ક્લોઝ અપઃ જુવાન હૈયાંનાં ડેટિગમાં આ `ઑનેસ્ટિ બોમ્બિંગ' વળી શું છે? | મુંબઈ સમાચાર
વીક એન્ડ

ક્લોઝ અપઃ જુવાન હૈયાંનાં ડેટિગમાં આ `ઑનેસ્ટિ બોમ્બિંગ’ વળી શું છે?

ભરત ઘેલાણી

બાર ગામે બોલી બદલાય ને તેર ગામે પાણી’ એવી આપણી એક ઉકિત અનુસાર વર્ષોનાં ક્રમશ : સાથે યુવાન પેઢીની પરિભાષા પણ પલટાય છે સમયના વિભિન્ન તબક્કા જેમકેજનરેશન X – Y કે પછી જનરેશન Z’ કે પછી જનરેશન ઝી’ તરીકે આજનરેશન ઝી’ની પણ એક આગવી ઓળખ છે 1997 થી 2012ના ગાળામાં જન્મેલા યુવાન `જનરેશન ઝી’ તરીકે ઓળખાય છે.

આ તબક્કાની પેઢી આજકાલ સમાચારમાં ખાસ્સી ગાજી છે. ખાસ કરીને રાજકીય ઉપદ્રવોમાં…તાજેતરનાં બાંગ્લાદેશ અને પછી નેપાળ અને એના સમાંતરે ફ્રાન્સમાં થયેલાં રાષ્ટ્રવ્યાપી આંદોલનો અને સત્તાપલટામાં આ પેઢીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

આપણે એ બધી વાત બાજુ પર રાખીએ અને આ જનરેશનના છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન આપણી બોલી અને લિપિ એટલે કે બોલચાલની ભાષા અને લખાણમાં જે જે નવા નવા શબ્દો ઉમેરાતાં ગયા એમાંના બે શબ્દની વાત કરીએ- ઉદાહરણ તરીકે હાર્ડ બોલિંગ' અને બીજો શબ્દ છેઑનેસ્ટિ બોમ્બિંગ’.

આ બન્ને શબ્દ આજકાલની બહુ લોકપ્રિય એવી ડેટિગ ઍપ્સમાં (એટલે કે ઍપ્લિકેશન)માં વિશેષરૂપે પ્રચલિત છે.
આમાંથી પ્રથમ શબ્દ: `હાર્ડ બોલિંગ’ એટલે કંપનીના ચીફ પોતાના કર્મચારી પાસે જે કામ જોઈતું હોય એ મેળવવા શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ વાત કરે તે..

બીજો શબ્દ થોડો વધુ અજાણ્યો છે, એ છે: ઑનેસ્ટિ બોમ્બિંગ’, જેનો અર્થ છે જીવનસાથીની પસંદગી કરવા જાવ ત્યારે એકમેક પોતાની ખામી-ખૂબી વિશે ખુલ્લા મને વાત કરવી એ વાતની શરૂઆત આપણેહાર્ડ બોલિંગથી કરીએ. યુવાનોમાં પોપ્યુલર એવીટિન્ડર’-ઓકે ક્યુપિડ’ કે પછીબ્લુમ્બ’ ઍપ્સ દ્વારા ડેટિગ કરતાં યુવક-યુવતીમાં અમુક યુવતી વધુ બોલકી હોય છે. લગ્નજીવન વિશેના એનાં ખ્યાલ-વિચાર એકદમ સ્પષ્ટ હોય છે.

આ પણ વાંચો…ક્લોઝ અપઃ વૃક્ષનું સાંભળો ને એને સંભાળો…એ આપણાં પર્યાવરણના રક્ષક પુરવાર થશે!

જોઈએ પછી વિચારીશું…’ એવું બોલવા-ચાલવામાં એ માનતી પણ નથી. લગ્ન પછી એને શું શું જોઈએ છીએ-પોતાની પસંદગીનું ઘર-જોબ-રોજિંદી કામગીરીથી માંડીને બેડરૂમ સુધ્ધાંની પોતાની ઈચ્છા-મહેચ્છા- કામેચ્છા સુધ્ધાની વાત એ જરાય સંકોચ રાખ્યા વગર વ્યકત કરે છે. લગ્ન સબંધ બંધાય પછી આમચી બમ્બૈયા ભાષામાં કહીએ તો એને આવીખાલીપીલી માથાપચી’ પસંદ નથી !

