એક નજર ઈધર ભી…: Kopen - Verkopen: લીધા-દીધાનું આગવું બજારવિશ્વનું સૌપ્રથમ શૅરબજાર નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડમમાં છે ત્યાં મારેલી એક લટારની ઝલક… | મુંબઈ સમાચાર
વીક એન્ડ

એક નજર ઈધર ભી…: Kopen – Verkopen: લીધા-દીધાનું આગવું બજારવિશ્વનું સૌપ્રથમ શૅરબજાર નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડમમાં છે ત્યાં મારેલી એક લટારની ઝલક…

કામિની શ્રોફ

શેર એટલે સિંહ-વનરાજ કે પછી ગાલિબ-મરીઝની શાયરીની કડી (દો લાઈન) જેવા અર્થ પ્રચલિત છે એ ખરૂં, પણ ગુજરાતી વેપારી વર્ગ માટે તો શેર એટલે કોઈ કંપનીમાં ખરીદ અને વેચાણના હિસ્સાની-શેરની લેવડ દેવડ કરી આપવાની સગવડ આપતું શેર બજાર. `લીધા-દીધા’નું બજાર, જેનો ભારતમાં પ્રારંભ 1875માં મુંબઈમાં ગુજરાતી સાહસિકોના પ્રયાસથી થયો હતો. બીજી તરફ, વિશ્વમાં શેર બજારની શરૂઆત થઈ યુરોપિયન દેશ નેધરલેન્ડ્સમાં.

આજની તારીખમાં મુંબઈ હોય કે લંડન, ન્યૂયૉર્ક કે ટોક્યોના શેરબજારની-સ્ટોક એક્સચેન્જની જોઈએ એ જાણકારી હાથવગી છે. લીધા-દીધા’ અને રિગમાં ટ્રેડિંગ હવે ઈતિહાસના ચોપડે જમા છે. જોવાની વાત એ છે કેલીધા-દીધા’વાળા શેર બજારની શરૂઆત 423 વર્ષ પહેલા થઈ હતી. 20 માર્ચ, 1602ના દિવસે ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની (નેધરલેન્ડ્સના લોકો ડચ પીપલ' તરીકે ઓળખાય છે)ના ડચ નામના પ્રથમાક્ષરોવીઓસી’ હતા.

તેણે દુનિયાના પ્રથમ આઈપીઓ (જાહેર ભરણું)ની ઘોષણા કરી, જેને પગલે આધુનિક ફાઈનેન્શિયલ માર્કેટમાં મહત્ત્વ ધરાવતું સર્વપ્રથમ શેરબજાર-સ્ટોક એક્સચેન્જ અસ્તિત્વમાં આવ્યું. એના બંધારણમાં લખવામાં આવ્યું હતું કે `દેશમાં વસતા દરેક રહેવાસી ઈચ્છે તો કંપનીના શેર ખરીદી શકે છે.’

નેધરલેન્ડ્સમાં Kopen – Verkopen (લીધા-દીધા માટેના ડચ ભાષાના શબ્દો)ની શરૂઆત એમ્સ્ટર્ડમના ધ ન્યુ બ્રિજ વિસ્તારમાં વેપારીઓએ ખુલ્લી હવામાં વિશ્વના સર્વપ્રથમ શેર લે-વેચનો પ્રારંભ કર્યો. 1611ના ઓગસ્ટ મહિનાથી નવા બંધાયેલા બિલ્ડિંગમાં ખરીદ-વેચાણના સોદા કરવામાં આવતા હતા.

જોકે, એ સમયે સ્ટોક, બોન્ડ કે અન્ય ફાઈનેન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની બદલે કોમોડિટીઝ (બિયર, મીઠું, અનાજ, લાકડું અને બિઝનેસ થતો હોય એવી અનેક અન્ય પ્રોડક્ટ)ના સોદા થતા હતા. એ ઉપરાંત નાના પાયે શેરની લે- વેચ પણ કરવામાં આવતી હતી.

