સ્પોર્ટ્સમૅનઃ રણમેદાનમાં જીતી ગયા હવે રનમેદાન પર હરાવજો | મુંબઈ સમાચાર
વીક એન્ડ

સ્પોર્ટ્સમૅનઃ રણમેદાનમાં જીતી ગયા હવે રનમેદાન પર હરાવજો

  • અજય મોતીવાલા

ગયા વર્ષે નવમી જૂને ન્યૂ યૉર્કમાં ભારતે પાકિસ્તાનની ટી-20 ટીમ સામે વર્લ્ડ કપના મુકાબલામાં છ રનથી રોમાંચક વિજય મેળવ્યો એ અરસા સુધી તો આ દુશ્મન દેશની કરતૂત સરહદ પરથી ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડવા સુધી સીમિત હતી, પરંતુ આ વર્ષની બાવીસમી એપ્રિલે નફ્ફટ પાકિસ્તાને હદ વટાવી દીધી હતી અને કાશ્મીરના પહલગામમાં સહેલાણીઓ પર આતંકવાદીઓના હાથે જીવલેણ હુમલો કરાવ્યો હતો જેમાં 26 હિન્દુ નાગરિકોના મૃત્યુ થયા હતા.

એ ગોઝારી ઘટના પછી બન્ને દેશ વચ્ચે ટૂંકુ યુદ્ધ પણ થઈ ગયું જેમાં ભારત સામે પાકિસ્તાનની શર્મનાક હાર થઈ હતી અને એ બાદ પહેલી વાર બન્ને દેશના ક્રિકેટરો સામસામે આવવાના છે આગામી નવમી સપ્ટેમ્બરે યુએઇમાં ટી-20 ફૉર્મેટનો એશિયા કપ શરૂ થશે અને એમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. 14મી તારીખને ભારત-પાકિસ્તાન મુકાબલા સાથે લેણું છે.

2023ની 14મી ઑક્ટોબરે અમદાવાદમાં વન-ડે વર્લ્ડ કપમાં બન્ને કટ્ટર દેશ વચ્ચે મૅચ રમાઈ હતી જે ભારતે જીતી લીધી હતી અને હવે ફરી વાર 14મી તારીખે (14મી સપ્ટેમ્બરે) તેઓ દુબઈના મેદાન પર આમનેસામને જોવા મળશે. ગયા મે મહિનામાં ભારતે રણમેદાનમાં બદમાશ પાકિસ્તાનને જોરદાર પછડાટ આપી ત્યાર બાદ હવે દુબઈના રનમેદાન પર ભારતીયોએ વિજયીડંકો વગાડવાનો છે.

ભારતીય સશસ્ત્ર સૈનિકોએ ડિફેન્સ સિસ્ટમ મજબૂત રાખીને પહેલાં તો આતંકવાદીઓના અડ્ડાઓ પર અને પછી પાકિસ્તાની હવાઈ દળના મથકો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. મજબૂત ડિફેન્સ સિસ્ટમને લીધે ભારતનો વાળ પણ વાંકો નહોતો થયો. આપણા સંરક્ષણ મથકો પરની રડાર સિસ્ટમ પણ પ્રબળ હતી જેને લીધે એમાં ઝડપાઈ જતા પ્રત્યેક પાકિસ્તાની હુમલાને ખાળવામાં આવ્યો હતો.

દુશ્મન દેશના ડ્રૉન અને મિસાઇલને ભારતે તોડી પાડ્યા હતા અથવા નાકામિયાબ બનાવ્યા હતા તેમ જ બ્રહ્મોસ મિસાઇલથી પાકિસ્તાનને પાયમાલ કરી નાખ્યું હતું. આ બધું માત્ર ત્રણ જ દિવસમાં (72 કલાકમાં) બની ગયું હતું.

હવે એશિયા કપમાં ભારતે ત્રણ જ દિવસમાં દુશ્મન દેશના ક્રિકેટરોનો ખેલ ખતમ કરવાનો છે. 14મી સપ્ટેમ્બરે તો લીગ મૅચમાં મુકાબલો થવાનો જ છે, 21મી સપ્ટેમ્બરે સુપર-ફોર રાઉન્ડમાં પણ બન્ને દેશની હાઈ-પ્રૉફાઇલ ટક્કર થશે અને 28મી સપ્ટેમ્બરની ફાઇનલમાં પણ બન્ને દેશ સામસામે આવી શકે. એ રીતે, ફરી ત્રણ દિવસમાં ભારતીય ક્રિકેટ ટીમે દુબઈના મેદાન પર પાકિસ્તાનીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની છે.

