મસ્તરામની મસ્તી: ચિંટિયો ક્યારે ભરવો એ શીખવું જોઈએ…

- મિલન ત્રિવેદી
મારા ઘરની બાજુમાં જ એક કોર્પોરેટ કપલ રહેવા આવ્યું છે. નાનકડો છોકરો અને બે માણસ પોતે. કોર્પોરેટ કપલ બે રીતે કહ્યું. એક તો બંને કોર્પોરેટ કંપનીમાં કામ કરે છે અને બીજું કોર્પોરેટ કંપનીનો મુદ્રાલેખ હોય છે કે કામ હોય ત્યારે ચરણોમાં આળોટી લેવું અને કામ ન હોય તો સામેથી આવતા દેખાય તો ગલી બદલીને ચાર આંખ કરવાનું પણ ટાળવું.
આ બંને પણ એવા જ. છોકરાને સાચવવાનો હોય તો પાડોશીઓ લાખના બાકી બંને એકબીજાના વખાણ કરીને કહી દે કે અમારા `એ’ કામથી કામ રાખે, કોઈ ઝંઝટ નહીં, કોઈની પંચાત નહીં, અને કોઈની અંગત જિંદગીમાં ડોકિયું ન કરે…. ટૂંકમાં અમે કોઈને સામેથી બોલાવીએ નહીં અમારે કામ હોય તો અમે દોડીને આવી જઈએ.
સવારના પહોરમાં જ પતિ- પત્ની અને ચિન્ટુ ગાંઠિયા – જલેબી લઇ અને મારા ઘરે પ્રગટ થયા. મને ધ્રાસ્કો પડ્યો. આવતાની સાથે જ એમણે ડાઇનિંગ ટેબલ પર પડીકું ખોલ્યું અને ઓપરેશન થિયેટરમાં દર્દીને એનેસ્થેસિયાની દવાનો ડોઝ ઇન્જેક્ટ કરે અને પાંચ સેક્નડમાં દર્દી બેહોશીમાં આવી જાય તેમ ગાંઠિયા- જલેબીની સુગંધથી મારા બધા ધ્રાસ્કાસભર વિચાર અદ્રશ્ય થઈ ગયા. `જાને યે મોકા ફિર મિલે ના મિલે, આગે આગે જો હોગા દેખા જાયેગા…’ આવું મનમાં બોલી ને મેં ગાંઠિયા- જલેબીને પૂરતો ન્યાય આપ્યો.
મારો ઓડકાર પૂરો થવો અને એનો મારા ઘરની નવી ટીપોઈ માગવી બંને ભેગું થઈ ગયું. અડધી કલાકમાં મારી નવી ટીપોઈ અને બે સિંગલ સોફા એના ઘરની શોભા બની ગયા.
આજે એની કંપનીના બોસ પરિવાર સાથે રાત્રે જમવા આવવાના હતા અને પ્રમોશનની વાત થવાની હતી એટલે સાં લગાડવા માટે મારા ફર્નિચરનો ઉપયોગ થયો હતો. અંદરથી હું રાજી પણ થયો કે ચાલો, કોઈને પ્રમોશન મળતું હોય તો અડધો દિવસ આપણે સોફા વગર ચલાવીશું.
આ પણ વાંચો…મસ્તરામની મસ્તી : શાંતિ રાખવા મુદ્દે થયું ધિંગાણું!
સાંજે બોસ એમનાં ધર્મપત્ની અને એમનાં દીકરો- વહુ અને એમની આંગળીએ બોસનો છ સાત વર્ષનો પૌત્ર નોની આવી પહોંચ્યાં. થોડીવાર થઈ પછી પેલા કપલમ ઘરમાંથી ત્રુટક ત્રુટક અવાજ ને ભેગા કરી ને મેં આખું વાક્ય બનાવ્યું કે છોકરાઓ તોફાને ચડ્યા છે અને જે વસ્તુ હાથમાં આવે તેનો ઘા થાય છે. `છરી કાંટાથી ના રમાય, એવું ન કરાય, વોટ ઇસ ધીસ? ધીસ ઇસ રોંગ સ્પેલિંગ, કરેક્ટ કરો, યસ વેરી ગુડ…’ મને એમ થયું કે ચાલો, છોકરાઓ લખવા બેસી ગયા ડાહ્યા કહેવાય.
