2002 Gujarat Riot cases: ગુજરાત સરકારે ફરિયાદીઓ, સાક્ષીઓ અને ભૂતપૂર્વ ન્યાયાધીશની સુરક્ષા પાછી ખેંચી
![](/wp-content/uploads/2023/12/2002-riots.jpg)
અમદાવાદ: 2002 ગુજરાત રમખાણો(Gujarat Riots) ના ફરિયાદીઓ અને સાક્ષીની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી SITએ વર્ષ 2009માં સાક્ષી સુરક્ષા સેલની રચના કરી હતી, તેના પંદર વર્ષ બાદ હવે ગુજરાત સરકારે ફરિયાદીઓ,સાક્ષીઓ, વકીલો અને નિવૃત્ત ન્યાયાધીશને અપાયેલી પોલીસ સુરક્ષા (Police protection) પરત ખેંચી લીધી છે.
એક અખબારી અહેવાલ મુજબ સાક્ષીઓ, વકીલો અને ન્યાયાધીશની સુરક્ષા માટે તૈનાત તમામ કર્મચારીઓને પાછા ખેંચવાનો ગુજરાત પોલીસનો નિર્ણય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડાની ભલામણને પગલે 13 ડિસેમ્બરે આવ્યો હતો.
જેમને અપાયેલું પોલીસ હટાવવામાં આવ્યું છે તેમાં ભૂતપૂર્વ પ્રિન્સીપલ સિટી સેશન્સ જજ જ્યોત્સના યાજ્ઞિકનો પણ સમાવેશ થાય છે, જેમણે નરોડા પાટિયા હત્યાકાંડના કેસ સાથે સંકળાયેલા 32 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન તેમને કથિત રીતે 18 વખત ધમકીઓ મળી હતી, ત્યાર બાદ તેમણે ટુ લેયર સુરક્ષા આપવામાં આવી હતી.
ભૂતપૂર્વ નાયાધીશ જ્યોત્સના યાજ્ઞિકના નિવાસસ્થાનની બહાર ગાર્ડસનું એક ગ્રુપ તૈનાત રહેતું, તેઓ બહાર જતા ત્યારે એક ગાર્ડ તેમની સાથે રહેતો. નવેમ્બરમાં તેમના ઘરે તૈનાત ગાર્ડને કથિત રીતે જાણ કર્યા વિના હટાવી લેવામાં આવ્યા હતા.
અખબારી અહેવાલ મુજબ એડવોકેટ એમએમ તિર્મિઝી અને એસએમ વોરાને પણ સાક્ષીઓ સાથે પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી, જે હવે હટાવી લેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટની ભલામણના આધારે SIT જે નવ કેસો અંગે તપાસ કરી રહી રહી એ માટે એક સ્પેશિયલ સેલની રચના કરી હતી. જેમાં ગોધરા ટ્રેન હત્યાકાંડ અને નરોડા પાટિયા, નરોડા ગામ, ગુલબર્ગ સોસાયટી, દીપડા દરવાજા, સરદારપુર અને ઓડ ખાતે હત્યાકાંડનો સમાવેશ થાય છે.
ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના મુખ્ય સાક્ષીએ કહ્યું, જો અમને કંઈ થશે તો કોણ જવાબદાર હશે? કોર્ટ, SIT કે પોલીસ? જો પોલીસ સુરક્ષા દૂર કરવામાં આવે તો અમારી સુરક્ષા માટે અમને આર્મ લાયસન્સ આપવામાં આવે. મોટા ભાગના આરોપીઓ જામીન પર બહાર છે ત્યારે પોલીસ રક્ષણ પાછું લેવું યોગ્ય છે.
પોલીસ સુરક્ષા હટાવી લેતા ફરિયાદીઓ અને સાક્ષીઓમાં રોષની લાગણી છે, તેઓ હવે પ્રદર્શન કરીને વિરોધ નોંધાવાની તૈયારીઓ કરી રહ્યા છે.