વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ વફાદાર શ્વાન અળખામણો કેમ થાય છે?

જ્વલંત નાયક

The dog is a gentleman… I hope to go to his heaven not man… અર્થાત શ્વાન બહુ સજ્જન (સદગુણોનો ભંડાર) હોય છે. હું ઈચ્છું છું કે મૃત્યુ બાદ મને માણસોના નહિં પણ શ્વાનોના સ્વર્ગમાં રહેવા મળે…

આખી માનવજાતને ઉતારી પાડતું આ વિધાન વિખ્યાત હાસ્યકાર માર્ક ટ્વેઇનનું છે. અને માર્કે આ વાત હસવામાં નહિ બલકે પૂરી ગંભીરતા સાથે કહી છે, કારણ કે માણસ તરીકે માણસજાત બહુ નબળી સાબિત થઇ છે.

બીજી તરફ માનવસમાજને ય પોતે ગમે એટલો સ્વાર્થી હોય તો પણ પોતાની સુરક્ષા કરવાનો મૂળભૂત અધિકાર છે . એવી અનેક ઘટના છે, જેમાં શ્વાનોના કરડવાથી કે હડકવાને કારણે નિર્દોષ મનુષ્યોનો ભોગ લેવાયો હોય. ભારત જેવા વિકાસશીલ એશિયન દેશો તેમ જ અનેક આફ્રિકન દેશોમાં રખડતાં શ્વાનોની સમસ્યા વકરી ગઈ છે. `વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં વીસેક કરોડ કૂતરાઓ કોઈ પણ નિયંત્રણ વિના ભટકે છે.

`એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા’ના આંકડાઓ પણ ચોંકાવનારા છે. એ મુજબ મહારાષ્ટ્રમાં રખડતાં કૂતરાંઓની વસતિ બારથી તેર લાખ અને ગુજરાતમાં સાડા આઠ લાખ જેટલી છે. ભારતમાં આ વસતિ દર વર્ષે બે ટકાના દરે વધી રહી છે. દર વર્ષે કૂતરા કરડવાના અને હડકવા થવાના લાખો કેસ નોંધાય છે, જેમાં સંખ્યાબંધ લોકો મોતને ભેટે છે. આ છે ખરી સમસ્યા…

ભારતની સુપ્રીમ કોર્ટે પણ આ મામલે હવે કડક વલણ અખત્યાર કર્યું છે. દિલ્હીમાં બાળકો પર ડોગ એટેક્સના સંખ્યાબંધ સમાચાર પછી 28 જુલાઈ, 2025ના રોજ સુપ્રીમ કોર્ટે જાતે સરકારી તંત્રોને લબડધક્કે લેવાની શરૂઆત કરી છે. તમે આ વાંચતા હશો એના આગલા દિવસે એટલે કે 7 નવેમ્બર, 2025ના રોજ નવા આદેશો પસાર થયા હશે એ મુજબ ફીડિગ ઝોનના કાર્યભાર, મ્યુનિસિપલ ઓથોરિટીઝનું પાલન અને રેબિઝ જેવી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત થશે.

શ્વાન સમસ્યાને લઈને દેશનો સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. બંનેની વાતમાં તથ્ય છે એટલે ઉપાય શોધવાનું કામ વધુ મુશ્કેલ છે. શ્વાનોની વફાદારીની અને નિ:સ્વાર્થ પ્રેમની અવગણના થઇ શકે એમ નથી. માણસ પોતાના સ્વાર્થીપણા માટે, તો શ્વાન પોતાની વફાદારી માટે પ્રખ્યાત છે. વિશ્વભરમાં શ્વાનપ્રેમીઓનો એક બહુ મોટો વર્ગ છે, જે માર્ક ટ્વેઇનની વાત સાથે સંપૂર્ણ સહમત છે.

ગુજરાતી સાહિત્યમાં લાખો વણઝારો અને એના કૂતરાની અને એ બંને વચ્ચેની માયાના પ્રતીકસમા ડાઘાસર તળાવની વાતો બહુ જાણીતી છે.

જાપાનીઓ પાસે પણ આવી એક સત્યકથા છે. જાપાનના ટોક્યો શહેરમાં હિડેસાબુરો નામના પ્રોફેસર પાસે એક શ્વાન હતો. નામ એનું હચિકો. આજે એ વાતને એક સદી વીતી ગઈ તેમ છતાં માત્ર જાપાનીઝ નહિ બલકે દુનિયાભરના શ્વાનપ્રેમીઓ હચિકોને ભાવપૂર્વક યાદ કરે છે.

