સ્પોર્ટ્સવુમનઃ હરમનની હરફનમૌલા ટીમ હવે બે ડગલાં આગળ વધશે એટલે ઐતિહાસિક ટ્રોફી કબજામાં!
વીક એન્ડ

સ્પોર્ટ્સવુમનઃ હરમનની હરફનમૌલા ટીમ હવે બે ડગલાં આગળ વધશે એટલે ઐતિહાસિક ટ્રોફી કબજામાં!

અજય મોતીવાલા

ભારતીય મહિલા ક્રિકેટરો વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસમાં બે વખત ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ક્યારેય ચૅમ્પિયન નથી થઈ શકી. ખરું કહીએ તો ભારતીય મહિલાઓ ક્રિકેટમાં ક્યારેય વર્લ્ડ કપ નથી જીતી. 2005માં વિશ્વ કપની ફાઇનલમાં ભારતનો ઑસ્ટે્રલિયા સામે 98 રનથી અને 2017ની ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે માત્ર નવ રનથી પરાજય થયો હતો.

છેલ્લાં 20 વર્ષમાં બબ્બે વખત ભારતીય વિમેન્સ ટીમ ખૂબ નજીક આવી ગયેલી ટ્રોફીથી વંચિત રહી હતી, પણ આ વખતે ફરી એક વાર મોકો મળી રહ્યો છે. હરમનપ્રીત કૌર અને તેની ખેલાડીઓ ગુરુવારે મોડી રાત્રે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ન્યૂ ઝીલૅન્ડને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે.

સવાલ એ છે કે શું આ વખતે ભારતીય મહિલા ટીમ પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બનશે? ગયા મહિને સ્પર્ધાની શરૂઆત થઈ ત્યારે આપણી ટીમ વિશે ઘણી આશા હતી અને ભારે સંઘર્ષ કર્યા પછી હરમન ઍન્ડ કંપની લાસ્ટ ફોરમાં પહોંચી ગઈ છે. જોકે નવાઈની વાત એ છે કે ઑસ્ટે્રલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા સામે ભારતનો લીગ મૅચમાં પરાજય થયો અને એ જ ત્રણ ટીમ સેમિ ફાઇનલમાં ભારત સામે આવી છે.

લીગ સ્ટેજમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ઑસ્ટે્રલિયા સામે ભારતે 330 રન કર્યા પછી છેક 49મી ઓવરમાં પરાજય જોવો પડ્યો હતો, જ્યારે સાઉથ આફ્રિકા સામે પણ લગભગ એવું જ થયું હતું. ભારતે 251 રન કર્યા બાદ 49મી ઓવરમાં હાર જોવી પડી હતી અને ભૂતપૂર્વ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડે આપેલા 289 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમ 48મી ઓવર સુધી જીતવાની દિશામાં હતી, પરંતુ છેલ્લે ફક્ત ચાર રનથી ભારતે પરાજિત થવું પડ્યું હતું.

વિમેન્સ વન-ડેના આઇસીસી રૅન્કિંગમાં ભારત ત્રીજા સ્થાને છે. ઑસ્ટે્રલિયા પ્રથમ ક્રમે, ઇંગ્લૅન્ડ બીજા ક્રમે અને સાઉથ આફ્રિકા ચોથા ક્રમે છે. હવે સેમિ ફાઇનલમાં ભારત સામે ટૉપ-ફોરની ત્રણેય ટીમ આવી છે અને એમની સામે ભારતે ઝીંક ઝીલવાની છે. લીગ સ્તરે ભારતે ત્રણેય ટીમને જોરદાર ટક્કર આપી એ જોતાં સેમિ ફાઇનલમાં (જો ભારત જીતશે તો) ફાઇનલમાં ભલભલી મજબૂત ટીમને હરાવીને પ્રથમ વાર વર્લ્ડ કપ જીતવાની કૅપ્ટન હરમનપ્રીત અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાની ટીમમાં ક્ષમતા છે.

આપણે, ગર્વથી કહી શકીએ છીએ કે આ વખતે તો ભારત પહેલી વાર ચૅમ્પિયન બનવા શક્તિમાન છે જ.
રવિવારે (26મી ઑક્ટોબરે) ભારતે બાંગ્લાદેશ સામે રમવાનું છે અને એ મુકાબલો અનૌપચારિક બની રહેશે, કારણકે ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે.

12મી ઑકટોબરે વિશાખાપટનમમાં ઑસ્ટે્રલિયા સામે પ્રતીકા રાવલ (96 બૉલમાં 75 રન) અને સ્મૃતિ મંધાના (66 બૉલમાં 80 રન)ની જોડીએ 155 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી, પણ સ્મૃતિ આઉટ થયા બાદ ટીમની સ્થિતિ બગડતી ગઈ અને બાકીની બૅટર્સમાંથી એક પણ બૅટર 40 રન સુધી પણ નહોતી પહોંચી શકી. એ તો ઠીક, પણ ભારતે છેલ્લી છ વિકેટ માત્ર 36 રનમાં ગુમાવી હતી.