મોટા ભાગે સૂર્યકુમાર યાદવના સુકાનમાં જ ભારતીય ટીમ એશિયા કપ માટે યુએઈ જશે. રવિવાર, 14મી સપ્ટેમ્બરે સાંજે 7.00 વાગ્યે ટૉસ ઉછાળવામાં આવે અને પછી 7.30 વાગ્યે મૅચ શરૂ થાય એ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રૉન્ગ બનાવવી લેવી પડશે કે જેથી સલમાન આગા (કે બીજા કોઈના) સુકાનમાં રમનારી પાકિસ્તાની ટીમનો ભારત પરનો દરેક હુમલો નિષ્ફળ જાય.

પાકિસ્તાનના સૌથી ખતરારૂપ બૅટ્સમેનો ભારતના રડારમાં આવી જાય એ પછી તેમના પર આપણા બોલર્સે ડ્રૉન તથા મિસાઇલરૂપી યૉર્કર, ઇનસ્વિંગર, આઉટસ્વિંગર, ગૂગલી, લેગબ્રેક, ઑફબ્રેક, કૅરમ બૉલ કે શૉર્ટ પિચ્ડ બૉલથી હુમલા કરવાનું સતત ચાલુ રાખવું પડશે. આ આક્રમણ વચ્ચે બુમરાહના બ્રહ્મોસ પણ ધમાલ મચાવશે.

જસપ્રીત બુમરાહ એશિયા કપમાં કદાચ નહીં રમે એવી અટકળ છે, પરંતુ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં ભારતે મૅન ઑફ ધ મૅચ બુમરાહના ત્રણ વિકેટના જોરે જ પાકિસ્તાનને હરાવ્યું હતું એ જોતાં તે એશિયા કપમાં કમસે કમ પાકિસ્તાન સામે તો રમશે જ એવું માની શકાય. ટૂંકમાં, દુબઈમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની સર્જિકલ સ્ટ્રાઇક એવી હોવી જોઈશે કે રનમેદાન પર પણ પાકિસ્તાનીઓનો દમ નીકળી જાય અને એવી પછડાટ ખાય કે તેમણે સ્વદેશ પાછા જવાનું ભારે પડી જાય.

એશિયા કપમાં ક્યારેય ભારત-પાકિસ્તાન ફાઇનલ નથી રમાઈ

ભારત અને પાકિસ્તાન એશિયન ક્રિકેટના બે સૌથી મોટા દેશ છે, પરંતુ નવાઈની વાત એ છે કે એશિયા કપમાં ક્યારેય આ બે દેશ વચ્ચે ફાઇનલ નથી રમાઈ. આ વખતે એશિયા કપમાં લીગ મૅચમાં અને સુપર-ફોર રાઉન્ડના મુકાબલા પછી જો બન્ને દેશ ફાઇનલમાં પહોંચશે તો પહેલી વાર આ એશિયન સ્પર્ધામાં તેમની વચ્ચે પ્રથમ ફાઇનલ જોવા મળશે.

ભારત 19માંથી 10 મૅચમાં જીત્યું છે

એશિયા કપમાં વન-ડે અને ટી-20 બન્ને ફૉર્મેટમાં સ્પર્ધા યોજાઈ ચૂકી છે અને એમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 19 મુકાબલા થયા છે. એમાંથી 10 મૅચ ભારતે અને માત્ર 6 મૅચ પાકિસ્તાને જીતી છે. બાકીની ત્રણ મૅચ અનિર્ણીત રહી છે. છેલ્લે 2023ની 10મી સપ્ટેમ્બરે કોલંબોમાં ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને 228 રનથી કચડી નાખ્યું હતું.

આપણ વાંચો:  ટૂંકુ ને ટચ: રક્ષાબંધન અવસરે બહેનને આમાંથી કઈ ગિફટ ગમશે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button