વિશેષઃ જ્યાં આટલા દિવસો રહી એ સુનિતા વિલિયમ્સનું રહસ્યમય અંતરિક્ષ મથક…

વિવેક કુમાર
ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સે જ્યાં મહિનાઓ વીતાવ્યા હતા એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનું આંતરિક વિશ્વ સાયન્સ ફિક્શનના રહસ્ય મહેલ જેવું છે. તમે ક્યારેક કલ્પના કરી હશે કે અવકાશમથકની આંતરિક દુનિયા કેવી હશે? તો જાણી લો કે એ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના સેટ કરતાં ઓછી નથી.
અંતરિક્ષ યાત્રીઓ ત્યાં મહિનાઓ રહે છે અને અનેક પ્રકારના પ્રયોગ કરે છે અને પૃથ્વીથી આટલે દૂર રહીને પણ પૃથ્વીવાસીઓ માટે માનવતાના નવા રસ્તાઓ ખોલે છે. માનવતાના આ મહાન તપસ્વીઓની અનોખી દુનિયાની ઝાંખી કરવી સહજ છે. ચાલો જોઈએ.
અવકાશ મથક અંદરથી આવું હોય છે
અવકાશ મથકની અંદર ખૂબ જ નાના, પરંતુ હાઈ ટૅક કોરિડોર હોય છે. અરબો ડૉલરને ખર્ચે તૈયાર કરવામાં આવતાં હોવા છતાં અવકાશ મથકની અંદરની જગ્યા સીમિત હોય છે અને એટલે જ તેની દીવાલોમાં ઠેકઠેકાણ મોનિટર્સ, વાયરિંગ અને જુદાં જુદાં ઉપકરણોની ભરમાર જોવા મળે છે.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ : બેઇજિંગ ઍરપૉર્ટ એશિયાનાં વૈવિધ્ય માટે તૈયાર…
અવકાશ મથકમાં દરેક વસ્તુ મૉડ્યુલર હોય છે-મતલબ જેને જરૂરિયાત મુજબ જોડી કે અલગ કરી શકાય છે. આ કારણે જ અવકાશ મથકમાં વધુ અને નવા નવા વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકાય છે. જે રીતે સુનિતા વિલિયમ્સ અને તેનાં સાથીદારોએ કર્યા હતા. અવકાશ યાત્રીઓ અવકાશ મથકમાં રહીને વૈજ્ઞાનિક, જૈવિક, ભૌતિક અને મેડિકલ ક્ષેત્રને લગતા તમામ પ્રયોગો કરે છે જેનો ઉપયોગ ભવિષ્યમાં અવકાશ પ્રવાસ અને માનવજીવનને સરળ બનાવવામાં કરાશે.
હવામાં તરતા રહે છે અવકાશયાત્રીઓ
હા, તમે બરાબર વાંચ્યું. અવકાશમથકમાં કોઈ ઊપર કે નીચે નથી હોતું. દરેક વસ્તુ શૂન્ય ગુરુત્વાકર્ષણ કે ઝીરો ગ્રેવિટીમાં હોય છે અને અવકાશયાત્રીઓ હવામાં તરતા તરતા જ એક મોડ્યુલથી બીજા મોડ્યુલમાં આવે-જાય છે. આ બધું સાંભળવામાં ભલે ગમે તેટલું રોમાંચક લાગે, પરંતુ હકીકતમાં તે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ પડકારરૂપ હોય છે. મહિનાઓ સુધી અવકાશમાં રહેવાને કારણે શરીર પર ગુરુત્વાકર્ષણના અભાવની અનેક પ્રકારની અસર પડે છે અને તેને કારણે શરીરનાં હાડકાં નબળાં પડી જાય છે. માનસિક રીતે પોતાની જાતને સ્થિર રાખવી એ પણ એક પ્રકારનો જંગ બની જાય છે.
અવકાશ મથકમાંથી દેખાય છે અદભુત દૃશ્ય
અવકાશમથકના અમુક હિસ્સામાં મોટી મોટી બારીઓ પણ હોય છે જ્યાંથી અવકાશયાત્રીઓ પૃથ્વીને ફરતી જોઈ શકે છે. સૂરજ અહીં 90 મિનિટમાં ઊગે છે અને અસ્ત પામે છે. એક જ દિવસમાં સૂરજને અનેકવાર ઊગતા અને અસ્ત પામતાં જોવો એ એક અવિશ્વસનીય અનુભવ હોય છે. અવકાશમથકમાં અનેક હેતુલક્ષી વૈજ્ઞાનિક પ્રયોગશાળા પણ બનાવવામાં આવી છે. આ વિશેષ પ્રયોગશાળા અંતરિક્ષની વિશેષ પરિસ્થિતિઓમાં પ્રયોગ કરવા બનાવવામાં આવેલી હોય છે.
