નવી દિલ્હી: ભારતીય રેલ્વે આગામી પાંચ વર્ષમાં 3,000 નવી ટ્રેનો શરુ કરવાની યોજના બનાવી રહી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ રેલવેની વર્તમાન વાર્ષિક પેસેન્જર ક્ષમતાને 800 કરોડથી વધારીને એક હજાર કરોડ કરવા માટે આગામી ચાર-પાંચ વર્ષમાં ત્રણ હજાર નવી ટ્રેનો શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. રેલવે પ્રધાને એમ પણ કહ્યું કે મુસાફરીનો સમય ઘટાડવો એ તેમના મંત્રાલયનું બીજું મહત્ત્વનું લક્ષ્ય છે.
રેલવે પ્રધાન વૈષ્ણવે રેલ ભવનમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, હાલમાં દર વર્ષે લગભગ 800 કરોડ મુસાફરો રેલ્વે દ્વારા મુસાફરી કરે છે. આપણે ચારથી પાંચ વર્ષમાં આ ક્ષમતા વધારીને 1000 કરોડ કરવી પડશે કારણ કે દેશની વસ્તી સતત વધી રહી છે, જેને સમાવવા માટે વધુ ટ્રેનોની જરૂર છે. 2027 સુધીમાં નવી ટ્રેનો શરૂ થવાથી વેઇટિંગ ટિકિટની ઝંઝટનો અંત આવશે અને દરેકને કન્ફર્મ ટિકિટ મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં 69 હજાર નવા કોચ ઉપલબ્ધ છે અને દર વર્ષે રેલ્વે લગભગ પાંચ હજાર નવા કોચ બનાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આ તમામ પ્રયાસોથી રેલ્વે દર વર્ષે 400 થી 450 વંદે ભારત ટ્રેનો ઉપરાંત 200 થી 250 નવી ટ્રેનો લાવી શકે છે. આ ટ્રેનો આગામી વર્ષોમાં રેલવેમાં જોડાવા જઈ રહી છે.
રેલવે પ્રધાને જણાવ્યું હતું કે મુસાફરીનો સમય ઘટાડવો એ રેલ્વે માટેનું બીજું લક્ષ્ય છે, જેના માટે મંત્રાલય ટ્રેનોની ઝડપ સુધારવા અને રેલ નેટવર્કને વિસ્તારવા પર કામ કરી રહ્યું છે. લાંબા રૂટની ટ્રેનોને વેગ આપવા અને ધીમી કરવા માટે લાગતો સમય ઘટાડવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે નિર્ધારિત સ્ટેશનો પર રોકવા સિવાય, ટ્રેનોએ રૂટ પર ઘણા વળાંકો પર સ્પીડ ઓછી કરવી પડે છે. રેલ્વેની ક્ષમતાને વધુ વધારવા માટે દર વર્ષે લગભગ પાંચ હજાર કિલોમીટરના પાટા નાખવામાં આવી રહ્યા છે.
રેલવે પ્રધાને વૈષ્ણવે જણવ્યું હતું કે એક હજારથી વધુ ફ્લાયઓવર અને અંડરપાસને પણ મંજૂરી આપવામાં આવી છે અને ઘણી જગ્યાએ કામ શરૂ થઈ ગયું છે. ગયા વર્ષે, અમે 1,002 ફ્લાયઓવર અને અંડરપાસ બનાવ્યા હતા અને આ વર્ષે અમે આ સંખ્યા વધારીને 1,200 કરવાનું લક્ષ્ય રાખ્યું છે.