વીક એન્ડ

ફોકસ : કોણ છે તહવ્વુર રાણા… ભારત આવતાં એ કેમ થરથર ધ્રૂજે છે?

  • એન. કે. અરોડા

7 માર્ચ, 2025ના રોજ, અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાને ભારત મોકલવા સંબંધિત અરજીને પણ ફગાવી દીધી, જેમાં રાણાએ અમેરિકન કોર્ટને કહ્યું હતું કે, હું પાકિસ્તાની મુસ્લિમ છું, તેથી જો મને ભારત મોકલવામાં આવશે તો મને મારી નાખવામાં આવશે. આખરે કોણ છે આ તહવ્વુર રાણા અને ભારત મોકલવાના નામે તે કેમ ધ્રૂજી રહ્યો છે? હકીકતમાં, ભારતના મુંબઈ શહેરમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલો ભયંકર આતંકવાદી હુમલો, જેમાં 167 નિર્દોષ લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો:અરાઉન્ડ ધ વર્લ્ડ : સાન ઓગસ્ટિન – સ્પેનમાં પણ અમેરિકા પીછો નથી છોડતું…

એ હુમલાના માસ્ટરમાઇન્ડ અને અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો આ તહવ્વુર હુસૈન રાણા ખૂબ નજીકનો સહયોગી છે. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે અને વ્યવસાયે ડૉક્ટર છે. યુ.એસ.માં તહવ્વુર રાણાને 2013માં ડેવિડ કોલમેન હેડલી સાથે મુંબઈ હુમલાને અંજામ આપવા અને ડેનમાર્કમાં હુમલાની યોજના બનાવવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. જેના કારણે અમેરિકન કોર્ટે રાણાને 14 વર્ષની જેલની સજા ફટકારી હતી.

તહવ્વુર હુસૈન રાણા પાકિસ્તાનમાં કાર્યરત ઉગ્રવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો છે. 2009માં જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે તે અમેરિકાના શિકાગો શહેરમાં ઈમિગ્રેશન અને ટ્રાવેલ એજન્સી ચલાવતો હતો. મુંબઈમાં 26/11ના હુમલાને અંજામ આપવા માટે ડેવિડ કોલમેન હેડલી અને તહવ્વુર રાણાએ હુમલા પહેલાં અને પછી ઘણી વખત મુંબઈનો પ્રવાસ કર્યો હતો.

મુંબઈ હુમલામાં 6 અમેરિકન નાગરિકો પણ માર્યા ગયા હોવાથી, અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈ હુમલાખોરોને શોધી રહી હતી. તે દિવસોમાં રાણા અને હેડલી ઓક્ટોબર 2009માં શિકાગો ઍરપૉર્ટ પરથી ઝડપાયા હતા. ત્યારે તે બંને ઉગ્રવાદી હુમલો કરવા ડેનમાર્ક જઈ રહ્યા હતા. તેમની ખતરનાક યોજના જિલેન્ડ્સ પોસ્ટેન અખબારની ઑફિસ પર હુમલો કરવાની હતી. કારણ કે આ અખબારે પયગંબર મોહમ્મદનાં વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત કર્યાં હતાં. ત્યાં સુધી તેમની ધરપકડ પર કોઈને શંકા નહોતી કે આ બે ખતરનાક આતંકવાદીઓ મુંબઈ હુમલાના પણ દોષી છે. અલગ-અલગ પૂછપરછ દરમિયાન તહવ્વુર રાણાએ કબૂલ્યું હતું કે હેડલી પાકિસ્તાનમાં લશ્કરના ટે્રનિંગ કેમ્પમાં ભાગ લેતો હતો.

શિકાગો, યુએસએમાં આ બંનેની ટ્રાયલ દરમિયાન આ પ્રથમ વખત બહાર આવ્યું હતું, જ્યાં એટર્ની જનરલે કહ્યું હતું કે 2006માં ઉનાળાની શરૂઆતમાં, હેડલી અને બે એલઈટી સભ્યોએ તેમની પ્રવૃત્તિઓના કવર તરીકે મુંબઈમાં ઈમિગ્રેશન ઑફિસ ખોલવાની ચર્ચા કરી હતી. એટર્ની જનરલના જણાવ્યા મુજબ, હેડલીએ જુબાની આપી હતી કે તેણે શિકાગોનો પ્રવાસ કર્યો હતો અને ભારતમાં સંભવિત લક્ષ્યોને શોધવા અંગે તેના હાઇસ્કૂલના મિત્ર રાણા સાથે સલાહ લીધી હતી.

બાદમાં, મુંબઈમાં ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસીસનું કાર્યાલય ખોલવામાં આવ્યું જેથી કોઈને તે લોકોની પ્રવૃત્તિઓ પર શંકા ન થાય. હકીકતમાં, લશ્કર-એ-તૈયબાએ ડેવિડ કોલમેન હેડલીને મુંબઈ પર હુમલાનું મિશન સોંપ્યું હતું. આમાં રાણાએ પોતાની ઈમિગ્રેશન સર્વિસની મદદથી હેડલીને પાંચ વર્ષના બિઝનેસ વિઝા મેળવવામાં મદદ કરી હતી. જ્યારે રાણા જાણતો હતો કે હેડલીનો વિઝા મેળવવા પાછળનો હેતુ શું હતો?

