મહિલા ક્રિકેટ …ભઈલા, ક્રિકેટથી થોડું જુદું છે…

મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
ગઈકાલે મેં ઘરનાને કહ્યું કે મને સાંજે સાત વાગ્યા પછી બોલાવશો નહીં… પત્નીએ પૂછ્યું: `કેમ એક કલાક વહેલા રોજ તો આઠ વાગે બેસો છો અને પૂછું તો ઈંગ્લિશમાં જવાબ પણ આપો છો…’ ઊંઘતા ઝડપાયાની લાગણી થઈ. મેં કહ્યું: `7 વાગ્યાથી મહિલા ક્રિકેટ IPL ચાલુ થાય છે તે જોઈને મારે લેખ લખવાનો છે.’ મને કહે: `અમારી સોસાયટીની ટીમની વાત કરું હાસ્ય નવલકથા લખાઈ જશે…’ હમણાં હમણાં મારી ઘરવાળીની ટીમ ક્રિકેટ જોતાં શીખી છે અને તેમાં પણ ઇન્ડિયન ટીમ તેમની પત્નીઓ સાથે રમવા જાય ત્યારે મહેણાં-ટોણાં પણ મારે: `જુઓ – શીખો તમે પ્રોગ્રામ કરવા જાઓ છો ત્યારે સાથે લઈ જાઓ છો?’ હમણાં આપણી મહિલા ટીમ જીતીને આવી તેની પાછળનું મુખ્ય મનોવૈજ્ઞાનિક કારણ ચુનિયાને ખબર છે. છેલ્લે જાહેરમાં એણે આ કારણ જણાવેલું ત્યાર પછી ચાર મહિના અદૃશ્ય રહ્યો. જો કે હવે તબિયત સારી છે અને પત્ની પણ ઘરની બહાર એને નીકળવા દે છે એટલે ચિંતા નથી.
ચુનિયાના કહેવા પ્રમાણે મહિલાઓ કશું જ જતું કરવાની ભાવના ધરાવતી નથી. એટલે સ્વાભાવિક રીતે જ કોઈ પણ `કપ’ હોય તે જતો તો ન જ કરે. ઘરે પણ એક કપ ચા મૂકી હોય તો દેરાણી-જેઠાણી વચ્ચે એ કોણ પીવે એમાં ધિંગાણું થઈ જતું હોય તો આ તો પારકાં પાસેથી લઈને આવવાનું હોય તો કપનું નાકું પણ ન મૂકે…! મહિલા ક્રિકેટની ઉત્પત્તિ આમ જુઓ તો બહુ રસપ્રદ રીતે થઈ છે. સીધેસીધા જો નિયમો સમજાવવામાં આવે તો કોઈ મહિલા એ નિયમોને અનુસરે નહીં એટલે એમને પાથીએ પાથીએ તેલ નાખવા એમની રીતે નિયમો સમજાવવા પડે. 11 જણાની ટીમ છે કેમ પહેલેથી જ કહો અને એમ કહો કે ચાર જણા એક્સ્ટ્રા 15 જણાને જવાનું હોય છે તો કચકચ વધી જાય. એના કરતાં એમ કહો કે સંયુક્ત કુટુંબની રીતે 15 જણા છો તો તરત જ તેનો વિરોધ થાય કે ના ના આટલા બધા એકસાથે નહીં રહી શકાય, પણ પછી એમ ક્યો કે, `અચ્છા તો તમારી લાગણીને માન આપી અને ચાર જણા બહાર બેસાડીશું’ કે તરત જ રાજી થઈ અને 11ની ટીમ સ્વીકારી લેશે.
પછી કહો: અગિયારે અગિયાર તમે બહેનો છો અને સામે સાસુની ટીમ છે, એટલે સંપીને રહી વિરોધ કરો એવું કહો તો તમારી ટીમનું સંઘબળ પણ સરસ રહે અને સામેવાળી ટીમના ટાંટિયા તોડી નાખવા સુધીની તૈયારી એ બધા કરી લે. પુરુષ ક્રિકેટ ટીમ હોય તો તમારે સ્લેજિંગ શીખવું પડે, પરંતુ મહિલા ક્રિકેટ ટીમમાં `તમારે મેણાં-ટોણાં મારવાંનાં છે’ એટલું જ કહેવાનું પછી તમે જુઓ, સામસામે આવી વિખોડિયા ભરી લે ત્યાં સુધી સ્લેજિંગ ચાલુ રહે. કૅપ્ટન બનાવવાની વાત આવે ત્યારે શરૂઆતમાં તો બધાને કૅપ્ટન થવું હોય, પણ જેવી વાત તમે રજૂ કરો કે જે બહેનો ઝડપથી ઉંમરવાન થાય છે એને કૅપ્ટન બનાવવામાં આવશે તો કોઈ કૅપ્ટન બનવા આગળ નહીં આવે અને તમારે જેને કૅપ્ટન બનાવવા હોય એને તમે બનાવી શકો!
