ભાત ભાત કે લોગઃ જાદુગરી કરતી કામણગારી કન્યાઓ ક્યારેય ફરિયાદ કેમ નથી કરતી?

જ્વલંત નાયક
તમે જાદુનો ખેલ જોયો છે? ખીચોખીચ દર્શકોથી ભરેલા ઓડિટોરિયમમાં કોઈક જાદુગર પોતાની ટીમની એક સુંદર છોકરીને લાકડાની પેટીમાં સૂવડાવીને પછી એ પેટીને વચ્ચેથી કાપી નાખે, એવું દ્રશ્ય નજરોનજર નિહાળ્યું છે? જીવનમાં પહેલી વખત આવો ખેલ જોનારા તો રીતસરના હેબતાઈ જાય, પણ બીજી જ મિનિટે પેલી છોકરી હસતી-કૂદતી સ્ટેજ પર એન્ટ્રી મારે અને પ્રેક્ષકો તાળીઓનો ગડગડાટ કરી મૂકે. જાદુની આ ટ્રીક લગભગ દરેક મોટો જાદુગર સ્ટેજ પર ભજવી બતાવે છે.
મેજિકની દુનિયામાં આ કરતબ Sawing a woman in half (કરવત વડે યુવતીના બે ટુકડા કરી નાખવા) તરીકે ઓળખાય છે. આ જાદુઈ ટ્રીક `કટિગ અ લેડી ઈન હાફ’ તરીકે પણ જાણીતી છે. બધાને જ ખબર હોય કે જાદુનો ખેલ નરી ચાલાકી સિવાય કશું નથી, પણ આ ચાલાકી થઇ કેવી રીતે એ ભાગ્યે જ કોઈને સમજાય. અને ન સમજાય ને આંખ સામે જ એ બની જાય એની જ તો આખી મજા છે.
સાચું પૂછો તો આ ખેલમાં ખં કરતબ લાકડાની પેટીમાં ગોઠવાઈને કપાઈ મરતી' પેલી છોકરીનું જ હોય છે. મેજિકની દુનિયાવાળા આવી છોકરીને
બોક્સ જમ્પર્સ’ના નામે ઓળખે છે. તમે મહાન જાદુગર હેરી હૂડિનીથી માંડીને આપણા કે. લાલ સુધીની શ્રેણી જુઓ કે પછી હાલના સિનિયર મેજિશિયન ડેવિડ કોપરફિલ્ડથી લઈને પ્રમાણમાં યુવાન એવા પિફ-ધ મેજિક ડ્રેગન સુધીના જાદુગરોના નામ ચકાસો, તો એમાં મહિલાઓના નામ અપવાદરૂપ ગણાય એટલી ઓછી સંખ્યામાં નજરે પડશે.
જો કે ખૂબીની વાત એ છે કે આ જબરા ગણાતા જાદુગરોની મોટા ભાગની કમાલ પાછળ એમની મહિલા સહાયકોની ચુસ્તી-સ્ફૂર્તિ અને આવડત જવાબદાર છે. આજના જમાનામાં જો તમારે કોઈ પણ વિષયમાં ઊંડા ઊતરવું હોય તો એ વિષયને લગતી ડોક્યુમેન્ટ્રીઝ જોવી જોઈએ. યુટ્યુબ પર વિમેન ઇન બોક્સિસ' નામની દોઢેક કલાક લાંબી ડોક્યુમેન્ટરી ઉપલબ્ધ છે. એમાં
બોક્સ જમ્પર’ તરીકે કામ કરી ચૂકેલી મહિલાઓએ પોતાની વાત અને અનુભવો શેર કર્યા છે.
ફિલ્મની માફક જ ડોક્યુમેન્ટરી બનાવતા પહેલા સ્ક્રિપ્ટની જરૂર પડે. `વિમેન ઇન બોક્સિસ’ની સ્ક્રિપ્ટ લખનાર બ્લેર બેરન ખુદ જાદુગરોના પરિવારમાં પરણી છે. એનો પતિ દાન્તે લાર્સન જાણીતો જાદુગર છે. સાસુ-સસરા પણ પોતાના જમાનાના ધૂરંધર જાદુગર રહી ચૂકેલા એટલે ડોક્યુમેન્ટરી લખતી વખતે બેરન પાસે જાદુની દુનિયાના ફર્સ્ટ હેન્ડ અનુભવોનો ખજાનો હતો.
સામાન્ય છાપ કદાચ એવી પડે કે જાદુગરોની ટીમમાં કામ કરનારી ખૂબસુરત છોકરીઓ માત્ર દર્શકોને લલચાવવા માટે જ રખાતી હશે. એ સિવાય મુખ્ય જાદુગરો એમને હાંસિયામાં ધકેલી દેતા હશે. આમ પણ આ દુનિયા પુષપ્રધાન છે એટલે સ્ત્રીઓને તો આવાં કામ-કરતબની ક્રેડિટ ક્યાંથી મળે?
જોકે બેરન આ વાતનો ઇનકાર કરે છે. એના કહેવા મુજબ દર્શકો ભલે ગમે તે સમજે, પણ જાદુની દુનિયામાં બોક્સ જમ્પર્સને બહુ મહત્ત્વ આપવામાં આવે છે. આપણે જેમને વખાણીએ છીએ એ જાદુગરો તો માત્ર મોઢેથી બોલીને કે શરીરના હાવભાવ વડે દર્શકોનું ધ્યાન બીજે ભટકાવે છે. બાકી ખરો કરતબ તો બોક્સ જમ્પર છોકરીનો જ હોવાનો. ટેક્નિકલી આ વાત સાચી છે.