હેડલી અને રાણા બાળપણના મિત્રો હતા, બંનેએ પાંચ વર્ષ સુધી શાળામાં સાથે અભ્યાસ કર્યો હતો. આ પછી બંને અલગ થઈ ગયા હતા અને 2006માં શિકાગોમાં મળ્યા. તહવ્વુર રાણા અમેરિકાના લોસ એન્જલસના ડિટેન્શન સેન્ટરમાં આ જ સજા ભોગવી રહ્યો છે, પરંતુ જ્યારે ભારતે અમેરિકાને રાણાને સોંપવા વિનંતી કરી ત્યારે રાણાએ યુએસ કોર્ટને તેનું પ્રત્યાર્પણ ન કરવા વિનંતી કરી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી. પ્રત્યાર્પણના નિર્ણય સામે રાણા ફરી 13 નવેમ્બર 2024ના રોજ અમેરિકન સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, પરંતુ ત્યાં પણ 21 જાન્યુઆરી 2025ના રોજ અરજી ફગાવી દેવામાં આવી હતી.

13 ફેબ્રુઆરી, 2025 ના રોજ, યુએસ પ્રમુખ ટ્રમ્પે પણ જાહેરાત કરી હતી કે રાણાને ભારત મોકલવામાં આવશે. કારણ કે 6 ફેબ્રુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટે ફરીથી ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી, પણ ફરી એકવાર રિવ્યુ પિટિશન દાખલ થવાને કારણે એવું લાગતું હતું કે મામલો ફરી અટકી શકે છે, પરંતુ આખરે 7 માર્ચ, 2025ના રોજ યુએસ સુપ્રીમ કોર્ટે આ રિવ્યુ પિટિશનને રદ કરી દીધી.

આ રીતે એનઆઈએ સ્પેશિયલ કોર્ટે 28 ઓગસ્ટ 2018ના રોજ રાણા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું અને 4 ડિસેમ્બર 2019ના રોજ ભારતે પહેલીવાર રાણાના પ્રત્યાર્પણ માટે અમેરિકાને ડિપ્લોમેટિક નોટ આપી હતી, તેનું પરિણામ હવે ભારતને મળશે, જેના કારણે પરેશાન તહવ્વુર રાણા એક યા બીજા બહાને વારંવાર ભારત મોકલવામાં આવતાં ટાળવા માંગતો હતો. સવાલ એ છે કે તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ કેટલી મોટી રાજદ્વારી સફળતા છે? નિ:શંકપણે, તહવ્વુર રાણાની ભારત મુલાકાત ભારત માટે એક મોટી રાજદ્વારી સફળતા હશે, જે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને માત્ર મજબૂત જ નહીં બનાવે, પરંતુ આતંકવાદ સામે બંને દેશોની પ્રતિબદ્ધતા પણ દર્શાવશે.

રાણાના પ્રત્યાર્પણથી આપણે 26/11ના હુમલાના ષડ્યંત્ર અને તેના વ્યાપક નેટવર્ક અને પાકિસ્તાનના ઝેરીલા દિમાગમાં ભારત વિરુદ્ધ કેવા પ્રકારનાં કાવતરાઓ ચાલી રહ્યાં છે તે વિશે ઊંડાણપૂર્વક જાણી શકીશું. ચોક્કસપણે આ માહિતી આપણને ભવિષ્યમાં અનેક પ્રકારની આતંકવાદી ઘટનાઓને રોકવામાં મદદ કરશે અને ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની વર્તણૂકની શૈલી જાણી શકશે.

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે 1997માં પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર થયા હોવા છતાં, પ્રત્યાર્પણના કેસોની ગતિ ઘણી ધીમી રહી છે. 2002 અને 2018ની વચ્ચે, યુએસએએ ભારત તરફથી માત્ર 11 પ્રત્યાર્પણ વિનંતીઓ સ્વીકારી હતી. જોકે, છેલ્લાં પાંચ વર્ષ એટલે કે 2019થી ડિસેમ્બર 2024 વચ્ચે, ભારતે વિવિધ દેશોને 178 વિનંતીઓ મોકલી છે. પરંતુ અત્યાર સુધી માત્ર 13 લોકોને જ વિદેશો દ્વારા ભારત પરત મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ : ચોક : પોળના આવાસનું હૃદય…



ઉલ્લેખનીય છે કે માત્ર તહવ્વુર રાણા જ નહીં, પરંતુ અન્ય 65 ભાગેડુ ભારતીય ગુનેગારો હાલમાં અમેરિકામાં આશરો લઈ રહ્યા છે, જેમાં ડેવિડ કોલમેન હેડલી અને તહવ્વુર રાણાનો સમાવેશ થાય છે, પરંતુ જે રીતે રાણાનું પરત ફરવું હવે લગભગ નિશ્ચિત છે તે જોતાં ભવિષ્યમાં વૉન્ટેડ ગુનેગારોને પણ અમેરિકાથી ભારતમાં મોકલવામાં આવશે તેવી આશા રાખી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button