મહિલા ક્રિકેટને આપણો દેશ કેમ આટલો સપોર્ટ નથી કરતો તેનું પણ એક કારણ ચુનિયો શોધી લાવ્યો છે કે ભારતની બહાર જવામાં આપણે જેમ ભાઈઓની ટીમ જાય તો ફિઝિયોથેરાપિસ્ટ અને બીજા લોકો સાથે જાય છે તેમ બહેનોની ટીમમાં પણ એટલા તો હોય જ એ ઉપરાંત મેકઅપ વાળા પણ સાથે લઈ જવા પડે છે અને સ્ટાર લેડી બેટ્સમેન કે કૅપ્ટન માટે અલગ મેકઅપની વ્યવસ્થા કરવી પડે છે એટલે ઘણી વાર 15 જણાની ટીમની સાથે પાંચ-છ તો બીજા મેકઅપ વાળા ઉમેરાય છે. ઉપરાઉપર વિકેટ પડી હોય અને જો મહિલા ખેલાડી આઉટ થઈ જાય, છતાં બીજી ખેલાડી મેદાન પર ન જાય તો સમજી લેવું કે હજી એનો આઇબ્રો બાકી છે! મહિલા ક્રિકેટના કૅપ્ટન બનવા માટે પણ ઘણી કસોટીઓ હોય છે. જેનું ઘરમાં ખૂબ ચાલતું હોય, ધણી ઉપર સંપૂર્ણ ધાક હોય, સાસુ થર થર ધ્રૂજતી હોય, દેરાણી હોય કે જેઠાણી કે નણંદ પણ વહુને જોઈ અને ગલીમાં ફંટાઈ જતી હોય તો એવી જ મહિલાને કૅપ્ટનશિપ માટે વધારે પસંદ કરવામાં આવે છે. જે મહિલામાં શાંતિથી કૂથલી કરવાની આવડત હોય એને વિકેટકિપર બનાવવામાં આવે તો તે વધારે સફળ રહે છે, કારણ કે એ આગળ ખબર ન પડે તે રીતે ચકલા ઉડાડી દે. સાવ સાદી ભાષામાં કહીએ તો છાની સોય હોય એ વિકેટ કિપર.
અમારા રાજકોટની મહિલા ટીમે તો હાહાકાર મચાવેલો. મેં પર્ફોમન્સ માટે મારા અતિથિવિશેષ પદેથી એમની કાબેલિયતને ખૂબ દાદ આપી, પણ પછીથી મને ખબર પડી કે કોઈ રેકોર્ડ સાથે કોઈને કાંઈ લેવાદેવા નથી, પરંતુ જ્યારે મૅચ હોય ત્યારે આયોજકોમાં રાજકોટના જે ટીમ મૅનેજર હોય કે દરેક ચોગ્ગાએ એક લિપસ્ટિક અને દરેક સિક્સરે એક મેકઅપ કીટની જાહેરાત કરે એટલે સામેવાળી ટીમનું આવી બન્યું. રાજકોટની ટીમ છે એ સૌથી વધારે લિપસ્ટિક અને મેકઅપ બોક્સ ભેગા કરવામાં પડ્યું હોય. વિકેટ લેવામાં પણ સૌથી વધારે ક્લિન બોલ્ડ કરેલા હોય, કારણકે કોઈ પણ એક દાંડિયો ઉડાડો એટલે સામે બે દિવસનું ફેમિલી ટીફિન ફ્રી આવી સ્કીમ રાખવામાં આવે એટલે આખા વર્ષમાં જેટલા દિવસ રસોઈ બનાવવામાંથી રાહત મળે એ માટે મહિલા સામેવાળાના વધુ દાંડિયા ઉલાળે.
કુંવારી છોકરીઓને ખાલી એટલું જ સમજાવવાનું રહે કે ક્રિકેટમાં તમે સારું પર્ફોર્મન્સ કરશો તો એ પર્ફોર્મન્સ ઉપરથી કોઈ સારો ઉદ્યોગપતિ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો હીરો તમારી ઉપર મોહી પડે અને તમારાં લગ્ન થઈ જાય તો આખી જિંદગી કશું જ કરવાનું ન રહે બનીઠનીને હરી-ફરી શકો…. પુરુષોની ટીમ જો હારી જાય તો બહુ તો ડે્રસિંગ રૂમમાં જઈને વીલા મોઢે અડધી કલાક બેસી જાય ત્યાર પછી એયને બિયર પાર્ટી થઈ જાય એટલે પાછા રિલેક્સ. મહિલાઓમાં એવું નથી થતું. રોવાધોવાનું દોઢ દિવસ સુધી ચાલે….. વિદેશી ખેલાડીઓનાં નામ પણ એ વ્યવસ્થિત દેશી પદ્ધતિથી જ પાડે કે જો પેલી `ચિબાવલી’ રમવા આવી, પેલી `નખરાળી’એ કેચ પાડ્યો, `પંચાતડી’ ફિલ્ડિંગમાં ધ્યાન નથી દેતી. હા, ઝઘડા થશે ત્યારે વિખોડિયા ભરી એકબીજાના વાળ ખેંચી મેકઅપ લિપસ્ટિક વીખવાની મજા આ ખેલાડીઓ અચૂક માણશે. વિચારવાયુ ચુનિયો: એવી કઈ બાબત છે જે તમને ક્રિકેટ રમવા પ્રેરે છે? રિપ્લાય: લંચ બનાવવાની ચિંતા નહીં ને ટીફિન આવી જાય એ વાત જ ઉત્સાહ પ્રેરે છે…!