પબ્લિક ઈશ્યુ માટે પ્રારંભિક તબક્કામાં 1143 રોકાણકારોએ ઉત્સાહ દેખાડતા 36 લાખ 74 હજાર 795 ગિલ્ડર્સનું ઈન્વેસ્ટમેન્ટ આવ્યું હતું. (1434થી 2002 સુધી `ગિલ્ડર’ નેધરલેન્ડ્સની કરન્સી હતી. યુરોપિયન યુનિયનમાં જોડાઈ જતા હવે નેધરલેન્ડ્સમાં યુરો કરન્સી અસ્તિત્વમાં છે.) એ વખતના રોકાણકારોમાં બે ઘરકામ કરતી મહિલા હતી.

એક મહિલાએ 100 ગિલ્ડર જ્યારે બીજીએ 50 ગિલ્ડર આઇપીઓમાં ઈન્વેસ્ટ કર્યા હતા. આ તોતિંગ રકમ હતી, કારણ કે એ સમયમાં નોકરાણીને મહિને દાડે 15થી 20 ગિલ્ડર મહેનતાણા પેટે મળતા હતા. જોકે, ડચના અર્થતંત્ર ઈતિહાસના અભ્યાસુએ જણાવ્યા અનુસાર `આ કોઈ અસાધારણ કે આશ્ચર્યજનક બાબત નહોતી. ઘરનોકર ઉપરાંત સુથાર કે ખેડૂત વર્ગના લોકો પણ શેરબજારમાં રોકાણ કરવા આવતા હતા.’

જોકે, આઈપીઓ આવ્યો પછી કેટલાંક વર્ષ સુધી કંપની રોકાણકારોને ડિવિડન્ડ પેટે દમડી પણ ન ચૂકવતા એથી શેરહોલ્ડરોમાં અસંતોષ પેદા થયો હતો. દરમિયાન વિશ્વના પહેલા મંદીના ખેલાડીનો ઉદય થયો. નારાજ થયેલા કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર મિસ્ટર આઈઝેકે સિન્ડિકેટ તૈયાર કરી કંપનીના શેર ભાવ સામે ફોરવર્ડ કોન્ટે્રક્ટ (આજના ફ્યુચર કોન્ટે્રક્ટ જેવા) શરૂ કર્યા.

મંદીમાં સહભાગી થવા ઈચ્છતા રોકાણકારોએ અગાઉથી વેચાણ કિમત માટે સહમતી આપવી પડતી હતી અને શેરના ભાવ ઘટે એટલે એમને નફો મળશે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આને કારણે શેરહોલ્ડરોમાં અસંતોષ વધ્યો અને છેવટે ઓગસ્ટ 1609માં કંપનીએ પહેલું ડિવિડન્ડ જાહેર કર્યું. જોકે, ઈન્વેસ્ટરો રાજી ન થયા, કારણ કે રોકડા પૈસા નહીં પણ `મેસ’ તરીકે ઓળખાતું ટિયર ગેસ પ્રકારનું આત્મરક્ષા માટેનું સ્પ્રે હતું.

આ સ્પ્રે છાંટવાથી સામી વ્યક્તિને સખત બળતરા થાય અને થોડી વાર સુધી કશું દેખાય નહીં. આ મેસ માર્કેટમાં વેચી પૈસા ઊભા કરવા આસાન નહોતું એટલે કંપનીએ નટમેગ-જાયફળ ડિવિડન્ડ તરીકે આપવાનું શરૂ કર્યું, જેનો બહોળો ઉપયોગ હતો. 1623થી કંપનીએ દર બે વર્ષે ડિવિડન્ડ ચૂકવવાનું શરૂ કર્યું અને 1635થી દર વર્ષે મળવા લાગ્યું. ડિવિડન્ડ તરીકે મોટેભાગે લવિંગ આપવામાં આવતા હતા, જે રોકાણકારો હોંશે હોંશે સ્વીકારતા હતા. 1946થી રોકડ રકમ મળવા લગતા રોકાણકારોનો વિશ્વાસ વધ્યો અને શેરના ભાવ પણ વધવા લાગ્યા.

