
અમદાવાદઃ શહેર પોલીસ કમિશ્નર દ્વારા 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતાં પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. બદલી કરેલા પોલીસકર્મીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા પણ સૂચના આપવામાં આવી છે. સાગમટે બદલીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે જી એસ મલિકે જ્યારે હવાલો સંભાળ્યો ત્યારે તેઓએ પોલીસ કર્મચારીઓની ફરજનો કાર્યકાળ તપાસ્યો હતો, જેમાં એકજ જગ્યા પર કેટલાક પોલીસ કર્મીઓ લાંબા સમયથી ફરજ બજાવતા હતા. જેને લઈ જી.એસ.મલિક દ્વારા 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. ASIથી પોલીસ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ તમામ પોલીસકર્મી છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવી રહ્યાં હતા.
આ પણ વાંચો…ગુજરાત મોડલનો ફૂટ્યો ફૂગ્ગો, રાજ્યમાં બે વર્ષમાં 5400થી વધુ MSMEના પાટીયા પડ્યાં
પોલીસ કમિશ્નરે બદલીના ઓર્ડરમાં કડક શબ્દોમાં જણાવ્યું છે કે કોઇએ વળતો પત્રવ્યવહાર પણ કરવો નહીં અને બદલી કરવામાં આવેલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઇ જવું. અત્રે ઉલ્લેખનીય છે કે આઠ મહિના પહેલા પણ અમદાવાદ પોલીસ કમિશ્નરે દ્વારા 1500થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી.