ક્લોઝ અપ : બ્રિટિશ રાજવી `લફરાં સદન’ નો આ સંસારી સાધુ હેરી આજકાલ કેમ ફરી સમાચારોમાં ગાજી રહ્યો છે?

- ભરત ઘેલાણી
હેરીની મુલાકાત બધે બહુ ગાજી…, હેરી પત્ની મેગન – સંતાનો સાથે…, પુત્ર હેરી, પપ્પા કિગ ચર્લ્સ
બ્રિટિશ રાજવી તરીકેના માનદ્ ખિતાબો અઢળક, આર્થિક વારસો તથા માતૃભૂમિ સુધ્ધાં ત્યાગીને અમેરિકામાં હંમેશને માટે વસી જનારા પ્રિન્સ હેરીએ હમણાં દેશ આખાને માથે લીધો છે…
જ્યોતિષની દૃષ્ટિથી એની ભાષામાં કહીએ તો બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ- ટુના પરિવાર પર ગ્રહ શનિ મહારાજ સતત કોપાયમાન લાગે છે. 96 વર્ષની પાકટ વયે મહારાણી તો 3 વર્ષ પહેલાં સ્વર્ગે સિધાવી ગયાં, પણ બહોળો રાજવી પરિવાર હોવા છતાં વડીલો કહે છે તેમ લીલી વાડી જોઈને શાંતિથી એમણે વિદાય નહોતી લીધી.
ઘરકંકાસની અમુક ઘટના વચ્ચે એ વખતના તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન બોરિશની ઘેર થતી દા પાર્ટીઓના વિવાદમાં રાજવી પરિવાર પણ આડકતરી રીતે સંડોવાઈ ગયો એમાં બોરિશને વડા પ્રધાન પદેથી વિદાય કર્યા પછી મહારાણીના ચાર સંતાનમાંથી એક પુત્ર પ્રિન્સ એન્ડ્ર્યુ પર જાતીય શોષણના ગંભીર આરોપ લાગતાં એણે પોતાની સૈન્ય પદવી તથા શાહી ખિતાબ પરત કરવા પડ્યા હતા.
આમેય આ શાહી પરિવાર છેલ્લાં કેટલાંક વર્ષોથી નાની-મોટી આફતોમાં અટવાયા કરે છે. અગાઉ રાજવી ઘરાનાની બે પૂત્રવધૂ ડાયના અને સારાહ એમનાં લગ્નેત્તર સંબંધો અને પછી છૂટાછેડાને લીધે વગોવાઈ હતી. એ વખતે લંડનનું રાજવી નિવાસસ્થાન બકિગહામ પેલેસ લફરાં સદન તરીકે ખાસ્સું બદનામ થયું હતું. એમાંય સૌથી ફૂટડી પૂત્રવધૂ ડાયનાનું એના પ્રેમી સાથે પેરિસના એક કાર અકસ્માતમાં કમોત થયું એ રાજવી પરિવાર માટે જબરો આઘાત હતો. આવી ઉપાધિઓ વચ્ચે ડાયનાના બન્ને પુત્ર : વિલિયમ અને હેરીએ નાનપણમાં મમ્મી ડાયનાને અકસ્માતમાં ગુમાવી. એ વખતે વિલિયમ 15 અને હેરી માત્ર 12 વર્ષના હતા. મા ગુમાવ્યાના રંજ ઉપરાંત પિતા ચાર્લ્સના પ્રેમિકા કેમિલા સાથેનાં લગ્નેત્તર લફરાં અને પાછળથી લગ્ન ઉપરાંત રાજવી પરિવાર તરફથી થયેલી મમ્મી ડાયનાની ઉપેક્ષા- અન્યાય વગેરેને લઈને બન્ને ભાઈ ક્યારેય રાજવી પરિવાર સાથે ભળી નહોતા શક્યાં.
આ પણ વાંચો…ક્લોઝ અપ જિંદગી : આજની સેલેબ્સને કેમ લાગ્યું છે અંતરિક્ષ-યાત્રાનું ઘેલું?
હા, પાછળથી હેરીનો મોટોબાઈ વિલિયમ પણ કેટલાંક છાનગપતિયાં કરીનેય પત્ની કેટ સાથે રોયલ ફેમિલીમાં જેમ તેમ ગોઠવાઈ ગયો ખરો, પરંતુ આવાં લફરા સદનમાં એનો નાનો ભાઈ હેરી એક જ માત્ર `સંસારી સાધુ’ જેવો હતો.
હેરીએ જાણીતી અમેરિકન ટીવી એકટે્રસ મેગન માર્કલ સાથે લવમેરેજ કર્યા પછી એ યુગલ રાજવી પરિવારની ઘણી બધી રીતિ-નીતિથી અકળાતું હતું. રાજઘરાનામાં ચાલતા ઘમંડ -દંભ-પાખંડ અને પ્રણાલીના નામે ખેલાતા કપટના ખેલ પરાકાષ્ઠાએ પહોંચતાં હેરી ત્રાસી ગયો. રાજપરિવારની આંતરિક રાજ રમત એના મિજાજને માફક નહોતી આવતી. એ સંજોગોમાં પાંચ વર્ષ પહેલાં હેરી પત્ની મેગન સાથે રાજપરિવાર તથા જન્મભૂમિ સુધ્ધાં ત્યાગી ગયો. પાંચ વર્ષ પહેલાં શરૂઆતમાં કેનેડા અને પછી કેલિફોર્નિયા જઈ એક સામાન્ય નાગરિક તરીકે બન્ને વસી ગયાં છે.
રાજ્વી પરિવાર સાવ ત્યાગીને એક સામાન્ય બ્રિટિશ દંપતી તરીકે અમેરિકામાં સ્થાયી થઈ જીવન પસાર કરવાનો હેરીના એ ક્રાન્તિકારી નિર્ણયે એ વખતે દુનિયા આખીને ચોંકાવી દીધી હતી એ વખતે દાદીમા એવાં રાજમાતાએ એના પૌત્ર અને પૌત્રવધૂને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પણ સિદ્ધાંતવાદી પૌત્ર હેરી ન માન્યો અને એ નિર્ણય સાથે રાજવી તરીકેના બધા જ ખિતાબ-એને મળતી લાખો પાઉન્ડની રોકડ તથા બીજી સવલતોનો સ્વેચ્છાથી ત્યાગ કર્યો. હા મમ્મી ડાયનાના વારસાદાર તરીકે મળેલી કરોડો પાઉન્ડની જાયદાદ પણ એ પતિ-પત્ની આજે સમાજનાં સેવાભાવી કાર્યોમાં જ વાપરે છે.
સિદ્ધાંતનો હેરી કેવો પાકો છે એનો આ એક કિસ્સો જાણવા જેવો છે. પત્ની મેગન અને પોતાનાં બન્ને નાનાં સંતાન સાથે હેરી થોડા દિવસ માટે પોતાના વતન બ્રિટન આવવા ઈચ્છતો હતો, પરંતુ પૂરતી સુરક્ષા વગર એ શક્ય નહોતું એટલે હેરીએ નક્કી કર્યું કે અમેરિકામાં એની પોતાની અંગત સુરક્ષા ટીમ છે એને સાથે લાવવી.
આમ છતાં જડબેસલાક સિક્યોરિટી માટે સ્થાનિક બ્રિટિશ સુરક્ષા ટીમની પણ જરૂર પડે તો બ્રિટનમાં અમારી સુરક્ષાનો જે પણ ખર્ચ થશે એ હું જ ભોગવીશ!' એવી વાત કરી તો બ્રિટિશ સરકારે એ વાત ન સ્વીકારી અને કહ્યું કે
ગમે તેમ તો તમે અમારા પ્રિન્સ છો માટે તમારી સુરક્ષા એ અમારી જ જવાબદારી છે.’
આ મુદે, હેરીએ લંડન કોર્ટના દરવાજાં ખટખડાવ્યાં ને અરજી કરી કે `અમારી સુરક્ષા પાછળ જે જંગી ખર્ચ થશે એ બ્રિટિશ પ્રજાએ આપેલા ટેક્સની રકમમાંથી સરકાર કરશે, જે મને મંજૂર નથી. હવે હું પણ બીજા સામાન્ય નાગરિક જેવો જ છું તો પછી આ ખાસ વ્યવસ્થાનો ખર્ચ અહીંની સરકારે મારા માટે શું કામ ભોગવવો જોઈએ?!’
આ પણ વાંચો…ક્લોઝ અપ : સૈનિકોની જેમ પત્રકારોને માથે પણ સતત મોત ભમે છે!
હવે ચાર-પાંચ વર્ષ પહેલાંના આ સિનારિયામાં અચાનક યુ ટર્ન આવ્યો છે અને ગયા અઠવાડિયે રાજવી પરિવારનો નાનો કુંવર હેરી ફરી એક વાર જગતભરનાં ટીવી-છાપાં અને સોશિયલ મીડિયામાં ગાજવા લાગ્યો છે.
વાત ફરી એક વાર હેરી અને એની પરિવારની સુરક્ષાની છે. પોતે પરિવાર સહિત માતૃભૂમિ આવે ત્યારે એને 2020માં જે ઊચ્ચ સ્તરની બ્રિટિશ સુરક્ષા મળતી હતી એમાં ક્રમશ: ઘટાડો કરવામાં આવ્યો હતો. આ વિશે હેરીએ લાગતા-વળગતાની જાણ કરી ત્યારે જાણવા મળ્યું કે આ નિર્ણય એના રાજવી પરિવારના કહેવાથી જ લેવામાં આવ્યો હતો !
