વીક એન્ડ

‘પ્રાણપ્રતિષ્ઠા’ના વિરોધથીવિપક્ષોની જ ‘પ્રતિષ્ઠા’ ખરડાશે?

‘વિપક્ષમાં છે’ માટે શાસક પક્ષ જે કરે એના આંધળો વિરોધ કરવા પાછળ ઈતિહાસનું અજ્ઞાન અને અહંકાર જ કારણભૂત છે

કવર સ્ટોરી -મુકેશ પંડ્યા

અંતે ધાર્યું હતું એ જે થયું કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષોએ ૨૨ જાન્યુઆરીના રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનું આમંત્રણ ઠુકરાવી દીધું…. જેવી રામની મરજી.
એક બાજુ ભારતના મહાનુભાવોથી લઇને આમજનતાએ બોયકોટ ‘માલદીવ્ઝ’ નામની ઝુંબેશમાં ભાગ લઇને રાષ્ટ્રીય એકતાનો પરિચય આપ્યો છે ત્યારે રાષ્ટ્રના આત્મા સમા રામમંદિરનો બોયકોટ કરીને પોતાના પગ પર જ કુહાડો માર્યો છે.

 હકીકતમાં વિપક્ષો એમ જ ઇચ્છતા હશે કે એમને નિમંત્રણ ન મળે તો સારું, પરંતુ રામમંદિર ટ્રસ્ટ તરફથી એમને આમંત્રણ મળ્યું ને એમની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઇ. જવું કે ન જવું તેની વિમાસણમાં જ થોડા દિવસો કાઢી  નાખ્યા. સામ્યવાદી પક્ષોએ તો આમંત્રણ મળ્યાના થોડા સમયમાં જ ના પાડી દીધી હતી. આ  વિશે  

સામ્યવાદીઓ ખૂબ સ્પષ્ટ છે. એ લોકો પોતાની નાસ્તિક વિચારધારાને વફાદાર તો રહ્યા !

    બીજી બાજુ કૉંગ્રેસને તાત્કાલિક તો સૂઝ જ ન પડી કે કેવું   વલણ અપનાવવું. તેણે  સર્વે કરાવ્યો કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા જવાથી પક્ષને ફાયદો થશે કે નુકસાન. રામને મળવા માટે પણ રાજકારણ જ નજરમાં રાખ્યું. લઘુમતીને ખુશ કરવા માટે બહુમતીની આસ્થાનો અનાદર કર્યો. 

 કૉંગ્રેસની વાત કરીએ તો તેણે ના પાડવા માટે જે કારણો આપ્યાં છે તે પણ કોઇને ગળે ઊતરે એવાં નથી. જેમ કે, તેણે એમ કહ્યું કે આ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનો ઇવેન્ટ છે. આ બે સંસ્થાએ રામમંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે. હવે આના જવાબમાં એક વાત ચોક્કસ કહી શકાય કે  રામમંદિરનો મુદ્દો તો છેલ્લાં પાંચસો વર્ષથી ચાલતો હતો. એ વખતે ન ભાજપ હતો, ન કૉંગ્રેસ હતી કે ન હતું આરએસએસ... વિશ્ર્વ હિંદુ પરિષદ પણ ન હતી..  હા,  જ્યારે પણ આ સંસ્થાઓની સ્થાપના ત્યારે તેમના ઘણા મુદ્દાઓમાં એક મુદ્દો રામમ્ંદિરનો હતો જ. આરએસએસે રામમંદિરને રાષ્ટ્રીય અસ્મિતાનો વિષય ગણ્યો. વિશ્ર્વ હિન્દુ પરિષદ માટે આ વિષય હિન્દુઓના ગૌરવ સમાન હતો.  બહુમતીની લાગણીને માન આપવા ભારતના રાજકીય પક્ષ- ભાજપે પોતાના ચૂંટણી એજન્ડામાં પણ રામમંદિરને પ્રાધાન્ય આપ્યું હતું ને તે કરી બતાવ્યું. આ બધી સંસ્થાએ આ દિશામાં વર્ષોથી નોંધપાત્ર કામ પણ  કર્યું છે. સંખ્યાબંધ કાર્યકર્તાઓએ પોતાના પ્રાણની પણ આહુતિ આપી છે. ભાજપના એજન્ડા વાંચ્યા પછી લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા હોય... બંધારણીય કસોટીમાંથી પાર થયા બાદ આ નિર્ણય લેવાયો હોય... સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો હોય... ન્યાયી રીતે મંદિર બંધાયું હોય... પછી કૉંગ્રેસે વિરોધ કરવા જેવું કંઇ હતું જ નહીં,  છતાંય કૉંગ્રેસનો અહંકાર રાવણની યાદ અપાવી રહ્યો છે.