દરરોજ સવારે પ્રોફેસર શિબુયા રેલવે સ્ટેશનથી ટે્રન પકડીને યુનિવર્સિટી જતા અને હચિકો તેમને સ્ટેશન સુધી મૂકવા જતો. સાંજે પ્રોફેસર પરત ફરે ત્યારે હચિકો સ્ટેશન પર તેમની રાહ જોતો બેઠો હોય. આ ક્રમ બે વર્ષ સુધી ચાલુ રહ્યો. પણ એક દિવસ નોકરીએ ગયેલા પ્રોફેસરનું કોઈક કારણોસર મૃત્યુ થયું અને એ પાછા ઘરે ફરી શક્યા નહિ. બિચારા હચિકોને એનો ખ્યાલ ક્યાંથી આવે? એ તો રોજ સાંજે નિયત સમયે શિબુયા સ્ટેશને આવીને બેસી જતો અને પોતાના પ્યારા માલિકની રાહ જોયા કરતો.

પ્રોફેસરના મૃત્યુ પછી આ સિલસિલો સતત નવ વર્ષ સુધી ચાલતો રહ્યો. પ્લેટફોર્મ પર અવરજવર કરનારા રોજિંદા પ્રવાસીઓથી માંડીને પત્રકારો સુધી બધાને હચિકોની વફાદારી સ્પર્શી ગઈ. આખરે 1935ના માર્ચ મહિનામાં હચિકોએ પણ અંતિમ શ્વાસ લીધા. પ્રોફેસરના સંબંધીઓ જ નહિ, રેલવે સ્ટેશનનો સ્ટાફ અને મુસાફરો પણ શોકમગ્ન થઇ ગયા. હચિકોના નિ:સ્વાર્થ પ્રેમે જાપાનીઝ પ્રજાની સંવેદનાઓ એ હદે ઝંકૃત કરી કે શિબુયા સ્ટેશન બહાર હચિકોની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી.

આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ …તો પહેલી સપ્ટેમ્બરે આખું ભારત અરાજકતામાં ધકેલાઈ જાત?

હેલન કેલરને આપણે ઓળખીએ છીએ. અંધાપો અને બહેરામૂંગાપણું સહિતની અનેક પંગુતાઓને દ્રઢ મનોબળ વડે પરાજિત કરીને જીવન જીવી જનાર હેલન કેલર આ લેખ સાથેની તસ્વીરમાં દેખાશે. હેલન હચિકોની કાંસ્યપ્રતિમાને વ્હાલપૂર્વક પંપાળી રહ્યાં છે. આજે પણ વિશ્વભરના શ્વાનપ્રેમીઓ હચિકોને ભાવપૂર્વક યાદ કરતા રહે છે.

આવી અગણિત કથાઓ-સત્યઘટનાઓ વિશ્વભરમાંથી જડી આવશે, પણ સાથે જ માનવસમાજને વેઠવી પડતી સાચુકલી તકલીફોને પણ નજરઅંદાજ કરી શકાય નહિ. કશોક વચલો માર્ગ કાઢ્યા વિના છૂટકો નથી. યુરોપિયન દેશ નેધરલેન્ડે આ દિશામાં માઈલસ્ટોન ગણાય એવી કામગીરી કરી છે.

ઓગણીસમી સદી સુધી ડચ પ્રજા માટે કૂતં પાળવું એ ઘરગથ્થુ શોખ અને સાથે જ સામાજિક મોભા સાથે સંકળાયેલી વાત હતી. આવું હોય તો સ્વાભાવિક રીતે જ દેશમાં શ્વાનોની સંખ્યા બહુ મોટી હોય. તકલીફ એ થઇ કે એ વખતે અહીં કોઈક કારણોસર રેબિઝ એટલે કે હડકવાનો રોગચાળો ફાટી નીકળ્યો. લોકો એવા ગભરાયા કે પોતાના પાલતુ કૂતરાઓને ય ઘરની બહાર કાઢી મૂક્યા! પરિવારના સભ્ય ગણાતા આ શ્વાનો રાતોરાત રખડુ કૂતરાની કેટેગરીમાં આવી ગયા. દેશની સડકો આવાં કૂતરાઓથી ઊભરાઈ ગઈ. હડકવાના સંક્રમણનો ડર તો હતો એમાં વળી આ પરિસ્થિતિએ ગંદકી સહિતની બીજી અનેક સમસ્યાઓ ઊભી કરી.