આ વાતથી નારાજ થઈને હેરીએ બ્રિટિશ કોર્ટમાં એની સુરક્ષાને લઈને અપીલ કરી તો તાજેતરમાં કોર્ટનો ચુકાદો હેરી વિરુદ્ધ આવ્યો છે. કોર્ટે ચુકાદામાં કહ્યું કે કારણ કે હેરી હવે રાજવી પરિવારની બધી પ્રણાલિકા – બધા જ હોદા, બધી જ સુવિધા અને માતૃભૂમિ સુધ્ધાં સ્વેછાથી ત્યાગીને એક સામાન્ય પ્રજાજન તરીકે વિદેશ વસી ગયા છે માટે હેરીને એક રાજવી તરીકે નહીં, પણ એક `વીઆઈપી’ તરીકે મળતી જ સુરક્ષા મળી શકે!’
કોર્ટના આ ચુકાદા પછી આઘાત પામેલા હેરી બીબીસી ટીવી ન્યૂઝ સર્વિસ'ને આપેલા એક વિશેષ ઈન્ટરવ્યૂમાં ખેદભર્યા સ્વરોમાં કહે છે :
ભલે, આજે હું સામાન્ય પ્રજાજન તરીકે આમેરિકામાં રહું છું,પણ જન્મે એક રાજવી પરિવારનો છું. મારી પત્ની-બાળકો અને મારા જીવન પર ખતરો છે માટે પૂરતી સશક્ત સુરક્ષા જરૂરી છે.. એમાંય જયારે અહીં બ્રિટનમાં જ અમારી સુરક્ષા નબળી પડે એ સ્થિતિમાં હવે મને નથી લાગતું કે પત્ની બાળકો સાથે હું ફરી કયારેય મારી જન્મભૂમિ બ્રિટન પરત આવી શકું ….’
એ મુલાકાતમાં હેરી દર્દભર્યા સ્વરે ઉમેરે છે : `મારા પિતા કિગ ચાર્લ્સને અમારી ઘટાડેલી સુરક્ષા વિશે બધુ જાણ છે, છતાં એ મૌન જ રહ્યા એનું મને દુ:ખ છે. કેસ હારી ગયો એથી પણ પિતાના મૌનથી વધુ દુ:ખ છે..એ મારી સાથે વાત પણ નથી કરતા!’
પિતા કિગ ચાર્લ્સ કેટલાક સમયથી કેન્સરની સારવાર લઈ રહ્યા છે એનો આડકતરો ઉલ્લેખ કરીને હેરી ઉમેરે છે : `હું મારા રાજવી પરિવાર સાથે સમાધાન કરવા માગું છું…મારે હવે કોઈ સાથે લડવું નથી..જીવન ક્ષણભંગુર છે….મારા પિતા પાસે હવે કેટલો સમય બચ્યો છે..કેટલા દિવસ એ હવે આપણી વચ્ચે રહેશે એ આપણે જાણતા નથી …!’
જોકે, નીચલી કોર્ટના ચુકાદા પછી હેરીએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં એનું દર્દ સ્પષ્ટ છલકે છે. એણે આ જ મુલાકાતમાં એવો ઉલ્લેખ કર્યો છે કે રાજપરિવારે જ એની મમ્મી ડાયનાની સુરક્ષા પર કાપ મૂક્યો એમાં જ ડાયનાનું ક-મોત થયું હતું …!
હેરીની આ મુલાકાતની ન ધારેલી નકારાત્મક પ્રતિક્રિયાઓ આવી છે. કિગ ચાર્લ્સ કેન્સરથી પીડાય છે એ વાત હેરીએ એની મુલાકાતમાં મોભમ કહી હતી (`ખબર નથી કે મારા પિતા પાસે હવે કેટલો સમય બચ્યો છે..કેટલા દિવસ એ હવે આપણી વચ્ચે રહેશે).
એ વાતની ત્યાંનાં અખબારો ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર અત્યારે સતત ચર્ચા ચાલી રહી છે. આમેય મોટાભાગની બ્રિટિશ પ્રજા રાજપરિવારની આંધળી ભકત' છે. આથી એ હેરીથી બહુ નારાજ છે. હાલમાં થયેલા એક પોલ મતદાનમાં મોટાભાગના બ્રિટિશરોએ તો કહ્યું છે કે
હેરીએ તો હવે હદ કરી છે…..હેરીનો HRH (His Royal Highness- `ડ્યુક ઓફ સસેક્સ’) ખિતાબ પણ ખૂંચવી લેવો જોઈએ!’
આ પણ વાંચો… ક્લોઝ અપ : સ્વાદિષ્ટ વાનગીઓના કડવા-તૂરા વાદ-વિવાદ-વિખવાદ…