       કૉંગ્રેસને સપનેય ખ્યાલ નહીં હોય કે રામમંદિર મુદ્દે  આટલા ઝડપથી નિર્ણયો આવશે અને ૨૦૨૪ની ચૂંટણી પહેલાં ઉદ્ઘાટનની તારીખ પણ જાહેર થઈ જશે. જેમ બ્રહ્માનો એક દિવસ આપણા માટે એક વર્ષ સમાન હોય છે એમ કૉંગ્રેસ સહિત અન્ય પક્ષોને કોઇ કામ કરવા એક વર્ષનો સમય લાગતો હોય તો મોદી સરકારે એ કામ એક દિવસમાં કરી બતાવ્યું છે. જે લોકો રામમંદિર માટે તારીખ માગતા હતા તેને મોદીએ અંતે તારીખ આપી દીધી. હવે આ કામ પક્ષાપક્ષીનું છે જ નહીં. મંદિર નિર્માણનું કાર્ય કરવા ટ્રસ્ટ રચાયું છે. નિમંત્રણ પણ ટ્રસ્ટ તરફથી જ અપાયા છે. ભાજપ ક્યાંય વચ્ચે નથી. છતાંય એને શાસક પક્ષ ભાજપનો કાર્યક્રમ ગણાવીને કૉંગ્રેસે આ આમંત્રણનો અનાદર કર્યો છે તે દેશની બહુમતી પ્રજાને ગમશે  નહીં . આ આમંત્રણનો બહિષ્કાર તેને ચૂંટણીમાં ભારે ન પડે તો જ નવાઇ લાગશે. 

સોશિયલ મીડિયામાં વાંચેલી એક પોસ્ટ અત્રે યાદ કરવા જેવી છે….
શું આ ભગવાન રામનું મંદિર છે?

જી…ના, રામ તો ભગવાનનું મૂર્તિ સ્વરૂપ છે. આખું વિશ્ર્વ તેમનું મંદિર છે.

તો શું આ રાજા રામચંદ્રનું મંદિર છે?

જી…ના, પૃથ્વી પર ઘણા રાજાઓ આવ્યા અને ગયા. તે બધાએ પોતાના મહેલો અહીં છોડીને ગયા છે.
તો શું આ ભાજપના રામનું મંદિર છે?

જી…ના, આ મંદિર માટે તો છેલ્લાં પાંચસો વર્ષથી લાખો લોકોએ લડાઇ લડી છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે. દુનિયાભરના કરોડો બિનરાજકીય લોકોએ રામમંદિર બનાવવાનું સપનું જોયું છે.
તો પછી અયોધ્યામાં આ કોનું મંદિર બની રહ્યું છે?

એનો જવાબ છે :
હિંદુ ઓળખનું આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જેને સેંકડો વર્ષથી કચડી નાખવામાં આવ્યું હતું.

હિંદુઓના સ્વાભિમાનનું આ મંદિર છે જેને સતત ઠેસ પહોંચાડવામાં આવી રહી હતી.

આઝાદી પછી પણ નહેરુ સરકારથી માંડીને મનમોહન સરકારે જેમની સતત ઉપેક્ષા કરી છે તે હિન્દુઓના ખોવાયેલા ગૌરવના પુનરૂત્થાન માટેનું આ મંદિર છે.

ચૂંટણી ટાણે સૂટ પર જનોઇ ધારણ કરીને હિંદુ હોવાનો ડોળ કરતા રાહુલ ગાંધીએ ખરેખર હિન્દુઓ માટે સુવર્ણ અવસર આવ્યો ત્યારે જ મુખ ફેરવીને ઘણું ગુમાવ્યું છે. એમને અવળી સલાહ આપનારાઓ પણ મળી રહે છે. નરસિંહરાવ, પ્રણવ મુકરજી, હેમંતો વિશ્ર્વસરમા, માધવરાવ સિંધિયા, ગુલામ નબી આઝાદ જેવા સાચી સલાહ આપનારા અનેક નેતાઓ કૉંગ્રેસને ગમ્યા નથી. ‘ભાજપ ધર્મને રાજકારણમાં ઘસડી લાવે છે’ તેવી વાત કરતી કૉંગ્રેસે ધર્મના નામે જ પ્રજામાં ભાગલા પાડીને રાજ કર્યું છે તે વાત એ ભૂલી ગઇ છે.

હવે આમંત્રણનો અસ્વીકાર કર્યા પછી કેટલાય હિન્દુ કૉંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમના મતવિસ્તારોમાં મોઢું બતાવવું ભારે પડી રહ્યું છે ત્યારે મંદિરમાં તો પ્રાણપ્રતિષ્ઠા થશે, પણ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની રહી સહી પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી જશે તેમાં કોઇ સંશય નથી….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button