આ પ્રયોગશાળામાં મેડિકલ, જૈવિક અને ભૌતિક બાબતો સંબંધિત સંશોધન કરે છે. અહીં વૃક્ષનો વિકાસ, માનવશરીર પર ગુરુત્વાકર્ષના અભાવની અસર અને નવી દવાઓ પર સંશોધન કરવામાં આવે છે.
રહેવાના ઓરડાઓ
અવકાશમથકમાં પ્રત્યેક અવકાશયાત્રી માટે એક નાની કૅપ્સ્યૂલ ઊંઘવા માટેનું સ્થાન હોય છે. અવકાશયાત્રીઓ અહીં સ્લિપિંગ બૅગમાં પોતાને બાંધીને ઊંઘે છે જેથી કરીને તેઓ હવામાં તરતા ન રહે. અહીં મનોરંજન માટે લેપટોપ, મ્યુઝિક પ્લેયર અને વીડિયો કૉલની સુવિધા પણ હોય છે.
અવકાશમથકમાં ડાયનિંગ એરિયા પણ હોય છે જેને ગૈલેલી મોડ્યુલ કહેવામાં આવે છે. ત્યાં વિશેષ રીતે પૅક કરેલા ફૂડ પાઉચ હોય છે જેને પાણી કે હિટિંગ સિસ્ટમની મદદથી ખાઈ શકાય છે. કોઈ પણ વસ્તુ પ્લેટમાં નથી રાખી શકાતી કેમ કે એમ કરતાં જ તે હવામાં તરવા લાગે છે અને એટલે જ અહીં કોફી પણ સ્પે. સિલબંધ કપમાં મળે છે.
પ્રસાધન સુવિધા એટલે કે સ્પેસ ટૉયલેટ
અહીં ટૉયલેટ જમીન પર નહીં, પરંતુ એક સક્શન સિસ્ટમથી કામ કરે છે જે વિષ્ટાને ખેંચીને અલગ રાખે છે. અહીં યાત્રીઓનાં પેશાબ અને પરસેવાને રિસાઈકલ કરીને પીવા યોગ્ય પાણી બનાવવામાં આવે છે.
એક્સરસાઈઝ ઝોન
અવકાશયાત્રીઓનાં હાડકાં અને માંસપેશીઓ નબળી ન પડે તે માટે તેઓ દરરોજ ટે્રડમિલ કે સાઈકલ પર કસરત કરે છે. અહીં કરસત કરવી એટલે પણ જરૂરી છે કેમ કે ગુરુત્વાકર્ષણના અભાવમાં હાડકાં નબળાં પડી જાય છે ને પોતાને માનસિક રીતે સજ્જ રાખવાનું પડકારરૂપ બની જાય છે.
આ પણ વાંચો:ક્લોઝ અપ : સૈનિકોની જેમ પત્રકારોને માથે પણ સતત મોત ભમે છે!
સ્પેસ એરિયા
અહીંની ટર્મિનોલોજીમાં આને ઍરલૉક કે ઈવા ઝોન કહે છે. આ હિસ્સો એ વિસ્તાર હોય છે જ્યાંથી અવકાશયાત્રી બહારનું સમારકામ કે સ્પેસવૉક કરવા માટે જાય છે. ઘણીવાર કોઈ સાયન્સ ફિક્શન જેવી ઘટનાઓ પણ બને છે જેમ કે હાથમાંથી કોઈ વસ્તુ છટકી જાય તો તે હવામાં તરતી તરતી અન્ય મૉડ્યુલની બીજીતરફ જઈને ફસાઈ જાય છે.
સ્પેસ સ્ટેશનમાં ગુંજતો અવાજ
અવકાશમથકમાં દરેક બાબત શૂન્ય ગુરુત્વાકર્ષણમાં થતી હોવાને કારણે અહીં અવાજ પણ જુદી રીતે સંભળાય છે. ઘણીવાર અવકાશયાત્રી બીજી તરફથી સહયાત્રીને બોલાવે છે, પરંતુ તેમને દીવાલોમાં અવાજ સંભળાય છે, પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જીવવાની મજા માણી શકાય છે.
સ્પેસ સ્ટેશનમાં રહીને સુનિતા વિલિયમ્સે પોતાનો જન્મદિન પણ ઉજવ્યો હતો અને કેક હવામાં તરી રહી હતી ત્યારે તેને કાપી હતી.
સામાન્ય લોકો પણ ક્યારેક અહીં જશે
સ્પેસ ટૂરિઝમ જે ઝડપથી હકીકત બની રહ્યું છે તે જોતાં આવનારાં દિવસોમાં સામાન્ય માણસ પણ પૈસા ખર્ચીને થોડા દિવસ માટે અવકાશમથક પર રહેવા જઈ શકશે. પ્રશ્ન એ છે કે શું તમને જવા મળશે તો તમે જશો?