ભાત ભાત કે લોગ: શું કોઈ પ્રધાનમંત્રી કેમેરામેન પર કેળાની છાલ ફેંકે ખરા?

- જ્વલંત નાયક
થાઈલેન્ડના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી વિવાદની વાતમાં ટ્રમ્પના જોડિયા ભાઈ જેવા હતા!
થાઈલેન્ડના ભૂતપૂર્વ નેતા પ્રયુથ ચાન ઓશા
ટ્રમ્પની ડાગળી ફરી ચસકી છે. `મિત્ર’ ભારત પર એમણે હમણાં જ 50% ટૅરિફ ફટકાર્યો છે…
ભારત દુનિયાની ચોથા ક્રમની વિશાળ અર્થવ્યવસ્થા છે, છતાં ટ્રમ્પ કહે છે કે ભારતનું અર્થતંત્ર સાવ ખાડે ગયું છે ! વિશ્વમાં સૌથી વધુ યુવા વસતિ ભારત પાસે છે. 2030 સુધીમાં ભારત વિશ્વમાં ત્રીજા કર્મનું અર્થતંત્ર બને એવી ય ધારણા છે. 1992 પછી નરસિંહ રાવ અને ડૉ. મનમોહનસિંહની જોડીએ જે આર્થિક સુધારા અમલમાં મૂક્યા એના કારણે ભારતીય અર્થતંત્ર ઉત્તરોત્તર પ્રગતિના પંથે રહ્યું છે. એ પછીની દરેક સરકારો એમાં યથાશક્તિ ફાળો આપતી રહી.
વીસમી સદીના છેલ્લા દાયકાથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે વૈશ્વિક ફલક પર ભારતીય અર્થતંત્રની અવગણના કરવાનું કોઈને ન પાલવે. તેમ છતાં અમેરિકાને ફરી વખત ગ્રેટ બનાવવા જીદે ચડેલા ટ્રમ્પે આપણી અર્થવ્યવસ્થાને `ડેડ ઇકોનોમી’ કહેવાની જુર્રત કરી છે. આવા લવારાથી ટ્રમ્પની પોતાની જ આબરૂ ઓછી થઇ રહી છે.
ખેર, અહીં આપણે ટ્રમ્પ વિશે ઝાઝું લખવાની જરૂર નથી, પણ જરા વિચાર કરો, દુનિયામાં ટ્રમ્પની માફક આડેધડ સ્ટેટમેન્ટ્સ આપીને પોતાની જ આબરૂનાં ધજાગરાં ઉડાડનારા બીજા ય લીડર્સ પણ હશે ને?
તાજો ભૂતકાળ તપાસતા થાઈલેન્ડના ભૂતપૂર્વ નેતા પ્રયુથ ચાન ઓશા યાદ આવી જાય… પોતાના પ્રજાજનોમાં મોટી આશાઓ જગાવીને સત્તાના સિંહાસને બેઠેલા આ ભાઈ પોતાના કાર્યકાળ દરમિયાન મીડિયા ગજવતા રહ્યા. થાઈલેન્ડની સેનાના ઉચ્ચ અધિકારી તરીકે કામ કરતા પ્રયુથ 2014માં લશ્કરી બળવા દ્વારા થાઈલેન્ડના પ્રધાનમંત્રી બન્યા, પણ સુશાસન આપવાને બદલે આ ભાઈ સતત બેજવાબદાર નિવેદનો સાથે ગેરવાજબી વર્તણૂક પણ કરતા રહ્યા.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : યે કૈસા દર્દ કા રિશ્તા…? દર્દના સંબંધે જોડાયેલી છે બે પ્રજાની પીડાભરી કથા
પ્રયુથે પોતાના રાજકીય વિરોધીઓની મોટા પાયે ધરપકડ કરી. ઉપરાંત દક્ષિણી થાઈલેન્ડમાં અરાજકતાની પરિસ્થિતિ હતી ત્યારે જાન્યુઆરી- 2018માં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પ્રયુથ આ તમામ વિષયો વિશે પત્રકારો સાથે ચર્ચા કરશે અને પ્રશ્નોના ઉત્તરો આપશે એવી સંભાવના હતી.