સરકારને થયું કે શ્વાન પાળવાના શોખીન લોકો બેજવાબદારીપૂર્વક વર્તી રહ્યા છે. સરકારે આવા લોકોને સબક શીખવવા શ્વાન પાળવા પર ટેક્સ ફટકાર્યો! ખબર નહિ આવો નિર્ણય કયા ભેજાની ઊપજ હતી, પણ આ વિચિત્ર નિર્ણયનું પરિણામ ધારણા કરતાં સાવ વિપરીત આવ્યું. જે શ્વાનમાલિકોએ હડકવાનું જોખમ અવગણીને ય પોતાના પાલતુ શ્વાનોને સાચવી રાખેલા, એ બધાએ પણ ટેક્સના ડરે કૂતરાઓને જાહેર માર્ગો પર ત્યજી દીધા! લાંબો સમય સુધી નેધરલેન્ડ રખડતાં કૂતરાઓની સમસ્યાઓથી પરેશાન રહ્યું. પણ પછી સરકારે નીતિ બદલી.

નેધરલેન્ડની સરકાર દ્વારા CNVR પ્રોગ્રામ ઘડીને અમલમાં મૂકવામાં આવ્યો. CNVR એટલે Collect, Neuter, Vaccinate and Return. સાદી ગુજરાતીમાં કહીએ તો રખડુ કૂતરાને પકડો, એનું રસીકરણ અને ખસીકરણ કરો ને પછી છોડી મૂકો. આને લીધે કૂતરાઓ રોગમુક્ત બન્યા સાથે જ એમની વસતિ પર નિયંત્રણ આવ્યું. સરકારે આટલેથી અટકવાને બદલે પેલા ડોગ ટેક્સનું સ્વરૂપ બદલી નાખ્યું. શ્વાનપાલનને બદલે શ્વાનોની ખરીદી પર ટેક્સ નાખ્યો. પરિણામ એ આવ્યું કે લોકો નવું કૂતરૂં ખરીદવાને બદલે રખડતા કૂતરાને એડોપ્ટ કરવા માંડ્યા.

આ નીતિ ખરા અર્થમાં માસ્ટરસ્ટ્રોક સાબિત થઇ. એક સમયે લોકોએ ટેક્સથી ગભરાઈને પોતાના શ્વાનો રખડતાં છોડી મૂકેલાં. એના બદલે હવે શ્વાનપ્રેમીઓ સડક પરથી શ્વાનો વીણી વીણીને ઘરે ઊંચકી જવા માંડ્યા! પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા સામેના કાયદાઓનું કડક પાલન પણ શરૂ કરવામાં આવ્યું. નેધરલેન્ડમાં કોઈ પ્રાણી ઉપર અત્યાચાર કરનારને ત્રણ વર્ષની કેદ અને સોળ હજાર યુરોનો દંડ થઇ શકે છે. આ બધાનું પરિણામ એ આવ્યું કે 2016માં આખા દેશમાંથી રખડતાં કૂતરાઓ સંપૂર્ણપણે અદ્રશ્ય થઇ ગયા. અને નેધરલેન્ડ રખડતાં કૂતરાઓથી મુક્ત હોય એવો વિશ્વનો સૌપ્રથમ દેશ બન્યો.

કટાક્ષ અથવા આઘાત અથવા વિસ્મયની બાબત એ છે કે ભારતનાં શહેરોમાં પણ આ જ પ્રકારે કૂતરાના રસીકરણ-ખસીકરણની પોલિસી અમલમાં છે. તેમ છતાં સરકારી તંત્રને લગતા જગપ્રસિદ્ધ લક્ષણો અને જનજાગૃતિના અભાવને પ્રતાપે આપણે ત્યાં સુપ્રીમ કોર્ટે મેદાનમાં ઊતરવું પડે છે.

આ પણ વાંચો…ભાત ભાત કે લોગઃ `મહાન ક્રાન્તિકારી’ની જેને ઉપમા મળી એ ચે ગુવેરા એવો હતો ખરો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button