સૌથી મહત્ત્વની વાત એ છે કે ઑસ્ટે્રલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા જેવી સ્ટ્રૉન્ગ ટીમો સામે હાર્યા પછી પણ ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી એ જ બતાવે છે કે આ વખતે ઘરઆંગણે આવેલી ટ્રોફી જીતીને નવો ઇતિહાસ સર્જવાની વિમેન ઇન બ્લુમાં તાકાત છે જ.

અહીં મુદ્દાની વાત એ છે કે જો પ્રતીકા રાવલ અને સ્મૃતિ મંધાનાની જોડી ક્લિક થશે તો સેમિમાં કોઈ પણ ટીમ સામે જીતવું અસંભવ નથી. ગુરુવારની જ વાત કરીએ. ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની ડુ ઑર ડાય જેવી મૅચમાં પ્રતીકા-સ્મૃતિની જોડીએ કમાલ જ કરી નાખી હતી.

બન્નેએ સેન્ચુરી ફટકારી હતી. પ્રતીકાએ 122 રન અને સ્મૃતિએ 109 રન કર્યા હતા. એટલું જ નહીં, બન્ને ઓપનરે 212 રનની વિક્રમજનક ભાગીદારી કરી હતી અને ભારતને 3/340નો વિક્રમી સ્કોર અપાવ્યો હતો. જોકે એમાં જેમાઇમા રૉડ્રિગ્સ (76 અણનમ)નું પણ મહત્ત્વનું યોગદાન હતું. જેમાઇમા થોડો સમય ફૉર્મમાં નહોતી, પણ ગુરુવારે વનડાઉનમાં આ મુંબઈ-ગર્લને મોકલવામાં આવી અને તેણે ફરી પોતાની કાબેલિયત બતાડી દીધી હતી.

ભારતની બૅટિંગ લાઇન-અપ ખૂબ ઊંડે સુધી પ્રબળ છે. જેમાઇમાના ત્રીજા નંબરથી આગળ વધીએ તો હર્લીન દેઓલ, ખુદ કૅપ્ટન હરમનપ્રીત કૌર પણ ટીમને ખૂબ ઉપયોગી યોગદાન આપી શકે. મિડલ-ઑર્ડરમાં વિકેટકીપર રિચા ઘોષ પણ ભરોસાપાત્ર છે.

નવમી ઑક્ટોબરે સાઉથ આફ્રિકા સામે તેણે છેક આઠમા નંબર પર બૅટિંગ કરવા આવીને 94 રન કર્યા હતા. કમનસીબે ભારતનો એમાં પરાજય થયો હતો, પણ સેમિ ફાઇનલમાં હરીફ ખેલાડીઓ રિચાને કાબૂમાં રાખવા કોઈ કસર બાકી નહીં રાખે. ઑલરાઉન્ડર દીપ્તિ શર્માને જો હરીફો નબળી માનશે તો જરૂર પસ્તાશે. બોલર્સની વાત કરીએ તો ખુદ દીપ્તિ ઉપરાંત ક્રાંતિ ગૌડ, રેણુકા સિંહ ઠાકુર, શ્રી ચરની, સ્નેહ રાણા બાજી ભારતની તરફેણમાં લાવી શકે એમ છે.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટે્રલિયા આ વખતે ફરી ચૅમ્પિયન બનવા માટે પણ સૌથી વધુ દાવેદાર છે અને માની લઈએ કે ભારતે આ ટૂર્નામેન્ટમાં ફરી એનો સામનો કરવો પડશે તો અમુક બાબતો હરમનપ્રીત અને તેની સાથીઓએ ખાસ ધ્યાનમાં રાખવી પડશે.

લીગ સ્તરે ઑસ્ટે્રલિયા સામે નજીવા માર્જિનથી પરાજિત થયેલી ભારતીય ટીમને એ મૅચમાં હોસ્ટ ટીમ હોવાનો પૂરેપૂરો ફાયદો મળ્યો હતો, સ્થાનિક પરિસ્થિતિઓ તેમ જ પિચની સમજ, હજારો પ્રેક્ષકોનો સપોર્ટ તેમ જ ટીમનો આત્મવિશ્વાસ, બધું જ ભારતની તરફેણમાં હતું. એવું જ હવે સેમિ ફાઇનલમાં અને (એમાં વિજય મળ્યા પછી) ફાઇનલમાં ઉપલબ્ધ થશે. કારણ એ છે કે આખો નૉકઆઉટ રાઉન્ડમાં ભારતમાં યોજાવાનો છે, કારણકે કોલંબોમાં મેઘરાજાને કારણે ઘણી મૅચો અનિર્ણીત રાખવી પડે અને આયોજકો નથી ઇચ્છતા કે નૉકઆઉટ રાઉન્ડમાં એનું પુનરાવર્તન થાય.

લીગ રાઉન્ડના છેવટના દિવસો સુધી મનાતું હતું કે ઑસ્ટે્રલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાની ત્રણેય મજબૂત ટીમમાંથી કોઈ એક ટીમ ટ્રોફી જીતી શકે એમ છે. જોકે ભારતે સેમિ ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરીને સંકેત આપી દીધો છે કે ટ્રોફી માટે આ હોમ-ટીમ પણ પ્રબળ દાવેદાર છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button