સ્ટોક એક્સચેન્જની શરૂઆતની ખૂબ જ સારી અસર 18મી સદીમાં નેધરલેન્ડ્સના અર્થતંત્ર પર પડવા લાગી. વિદેશના અનેક ઠેકાણેથી નેધરલેન્ડ્સમાં મોટા પાયે આર્થિક રોકાણ શરૂ થયું. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને બેંક ઓફ ઈંગ્લેન્ડ જેવી પ્રતિષ્ઠિત બ્રિટિશ કંપનીઓનું લિસ્ટિંગ નેધરલેન્ડ્સના શેરબજારમાં થયું.

21મી સદીમાં વિદેશી રોકાણ બાબતે વિશ્વના અગ્રણી દેશોમાં નેધરલેન્ડ્સનું નામ મોખરે છે. જોકે, 1840માં આર્થિક પરિસ્થિતિ એ હદે કથળી ગઈ હતી કે નેધરલેન્ડ્સ દેશ નાદારી નોંધાવશે એવો ભય નિર્માણ થયો હતો, પણ આ કપરા કાળમાં એમ્સ્ટર્ડમ સ્ટોક એક્સચેન્જ રાહતરૂપ બન્યું.

તોતિંગ રાષ્ટ્રીય ખાધ માટે શેરબજાર પાસે નજીવા વ્યાજદરે ફાઈનાન્સ મેળવી સરકાર નાદારીના ભયમાંથી મુક્ત થઈ ગઈ. 19મી સદીના મધ્ય ભાગમાં તેજી આવી અને અર્થતંત્ર એકદમ મજબૂત બની ગયું. સ્ટોક એક્સચેન્જ એટલે કેવળ સટ્ટાબજાર એ વ્યાખ્યા અહીં જમીનદોસ્ત થાય છે.

1913માં એમસ્ટરડેમ સેન્ટ્રલ સ્ટેશનથી પાંચ મિનિટના અંતરે સ્ટોક એક્સચેન્જની નવી ઈમારત બની અને આ બદલાવ અત્યંત લાભદાયી સાબિત થયો છે. 1914માં પહેલી વાર શેરબજારમાં સરકારી ભંડોળ કરતા કોર્પોરેટ ફંડ વધારે આવ્યું. દેશી ફંડોની સામેલગીરી વધવાના પગલે એમ્સ્ટર્ડમ સ્ટોક એક્સચેન્જ `સ્ટોક એક્સચેન્જ ઓફ નેધરલેન્ડ્સ’ તરીકે ઓળખાવા લાગ્યું.

સ્ક્રીન ટ્રેડિંગ શરૂ થયું અને 2002માં ફ્લોર ટ્રેડિંગ (લીધી-દીધા પ્રકારે શેરની લે વેચ) બંધ કરવામાં આવ્યું અને એકવીસમી સદીના પ્રારંભમાં એમ્સ્ટર્ડમ એક્સચેન્જનું બ્રસેલ્સ અને પેરિસના સ્ટોક એક્સચેન્જ સાથે વિલીનીકરણ થતા `યુરોનેક્સ્ટ’ની સ્થાપના થઈ. છેલ્લા 11 વર્ષથી યુરોનેક્સ્ટ આપબળે કાર્યરત છે. આજની તારીખમાં એમ્સ્ટર્ડમ સ્ટોક એક્સચેન્જમાં ગ્લોબલ કમ્પ્યુટર ટે્રડિગ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો…એક નજર ઈધર ભી…: ક્રિકેટનું કાશી: લોર્ડ્સ ગ્રાઉન્ડ ને અમ્પાયર ડિકી બર્ડની રોચક કેપ – કથા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button