પત્રકારો એ કોન્ફરન્સ માટે ભેગા થયા. પણ ત્યાં તો નવું જ કૌતુક જોવા મળ્યું. પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સમક્ષ પ્રયુથનું પૂર્ણકદનું કટઆઉટ ખડું કરી દેવામાં આવ્યું હતું ને પત્રકારોને કહેવામાં આવ્યું કે `તમે આ કટ આઉટ સાથે સવાલ-જવાબ કરો! ‘ પ્રેસ સાથે પ્રયુથના સંબંધો હંમેશથી ચર્ચાસ્પદ રહ્યા. થાઈલેન્ડનું મીડિયા લશ્કરી બળવા થકી સત્તા હાંસલ કરનાર પ્રયુથના જૂથનું હંમેશથી ટીકાકાર રહ્યું છે. સામે પ્રયુથ પણ મીડિયાને ભાંડવાનો એક્કેય મોકો છોડતા નહિ. એક વાર પ્રયુથે પ્રેસ પર આક્ષેપ મૂકતા કહ્યું કે આ લોકો સત્ય નથી દેખાડી રહ્યા. સાથે જ એમણે પત્રકારોને ખુલ્લેઆમ ધમકી આપી, કે જે રિપોર્ટર્સ તાબે નહિં થાય એમને ખતમ કરવામાં આવશે!
2015નો આ મામલો વૈશ્વિક સ્તરે ઉછળ્યો અને થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે મામલા ઉપર રાખ વાળવાની કોશિશ કરતા કહી દીધું, `સાહેબ તો મજાક કરતા હતા!’
બોલો, આ તે કેવા વડા પ્રધાન, જે મજાક મજાકમાં પત્રકારોને ખતમ કરવાની ધમકી આપે! એ જ વર્ષે એક રાજ્યમાં અરાજકતાને પગલે માર્શલ લો લાગ્યો. એ માંડ હટ્યો ત્યાં એનાથી ય ખતરનાક કાયદો અમલમાં મુકાયો અને દમનની ફરિયાદો ઊઠી. મીડિયાએ એ બધું છતું કરીને છાપ્યું તો સાહેબ બરાબર ચિડાયા અને એવી સ્પષ્ટ જાહેરાત કરી દેવામાં આવી કે `હવે જો કંઈ આડુંઅવળું છાપશો તો પ્રેસ સેન્સરશિપનો ભોગ બનશો – તમાં મીડિયા હાઉસ બંધ કરી દેવામાં આવશે…!’
પ્રયુથની આવી `મજાક’ જરા વધુ પડતી હાઈ વોલ્ટેજની રહેતી. એક વાર સાહેબ જાહેરમાં ટોળે વળીને ઊભા હતા. મીડિયાનો કેમેરા ચાલુ હતો અને સાહેબ કેળું ખાતા ખાતા વાતચીત કરી રહ્યા હતા. કેળું ખવાઈ રહ્યું એટલે એની છાલ સીધી કેમેરામેન પર ફેંકીને સાહેબે ચાલતી પકડી! કોઈ દેશના સર્વોચ્ચ પદે બેઠેલા માણસે કેમેરામેન પર કેળાની છાલ ફેંકી હોય એવી આ એકમાત્ર ઘટના હશે. આજેય યુટ્યૂબ પર એ ઘટનાનો વીડિયો છે.
આવો માણસ રાજકીય વિરોધીઓની સાન ઠેકાણે લાવવા કશુંક ગતકડું ન કરે તો જ નવાઈ. પ્રયુથ મહાશયે પોતાના પોલિટિકલ વિરોધીઓ માટે `એટિટ્યુડ એડજસ્ટમેન્ટ પ્રોગ્રામ’ શરૂ કરેલો. નામ ઉપરથી એવું લાગે કે જાણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેનો કોઈ વિશેષ કોર્સ હોય! હકીકતમાં તો આ રૂપકડા નામ હેઠળ રાજકીય વિરોધીઓની ધરપકડ કરીને કડક પૂછપરછ કરવામાં આવતી, જેથી એ લોકો માનસિક રીતે ભાંગી પડે અને ઘૂંટણ ટેકવી દે. આ રીતે અટકાયત કરાયેલા લોકોમાં ભૂતપૂર્વ ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રીનો ય સમાવેશ થતો હતો.
