વીક એન્ડ

હવે બાળકોનો ઉછેર કરી રહ્યાં છે દાદા-દાદી કે નાના-નાની

વિશેષ – નમ્રતા નદીમ

આજકાલ સોશિયલ મીડિયા પર એવા ઘણાં નાના-નાની અને દાદા-દાદી છે જેઓ માત્ર પોતાના દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ સ્થાયી થયેલા તેમના પુત્ર કે પુત્રીનાં બાળકોના ઉછેરની જવાબદારી ઉપાડી રહ્યાં છે. જ્યારે તેમના પુત્ર – પુત્રવધૂ અથવા દીકરી અને જમાઇ નોકરી પર જાય છે, ત્યારે તેઓ ઘરે રહીને બાળકોની સંભાળ રાખવાની સાથે જીવન સાથે અને બાળકોના ઉછેર સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર લોકો સાથે વાર્તાલાપ કરે છે અને તેમની ચેનલો દ્વારા તેમના વિશાળ ફેન ફોલોઈંગ સાથે, વિદેશમાં સ્થાયી થયેલાં તેમનાં બાળકો, પૌત્રો વિશેની માહિતી શેર કરે છે ઉપરાંત તેમના માટે આ સમય પસાર કરવાનું અને મનોરંજનનું એક માધ્યમ બની ગયું છે.

જીવનમાં એક સમય એવો હતો જ્યારે દાદા-દાદી કે નાના-નાની વિનાના કુટુંબની કલ્પના કરવી મુશ્કેલ હતી. વધતા શહેરીકરણ, ગામડાઓમાંથી લોકોનું શહેરો તરફ સ્થળાંતર અને વધતા નાના પરિવારોને કારણે દાદા-દાદી, નાના-નાની પાછળ રહી ગયાં છે. પરંતુ હવે પતિ-પત્ની બંને નોકરી કરતા હોવાથી દિવસભર તેમની ગેરહાજરીમાં બાળકોની એકલતાની સમસ્યાને ઉકેલવા માટે કામ કરતા પતિ – પત્નીએ હવે ફરીથી દાદા-દાદી, નાના-નાની છત્રછાયામાં બાળકોના ઉછેરને યોગ્ય ગણવાનું શરૂ કર્યું છે. છૂટાછેડાની વધતી જતી સંખ્યા, સિંગલ પેરેન્ટિંગ, છૂટાછેડા પછી એક જીવનસાથીનું અલગ થવું, બંનેના પુનર્લગ્ન, કારકિર્દીમાં વ્યસ્તતા અને અન્ય ઘણાં કારણોને લીધે, ઘણા પરિવારોમાં બાળકોના ઉછેરની જવાબદારી દાદા-દાદી અને નાના-નાની પર આવી જાય છે.

ઉદાહરણ તરીકે વંશિકાને લો, તેના પતિથી અલગ થયા પછી, તે તેના પિયરે રહેવા આવી. કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. વંશિકા પોતે કામ કરે છે. તેના પિતા ઉચ્ચ પદના સરકારી કર્મચારી હતા. નિવૃત્તિ પછી, તેઓ અને તેમની પત્ની વંશિકાની દીકરીના ઉછેરની જવાબદારી સંભાળી રહ્યાં છે. 58 વર્ષીય તેની માતા કહે છે કે જ્યારે હું મારી દીકરીની દીકરી સાથે સાંજે પાર્કમાં જાઉં છું, ત્યારે મારા જેવી બીજી ઘણી મહિલાઓ હોય છે જે ગામડામાં પોતાનું ઘર છોડીને પોતાના પૌત્ર-પૌત્રીઓના ઉછેરની જવાબદારી ઉપાડી રહી છે. તેમની સાથે હું ગપસપ કરું, અમે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે.