સ્ટેજ પર કોઈ યુવતીના શરીરના ટુકડા કરતી વખતે મુખ્ય જાદુગરે માત્ર તલવારથી બોક્સ કાપવાનો અભિનય કરવાનો હોય છે. ખરો કમાલ પેલી છોકરીનો છે જે ચપળતાપૂર્વક માત્ર દસ ઈંચની હાઈટ ધરાવતા સાંકડા બોક્સમાં સમયસર પોતાનું શરીર સંકોરી લે છે. અને જાદુગર કશુંક બોલીને હિન્ટ આપે એટલે ફરી સાજીસમી સ્ટેજ પર આવી પહોંચે છે.
ફિલ્મોમાં હીરો-હીરોઈનને જ મોટા ભાગની પ્રસિદ્ધિ મળે છે. બાકી મોટો ફાળો તો કેમેરા પાછળના કસબીઓનો હોય છે. જાદુના ખેલમાં પણ એવું જ છે. મજાની વાત એ છે કે બોક્સ જમ્પર છોકરીઓને મેજિશિયનની ટીમમાં સાં એવું મહત્ત્વ આપવામાં આવે છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિતના બીજા અનેક ક્ષેત્રો પર વારંવાર પુષપ્રધાન હોવા અંગે તહોમતનામું મુકાતું રહે છે, પણ આશ્ચર્યજનક રીતે જાદુની દુનિયામાં ભાગ્યે જ આવો કોઈ બનાવ બન્યો હશે. કોઈ ક્ષેત્ર સંપૂર્ણ સુરક્ષિત કે સાત્ત્વિક નથી હોતું. અપવાદ બધે હોય તેમ છતાં મેજિક વર્લ્ડનો હિસ્સો બનેલી માનુનીઓએ બીજાં ગ્લેમરસ ક્ષેત્રોમાં કામ કરતી સ્ત્રીઓ જેટલી ફરિયાદ નથી કરી.
જાદુના અનેક ખેલ જેવા કે એઝટેક લેડી, ડેવિલ્સ ટોર્ચર ચેમ્બર, મિસમેડ ગર્લ અને સોઇંગ અ પર્સન ઇન હાફ વગેરેમાં મહિલાઓને એક ઓબ્જેક્ટની માફક વાપરવામાં આવતી હોવાના આક્ષેપો થયા કરે છે. વળી મેજિક શોમાં કામ કરતી મહિલા આકર્ષક અને ઘણીવાર ઉત્તેજક કહી શકાય એવાં ટૂંકા વસ્ત્રો ધારણ કરે છે.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ ભૂત વગરનું ભૂતિયું જહાજ…બેલીકોટનની પ્રજાને ગજબનું બીવડાવે છે…!
એના કારણે પણ ઘણાને લાગે છે કે આ ક્ષેત્રમાં સ્ત્રીઓનું ભરપૂર શોષણ થતું હશે. એક ઓર કારણ જરા રમૂજ ઉપજાવે એવું છે. કેટલાક લોકો માને છે કે અમુક જાદુગરો હાથચાલાકીને બદલે ખરેખર વશીકરણ સહિતની મેલી વિદ્યા અજમાવતા હોય છે.
આ ભોળા લોકોના મતે જાદુગરો મેલી વિદ્યા વડે મહિલાઓને વશમાં કરીને એમને ગુલામની જેમ રાખતા હશે. પણ વાસ્તવિકતા એ નથી. કોઈ પણ ક્ષેત્રે ત્રણેક પ્રકારના લોકો જોવા મળશે. ઇન્ડસ્ટ્રીમાં સૌથી ટોચે બિરાજતા લોકો, મીડિયોકર લોકો અને સૂંઠને ગાંગડે ગાંધી થવા નીકળેલા લેભાગુ કક્ષાના લોકો. મોટા ભાગના ક્ષેત્રોની બદનામી આ ત્રીજી કેટેગરીના લોકોને કારણે થતી હોય છે.
હકીકતમાં સાચુકલા-જેન્યુઈન જાદુગરો તો ઉલટા પોતાના સહાયકોને વધુ સાચવે છે. એની પાછળ એક મજબૂત કારણ પણ છે. આ કારણ એટલે પ્રોફેશનલ સિક્રેટ. જાદુનો ખરો ખેલ તો સહાયકો દ્વારા જ ભજવાતો હોય છે ને વળી જાદુની દરેક ટ્રિક વિશે બોક્સ જમ્પર્સ પાસે પાકી માહિતી હોય છે એટલે એમને નારાજ કરવાનું જોખમ કયો અક્કલમંદ જાદુગર ખેડે? ઉલટાનું ઘણા કિસ્સામાં તો કેટલાક જાણીતા જાદુગરોએ પોતાની જ બોક્સ જમ્પર્સ જોડે પ્રેમમાં પડીને લગ્ન કરી લીધાના ય દાખલા છે.
સૌથી જાણીતો દાખલો જગવિખ્યાત જાદુગર હેરી હૂડિનીનો છે, જેણે પોતાની એક સમયની સહાયક બેસ (Bess Houdini) સાથે લગ્ન કરેલા. હવે જો મેજિક શો જોવાનો મોકો મળે તો તાળીઓનો એકાદ ગડગડાટ આ ખરી જાદુગરણીઓ માટે પણ કરી લેજો.
આ પણ વાંચો…ભાત ભાત કે લોગ : `1955 સિસ્ટમ’ : આ છે જાપાનની યુનિક રાજકીય વ્યવસ્થા