વિરોધીઓનો `પોલિટિકલ એટિટ્યુડ’ આ રીતે સેટ કરવા તત્પર પ્રયુથ ખુદના મંત્રીઓ તરફ બહુ દયાભાવ રાખતા. એક વાર ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ખુદ ભ્રષ્ટાચારના આરોપનો ભોગ બન્યા. પ્રયુથની સરકારમાં નંબર-ટુનું સ્થાન ભોગવતા જનરલ પ્રવિત વોન્ગસુવાન રક્ષામંત્રીનો હોદ્દો શોભાવતા. પ્રવિતનો એક ફોટોગ્રાફ વાયરલ થયો જેમાં એમણે અત્યંત કિમતી રિસ્ટ વોચ અને હીરાની મોંઘીદાટ વીંટી પહેરેલી. પ્રવિતના પગાર ધોરણ મુજબ આવી વૈભવી વસ્તુ કોઈ કાળે ન પોસાય. પછી તો પબ્લિક પાછળ પડી ગઈ અને પ્રવિતના અઢળક ફોટોગ્રાફ્સનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું. એ પરથી માલૂમ પડ્યું કે પ્રવિતકુમાર પાસે એક-બે નહિં, પણ પચ્ચીસ જેટલી મોંઘીદાટ કાંડાઘડિયાળોનો ખજાનો છે. મીડિયા પ્રધાનમંત્રી પ્રયુથ પાસે આનો જવાબ માગવા માંડ્યું. કારણકે પ્રયુથે આગલી સરકારના ભ્રષ્ટાચારના વિરોધમાં જ તો લશ્કરી બળવો કરીને સત્તા મેળવેલી. હવે એનો પોતાનો જ મંત્રી આવો ભ્રષ્ટાચારી નીકળે એ કેમ ચાલે!
જોકે એક રીઢા રાજકારણીને છાજે એવી રીતે એમણે કહી દીધું કે કાંડા પર કઈ ઘડિયાળ પહેરવી એ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરનો અંગત મામલો' છે. તેમ છતાં જો એમણે ભ્રષ્ટાચાર કર્યો હશે તો કાયદો કાયદાનું કામ કરશે. લો બોલો! સામી તરફ ડેપ્યુટી પીએમ પ્રવિતે જાહેર કર્યું કે :
ભાઈસા’બ, તમે બધા અમથા આદું ખાઈને મારી પાછળ પડ્યા છો. આ બધી ઘડિયાળ તો મારા એક સ્વર્ગીય મિત્રે મને ભેટમાં આપેલી. બસ, મામલો પૂરો…ઈશ્વર આવો મિત્ર સહુને આપે!
જો કે પ્રયુથ માત્ર ભ્રષ્ટાચાર કરતા કે કડક હાથે કામ લેતા, એવું કહેવું વધુ પડતું છે. એ તો બાપડો કવિજીવ પણ ખરો. રેકોર્ડ્સ મુજબ એણે છ જેટલાં પોપ સોન્ગ્સ લખ્યા છે, જેમાં વેલેન્ટાઈન ડે નિમિત્તે લખાયેલા ગીતથી માંડીને `ફાઈટ ફોર ધી નેશન’ જેવાં ગીતોનો સમાવેશ થાય છે. એક વાર એમણે થાઈલેન્ડના લોકોને ધમકી આપતા કહેલું કે હું ધારીશ તો આજીવન પ્રધાનમંત્રી બની રહીશ… પણ દેશના નસીબ સારા એટલે 2023માં પ્રયુથ સાહેબ ઇલેક્શનમાં હારીને ઘરભેગા થઇ ગયા.