ભુજ: ગત જુલાઈ મહિનામાં કસ્ટમ તંત્રએ મુંદરા અદાણી બંદરેથી આફ્રિકન દેશોમાં નિકાસ અર્થે જઈ રહેલાં બે શંકાસ્પદ કન્ટેઈનરોમાંથી ૧૧૦ કરોડના મૂલ્યની ટ્રામાડોલ ટેબ્લેટ (અફીણમાંથી બનતી ગોળી)નો જથ્થો પકડાયાના પ્રકરણમાં તપાસ કરી રહેલી એજન્સીએ રાજકોટની નિકાસકાર પેઢીના પરત મંગાવેલાં શંકાસ્પદ કન્ટેનરોમાંથી અંદાજિત રૂા. ૪૧ કરોડથી વધુનો જથ્થો મળી આવ્યો છે.
આ અંગે જાણવા મળેલી સત્તાવાર વિગતો મુજબ, રાજકોટની રેઈન ફાર્મા નામની બ્લેક લિસ્ટેડ કરી દેવાયેલી કંપનીના મુન્દ્રા બંદરેથી બારોબાર અન્ય દેશ તરફ નીકળી ગયેલા અને બાદમાં પરત બોલાવાયેલા કન્ટેનરમાંથી ૨૫,૬૦૦૦૦ જેટલી આ ‘ફાઈટર’ ડ્રગ્સની ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૪૧ કરોડ રૂપિયા જેવી થાય છે.
મુન્દ્રાની એસઆઈઆઈબી (સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન) શાખાને કન્ટેનરમાં રાખવામાં આવેલા ૧૨૮ બોક્સ મળી આવ્યા હતા, જેમાં ડ્રામાડોલની પ્રતિબંધિત ૨૨૫ મિલીગ્રામની ગોળીઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો. એક બોક્સમાં ૨૦૦૦૦ ગોળીઓ રાખવામાં આવી હતી.
કસ્ટમની આ શાખાના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, આફ્રિકાની સીએરા લિયોન અને નાઈનેટ કંપનીને મોકલાયેલા આ શિપમેન્ટમાં ડાઈકલોફેનિક અને ગેબીડોલ નામની દવાઓ હોવાનું મિસડિકલેરેશન થકી જાહેર કરાયું હતું.
હાઈ સિક્યોરિટી ઝોનમાં સમાવાયેલા મુંદરા કસ્ટમથી ક્યારે નશાકારક દવાઓથી ભરેલો જથ્થો નીકળી ગયો હતો, એ બાબતની હાલ ઝીણવટભરી તપાસ ચાલુમાં હોવાનું તપાસકર્તાએ ઉમેર્યું હતું.
આપણ વાંચો: મુંદ્રા પોર્ટથી કસ્ટમ્સ વિભાગે જપ્ત કર્યો 110 કરોડનો પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રામાડોલ ટેબ્લેટનું વર્ગીકરણ ઓપીઓઈડ ડ્રગ્ઝ તરીકે કરાયેલું છે અને આ દવા અફીણમાંથી બનાવાય છે. સામાન્ય રીતે આ દવા શરીરમાં તીવ્ર દુઃખાવો કે પીડા થતી હોય ત્યારે કામચલાઉ ધોરણે અસહ્ય પીડામાંથી છુટકારો આપવા દર્દીને અપાય છે. આ દવા મગજની સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમ પર સીધી અસર કરે છે.
માદક દ્રવ્યોની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતાં નાર્કોટિક્સ ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીઝ એક્ટ ૧૯૮૫ અંતર્ગત એપ્રિલ ૨૦૧૮થી આ દવાની ભારતમાં આયાત અને નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયેલો છે.
આ અંગે મુંદરાના પ્રિન્સીપલ કમિશનર કેશવન એન્જિનિયરે જણાવ્યું હતું કે, ટ્રામાડોલની દવા લેવાથી કલાકો સુધી ઊંઘ આવતી નથી તેથી મધ્ય પૂર્વના ખતરનાક આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા ટ્રેઈન્ડ આતંકીઓ આ ‘ફાઇટર ડ્રગ્સ’નો વ્યાપક ઉપયોગ કરે છે.
આફ્રિકાના નાઈજીરીયા, ઘાના વગેરે જેવા ગરીબ દેશોમાં સિન્થેટીક (રસાયણોના સંયોજનોથી બનાવેલી કૃત્રિમ દવા) ટ્રામાડોલની ખૂબ ઊંચી માંગ છે.મુંદરા કસ્ટમે રાજકોટ ઉપરાંત ગાંધીધામ અને ગાંધીનગરમાં પણ આ કેસ સંદર્ભે તપાસ હાથ ધરી હોવાનું મુંદરાના પ્રિન્સીપલ કમિશનર કેશવન એન્જિનિયરે ઉમેર્યું હતું.