ ફસાયા હોવાની માહિતી મળતાં જ એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી. રિસોર્ટમાંથી બધાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ જ રીતે વસઈના ચાલીસ પાડા સ્થિત સાયવનમાં પણ આઠ મહિલા સહિત 16 જણ પાણી વચ્ચે ફસાઈ ગયાં હતાં. આ લોકો રવિવારની સવારે 7 વાગ્યાની આસપાસ તાનસા નદી પાસેના ખેતરમાં કામ માટે ગયા હતા.
કહેવાય છે કે વરસાદને કારણે સવારે 11 વાગ્યે ડેમનું પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. અચાનક નદીમાં પાણીનું સ્તર વધી જતાં આસપાસના પરિસરમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેને કારણે ખેતરમાં કામ કરનારા 16 જણ ત્યાં જ ફસાઈ ગયા હતા.
ખેતરમાં ફસાયા લોકોની માહિતી મળતાં એનડીઆરએફ અને ફાયર બ્રિગેડના જવાનો મદદ માટે દોડી આવ્યા હતા. ત્રણ વાગ્યા સુધી ચાલેલા બચાવકાર્યમાં બધાને સુરક્ષિત ઉગારી લેવાયા હતા. કોઈને ઇજા થઈ ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરથી પીડિત વિદ્યાર્થી મુદ્દે હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
એનડીઆરએફના અધિકારીએ જણાવ્યું હતું કે ચોમાસાની તૈયારીના ભાગ રૂપે એનડીઆરએફની ટીમોને મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં અનેક સ્થળે તહેનાત કરવામાં આવી છે. દરેક ટીમમાં 32થી 35 જવાનોનો સમાવેશ છે. આવી 13 ટીમ તૈયાર હોવાનું અધિકારીનું કહેવું છે. પુણેના મુખ્યાલયમાં પાંચ ટીમ રાખવામાં આવી છે.