આ પણ વાંચો: વિશેષ : ધર્મના રથની ધ્વજા એટલે સત્ય ને શીલ…

સવારે બાળકોને શાળાએ મોકલ્યા પછી અમે પાર્કમાં આવીએ છીએ, ત્યાં સુધીમાં દીકરી અને જમાઈ તૈયાર થઈ જાય, જમવાનું તૈયાર કરે અને ઓફિસે જતા રહે છે. અમે સવારમાં જ ઘરની બહાર નીકળી શકીએ છીએ. અહીં અમે લોકોને મળીને ખુશ છીએ. અમાં ચાલવાનું પણ થઇ જાય છે અને અમે નિવૃત્તિ પછી નિષ્ક્રિય નથી બેઠા એ વાતની અનુભૂતિ પણ થાય છે. અમારો સમય બાળકો સાથે હસતાં-રમતાં પસાર કરીએ છીએ અને કંટાળો પણ નથી આવતો. દિવસ દરમિયાન, અમે કમ્પ્યુટર શીખીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમારો સમય પસાર કરીએ છીએ. આમ તેમનું કામ પણ થાય છે અને અમે પણ અમારાં બાળકો સાથે રહી શકીએ છીએ.

દાદા-દાદીની દેખરેખ હેઠળ ઉછરેલાં બાળકો હવે તેમની કંપનીમાં જીવનને લગતી ઘણી રમતો અને પ્રવૃત્તિઓ શીખે છે. તેમને પણ તેમની કંપની ગમે છે. કેનેડામાં રહેતાં શ્રીમતી અરોરા તેમની પૌત્રીને રસોઈ કરતા શીખવી રહી છે. શ્રીમતી અરોરા, જેઓ સીવણ, ગૂંથણકામ અને ભરતકામમાં નિપુણ છે, આ જૂના શોખ જે તેઓ તેમનાં બાળકોના ઉછેરની વ્યસ્તતામાં ભૂલી ગયા હતા, તેમની પૌત્રીના બહાને નવા સ્વરૂપમાં સામે આવી રહ્યા છે. તેમણે પોતે પણ ક્રોશેટ અને ભરતકામની નવી ડિઝાઇન ઓનલાઈન શીખવાનું શરૂ કર્યું છે. તે કહે છે કે અમારા સંબંધીઓ અમને વારંવાર ટોણા મારતા હતા કે અમારી પુત્રવધૂ અમને તેમના બાળકને ઉછેરવા માટે ભારતથી ત્યાં લઈ ગઈ છે. પણ અમે એવું માનતા નથી. અમે પતિ-પત્નીને લાગે છે કે અમે તેમની કોઈ ઉપકાર નથી કરી રહ્યા. આ માટે ન તો અમે અમારા સ્વાસ્થ્યનું બલિદાન આપી રહ્યા છે, ઉલટું બાળકો સાથે અમારો સમય કેવી રીતે પસાર થઈ જાય છે તેનો અમને ખ્યાલ પણ નથી આવતો. આનાથી અમે ઘણા ખુશ છીએ.

સોશિયલ મીડિયાના આ યુગમાં, મજબૂરીને લીધે, આજે જે દાદા-દાદી નાના-નાની જેવા સંબંધો જે છેલ્લાં કેટલાક વર્ષોથી હાંસિયામાં ધકેલાઈ ગયા હતા, તેની આજની પેઢીએ કિમત ઓળખી છે. આપણાં વડીલો, આપણાં બાળકોનાં દાદા-દાદી કે નાના-નાની બાળકો માટે જે કંઈ કરી રહ્યા છે, તે કરવું સહેલું નથી. જો આપણે આપણાં બાળકોને પૈસા દઇને બીજાની દેખભાળમાં છોડી દઈએ અથવા તેમની સંભાળ રાખવા માટે કોઈ આયા રાખીએ, તો આપણે તેમના પર કેટલો વિશ્વાસ કરવો જોઈએ? આપણાં માતાપિતાનો બાળકો સાથે લોહીનો સંબંધ છે, બાળકોને પણ ગમે છે અને માતા-પિતા પણ આપણી સાથે રહે છે. તેઓ આપણી અને આપણે તેમની સારી રીતે કાળજી લઈ શકીએ છીએ. આમ ગમે તે હોય, દાદા દાદી કે નાના નાની એ આપણા કુટુંબનો મજબૂત સ્તંભ છે અને બાળકો માટે એક મોટું રક્ષણાત્મક કવચ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button