ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકાની નેવાડા યુનિવર્સિટીમાં ગોળીબારમાં 3ના મોત, હુમલાખોર પણ મૃત હાલતમાં મળી આવ્યો

લાસ વેગસ: અમેરિકામાં વધુ એક વાર ગોળીબારની ઘટના બની છે. લાસ વેગાસ પાસે આવેલી નેવાડા યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર શકમંદ પણ માર્યો ગયો છે. લાસ વેગાસ મેટ્રો પોલીસે જણાવ્યું કે આ હુમલો સ્થાનિક સમય અનુસાર લગભગ 11:45 વાગ્યે થયો હતો.

મીડિયા અહેવાલ મુજબ, ગેમ્બલિંગ હબ અને પ્રવાસીઓથી ભરપૂર લાસ વેગાસથી થોડે દૂર સ્થિત યુનિવર્સિટી ઓફ નેવાડામાં ગોળીબારની ઘટના બની હતી છે. આ ઘટના અંગે, લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ઘટના પર હાજર અમારા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને એક ઈજાગ્રસ્તને સ્થાનિક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં શૂટરનું પણ મોત થયું છે.

ગોળીબાર થતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પોતાનો જીવ બચાવવા માટે યુનિવર્સિટીમાં તેમના રૂમમાં બંધ થઈ ગયા હતા. પરંતુ પોલીસે હુમલાખોર વિશે વધુ કોઈ માહિતી શેર કરી ન હતી અને કહ્યું હતું કે હુમલાના સંભવિત હેતુ વિશે કોઈ માહિતી નથી. શંકાસ્પદનું મૃત્યુ કેવી રીતે થયું એ અંગે પણ જાણકારી મળી નથી અને પોલીસે મૃતકોની ઓળખ પણ જાહેર કરી નથી.

મીડિયા અહેવાલ મુજબ પોલીસે એ સ્પષ્ટ કર્યું નથી કે શંકાસ્પદ વ્યક્તિએ આત્મહત્યા કરી હતી કે પોલીસના વળતા ગોળીબારમાં તેનું મોત થયું હતું. વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે અમે લાસ વેગાસની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આ અઠવાડિયાની શરૂઆતમાં, અમેરિકાએ એક જ વર્ષમાં સામૂહિક ગોળીબારની ઘટનાઓનો પોતાનો રેકોર્ડ તોડ્યો હતો.

આ વર્ષે અમેરિકામાં એવી 38 ઘટનાઓ ઘટી છે, જેમાં ગોળીબાર કરનારને બાદ કરતાં 4 કે તેથી વધુ લોકોની હત્યા કરવામાં આવી હોય. અગાઉ અમેરિકામાં એક વર્ષમાં માસ શૂટિંગની સૌથી વધુ સંખ્યા 36 હતી, જે ગયા વર્ષે નોંધાઈ હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button