બીજા શબ્દોમાં કહો તો ડેટિગ ઍપ પર હાર્ડ બોલિંગ’ની નીતિ-રીતિ અપનાવતી લગ્નઈચ્છુક ક્નયા કોઈ મોટી કોર્પોરેટ કંપનીની સીઈઓ- ચીફ જેવી પાક્કી પ્રોફેશનલ-વ્યવસાયિક હોય છે. પોતાના સહયોગી કે સ્ટાફ પાસે જોઈતું કામ કઢાવે એવી. એમાં દલીલ-બહાનાબાજી ન ચાલે એવું જ વલણ પોતાના મેરેજ રિલેશનમાં દર્શાવવામાં એ સહેજે ઊણી ન ઊતરે. આવીહાર્ડબોલર’ યુવતીનાં મેરેજ કેટલાં લાંબા ટકે એ પણ વિચારવાનો એક સાવ અલગ વિષય છે.

જો કે, કોરોના-કાળના પ્રારંભ પછી લગ્નઉત્સુક જુવાન હૈયાંનાં મન-મેળાપ કરાવી આપતી અનેક ડેટિગ ઍપમાં અણધાર્યા ફેરફાર આવી ગયાં છે. આમ તો કોરોના તેમ જ એને પગલે ઝીંકાયેલાં લાંબાં-પહોળાં લોકડાઉનના પ્રતાપે બહુ જાણીતી અને પ્રચલિત એવી ડેટિગ ઍપ્સ પર 20 ટકા થી 60 ટકા જેટલો ટ્રાફિક-ઉપયોગ વધી ગયો છે. એટલું જ નહીં, આજે પણ નિયમિત દરે 10 થી 15 ટકા જેટલાં નવા મેમ્બર્સ પણ ઉમેરાતા રહે છે.

એ બધા વચ્ચે, કેટલીક ઍપ એની અમુક લાક્ષણિકતાને લીધે સાવ અલગ તરી આવી છે. એ જ કારણે એ ખાસ્સી લોકપ્રિય પણ બની છે. આના પ્રતાપે ઍપ દ્વારા થતાં આ ડેટિગના જમાનામાં અચરજ પહોંચાડે જિજ્ઞાસા જગાડે એવો એક મજાનો શબ્દ વહેતો થયો છે.

એ શબ્દ છે: ઑનેસ્ટિ બોમ્બિંગ'... હકીકતમાં આઑનેસ્ટિ બોમ્બિંગ’ શું છે?’
આ વાત અમદાવાદના પ્રસિદ્ધ એક જાણીતા મનોચિકિત્સક આ રીતે સમજાવે છે :

આજની યુવા પેઢી માટે આઑનેસ્ટિ બોમ્બિંગ’ વર્ષોથી ચાલી આવતી મોરાલિટિ- નૈતિકતા સામે એક આડકતરી લડત છે- એક ઑનેસ્ટ પ્રામાણિક પ્રતિક્રિયા છે, કારણ કે આ પેઢી મક્કમતાપૂર્વક માને છે કે કોવિડ જેવી વિકટ આફત ત્રાટકી પછે નૈતિક સિધ્ધાંતોનું હવે બહુ મહત્ત્વ નથી રહ્યું . એનો ખોટો ભાર વેંઠરવાને બદલે જે છે એ જિંદગી માણી લેવી જોઈએ..!’

