જીરીબામઃ મણિપુરમાં ફરી હિંસાનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં આજે વધુ ઘર્ષણ વધ્યા પછી સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી હતી. જીરીબામ વિસ્તારમાં હથિયારોથી સજ્જ કુકી ઉપદ્રવીઓએ સીઆરપીએફ ચોકી પર હુમલો કરતા જવાબી કાર્યવાહીમાં આસામ રાઈફલ્સ અને સીઆરપીએફ એ 11 સશસ્ત્ર ઉપદ્રવીને ઠાર કર્યા છે, જ્યારે આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મણિપુરમાં ફરી હિંસા: બળાત્કાર કરી મહિલાને સળગાવી દેવાઈ
મણિપુરમાં આ પહેલા પણ ઉપદ્રવીઓએ સુરક્ષા દળોના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. પોલીસ સ્ટેશન પર પણ ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો અને હથિયારોની લૂંટ કરવામાં આવી હતી, પરંતુ આ વખતે સુરક્ષા દળો તૈયાર હતા અને ઉપદ્રવીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. મણિપુરમાં કુકી અને મૈતેયી સમુદાયો વચ્ચે શરૂ થયેલા સંઘર્ષે હિંસક વળાંક લીધો છે અને છેલ્લા ઘણા મહિનાઓથી સતત હિંસા ચાલી રહી છે.
સવારના હુમલામાં ખેડૂત ઘાયલ
આજે સવારે પૂર્વ ઇમ્ફાલ જિલ્લામાં આતંકવાદીઓએ નજીકના પહાડો પરથી યાઈગંગપોકપિ શાંતિખોંગબન વિસ્તારમાં ગોળીબાર કરતા ખેતરમાં કામ કરી રહેલ એક ખેડૂત ઘાયલ થયો હતો. વંશીય સંઘર્ષથી પ્રભાવિત મણિપુરની ઇમ્ફાલ ખીણમાં ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો પર પહાડી વિસ્તારોમાંથી આતંકવાદીઓ દ્વારા સતત ત્રીજા દિવસે હુમલો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: J&K: શ્રીનગરમાં સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ એટેક, 12 નાગરિક જખમી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હુમલાઓને કારણે ખીણની બહારના ભાગમાં રહેતા ઘણા ખેડૂતો ખેતરોમાં જતા ડરે છે અને તેનાથી ડાંગરના પાકની લણણી પર અસર પડી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગની ઘટના સવારે ૯.૨૦ વાગ્યાની આસપાસ બની હતી.
શનિવારે પણ આતંકવાદીઓએ કર્યું હતું ફાયરિંગ
પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને જવાબી કાર્યવાહી કરવામાં આવી. થોડીવાર સુધી ગોળીબાર ચાલુ રહ્યો. ઈજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે યાઈંગંગપોકપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો અને હાલ તેની હાલત સારી છે. શનિવારે પણ ચુરાચાંદપુર જિલ્લામાં પહાડી વિસ્તારોમાંથી આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
વિષ્ણુપુર જિલ્લાના સૈટોનમાં ડાંગરના ખેતરમાં કામ કરતી ૩૪ વર્ષીય મહિલા ખેડૂતને ગોળી મારીને વાગવાથી તેનું મૃત્યુ થયું હતું. રવિવારે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના સનસાબી, સબુંગખોક ખુનૌ અને થમનાપોકપી વિસ્તારોમાં પણ આવા હુમલાઓ કરવામાં આવ્યા હતા. ઇમ્ફાલ ખીણમાં મૈતેયી અને કુકી સમુદાયો વચ્ચે ગયા વર્ષે મે મહિનામાં શરૂ થયેલા વંશીય સંઘર્ષમાં ૨૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.