ત્યાં નવા અવાજો આવવા લાગ્યા :
`ડોન્ટ જમ્પ, ફોલ ડાઉન થઈ જશો, જો પગમાં વાગ્યું ને? રોવાનું નહીં બ્રેવ બોય છો ને?’ અઢી ત્રણ કલાક સુધી આવાં વાક્યો સાંભળી મને કુતૂહલ સાથે મારા ફર્નિચરની ચિંતા થઈ, પરંતુ સીધું તો એમના ઘરે કેમ પહોંચી જવાય? એટલે મેં પણ કોર્પોરેટ કલાકાર બની અને લીંબુ સોડા પેક કરાવી હસતા હસતા પેલા યુગલના ઘરમાં પ્રવેશ કર્યો.
`મને થયું કે તમારા બોસ આવ્યા છે અને તમારા ઘરના સ્વાદિષ્ટ ભોજનને ભરપેટ ન્યાય આપ્યા બાદ પચાવવા માટે સોડા જરૂરી છે. અને પાડોશી પાડોશીને કામ નહીં આવે તો બીજું કોણ આવશે? એટલે તમારે ધક્કો ન થાય માટે હું જ લીંબુ- સોડા લઈને આવ્યો છું.’
આટલું વાક્ય તો હું માંડ પૂં કરી શક્યો, કારણ કે તરત જ મારી નજર ટીપોઈ પર ગઈ. છરી- કાંટાથી મારી નવી નકોર ટીપોઈ પર નાના નોનીએ કોતરી કોતરી અને આખા ખાનદાનના નામ લખેલા. તેમાં પણ સ્પેલિંગ મિસ્ટેક થઈ હોય ત્યાં સુધારી નવેસરથી લખેલા. જે ટીપોઈને મારા ઘરવાળા દિવસમાં પાંચ વાર પોતા મારતા હોય અને છ વાર ઝાપટતા હોય તેની આ હાલત જોઈ અવાચક થઈ ગયો. એથી વધારે તો મારા બંને સોફામાં વચ્ચોવચ આખો પગ અંદર સમાઈ જાય તેવડું કાણું પાડી અંદરનું ફોર્મ કાઢી છોકરાઓ રમતા હતા તેનો વસમો આઘાત લાગ્યો.
પેલું કોર્પોરેટ કપલ મારા ચહેરાના હાવ ભાવ જોઈ સમજી તો ગયું. બોસ ના જુએ તે રીતે બે હાથ જોડી મને સાચવી લેવા આજીજી કરવા લાગ્યું. મને થયું કે ચાલો કાંઈ વાંધો નહીં. આ ત્રણેય વસ્તુ અહીં મૂકી ને કહેશું કે નવું મારા ઘરે આપી દેજો. બોસને તો જાણે કશો ફરક પડતો જ ન હતો. છોકરાઓના માથે હાથ ફેરવી અને પછી પોતાના પેટ પર હાથ ફેરવી બહુ મજા આવી, નેક્સ્ટ મીટિગમાં પ્રમોશનની વાત કરશુ’. કહી નીકળવા જતા હતા ત્યાં એનો ચિન્ટુ મારી બાજુમાંથી પસાર થયો અને મારા પગ પર એનો પગ પડ્યો એટલે તરત જ મેં એને ઊંચકી લીધો અને કરવું ન જોઈએ છતાં પુષ્ટ ભાગમાં જોરદાર ચિંટિયો ભરી લીધો. આ બધું એટલું ઝડપથી થયું કે હાજર તમામ લોકોને એમ થયું કે પગની ઠેસ વાગવાથી રોવે છે. મેં પણ કહ્યું કેબેટા એવું તો ચાલ્યા કરે.’
જતા જતા બોસ કોર્પોરેટ કપલને કહેતા ગયા કે `સારી કંપનીના સોફા બનાવડાવો આવા….આવા તકલાદી ન ચાલે.’
એકવાર તો મને થઈ ગયું કે એ બન્નેના આખા ખાનદાનને ચિંટિયાની જરૂર છે.
અમુક છોકરાઓને મા- બાપ ઘરમાં તો તોફાન ન કરવા દે, પરંતુ `બહાર જઈ અને તોફાન કરો’ તેવી સૂચના આપતા હોય તેવું સ્પષ્ટ લાગે.
તમે જ કહેજો મેં જે છેલ્લે ચિંટિયો ભર્યો તે એના મા- બાપે કે પેલા કોર્પોરેટ કપલે વ્હેલા ભરી લીધો હોત તો મારી ટીપોઈ અને સોફા બચી જાત કે નહીં?
વિચારવાયુ:
`માનતા’ ના હોય એ કોઈનું તો ઠીક્-પોતાના સગા બાપનું પણ માનતા ન હોય…
આ પણ વાંચો…મસ્તરામની મસ્તી – લો, વિદ્યાર્થીઓની પેરોલ પૂરી લ્યો…