બીજી તરફ, અન્ય એક જાણીતી ડેટિગ ઍપ બાડો'એ આઑનેસ્ટિ બોમ્બિંગ’ વિશે સ-રસ સર્વેક્ષણ -વિશ્લેષણ કર્યું છે. એ કહે છે કે કોરોના પછી પરિસ્થિતિ એવા ડરામણી -ભયજનક થઈ ગઈ છે કે ડેટિગ ઍપ પર જીવનસાથીની શોધ ચલાવનારામાંથી 72 ટકા યુવક-યુવતી પોતા વિશે ખુલ્લે મને વાત કરવા તૈયાર છે તો 82 ટકા તો એમની પ્રથમ ડેટ વખતે જ કશું છુપાવ્યા વગર બધુ જ કહેવા તત્પર છે. એ માનસિક-શારીરિક-આર્થિક સ્થિતિ-પરિસ્થિતિને છુપાડવા નથી માગતા. કારણ એ જ કે ડેટિગને નામે જીવનસાથીના શોધની વાત લંબાયા કરે એ કરતાં પહેલી ડેટ પર જ એ બન્ને પક્ષે બધું નક્કી કરી નાખવાનો એવો એ `શોર્ટ કટ’ અપનાવવા ઈચ્છે છે…

આ પ્રકારનું કશું જ છૂપાવ્યા વગરનું `ઑનેસ્ટિ બોમ્બિંગ’ ભયજનક નથી? આપણા વડીલો તો (ખાસ કરીને છોકરીને) એવી સલાહ દેતાં હોય છે કે એણે પોતાનાં ભૂતકાળના પ્રેમસબંધની વાત ભાવિ જીવનસાથીને કહેવી નહીં… આવી વાત આગળ જતાં એમનાં લગ્ન-સંસારમાં કંકાસનું કારણ ન બની શકે?’
આ પ્રશ્નના ઉત્તરમાં સુરતના અન્ય એક મનોચિકિત્સક દૃઢતા સાથે ઉમેરે છે :

`ના આજના જમાનામાં, ખાસ કરીને કોવિડ પછીના ડરામણા માહોલ પછી આજની પેઢી માને છે કે જિંદગીનો ભરોસો નથી. કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે એટલે પ્રેમ લગ્ન જેવાં નાજુક સંબંધમાં એકમેક્થી ભૂતકાળની વાત વિશે સંતાકૂકડી રમવાની જરૂર નથી માટે ભાવિ લગ્નજીવનને વધુ સુરક્ષિત બનાવવા તમે જેટલા પ્રામાણિક રહો એટલું વધુ સારૂ.’

અન્ય મનોચિકિત્સકો પણ ઉમેરે છે કે આજનાં જુવાન હૈયાં ઑનેસ્ટિ બોમ્બિંગ'ની ડેટિગ વખતે સામેના વિજાતીય પાત્રને એ પણ સ્પષ્ટ કહી દે છે કેતારાં ભૂતકાળના પ્રેમસંબંધ-અફેર-લફરાંને હું સ્વીકારી લઉ એટલી જ સહજતાથી તારે મારાં આવાં ભૂતકાળને સ્વીકારી લેવાનો. ભવિષ્ય માટે પણ આપણી આ જ સમજણ રહેશે!’

આ પ્રકારના સ્વીકારથી બન્ને પક્ષ વચ્ચે કોઈ ગુનાહિત લાગણી કે કશું ખોટું કર્યાનો ભાવ રહેતો નથી પરિણામે એમનાં ભાવિ સંબંધમાં હળવાશ રહે છે અને વધુ નિકટતા સર્જાય છે, કોવિડ પ્રકારની ન કલ્પી હોય એવી આફત કે પછી કોઈ ધરતીકંપ-અતિ વૃષ્ટિ જેવી કુદરતી હોનારતે માનવજાત માટે જે અપૂર્વ કટોકટી સર્જી છે એને લીધે આજની યુવા પેઢીને એવો સાક્ષાત્કાર થઈ રહ્યો છે કે જીવન હવે ક્ષણભંગૂર છે.

મોરાલિટિ-નૈતિકતાને વળગી રહેવાનો હવે કોઈ અર્થ નથી રહ્યો એટલે હાથે એ સાથે’ એ મુજબ જે પણ જીવન મળ્યું છે એને માણી લો… દેવ આનંદના પેલા સદાબહર ગીતની જેમ:હર ફિક્ર કો ધૂંએમેં ઊડાતા ચલા ગયા…’!
આજની યુવાપેઢી માટે હવેથી આ ઑનેસ્ટિ બોમ્બિંગ’ જન્યૂ નોર્મલ’ છે!

આ પણ વાંચો…ક્લોઝ અપઃ ભૂત-પ્રેતના ભ્રમ : જંતરમંતરના બખડજંતર…!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button