ઊડતી વાતઃ મફત ડિનર કેટલામાં પડ્યું?

ભરત વૈષ્ણવ
`ગિરધરલાલ, આજે સાંજે ફ્રી છો?’ રાજુ રદીએ મારા ઘરે આવીને એની કાયા સોફા પર પટકતા મને પૂછયું. નાજુક સોફો હચમચી ગયો. સોફો તૂટશે કે બચશે એની મારા મનમાં અવઢવ ચાલી. કોઇ રવિવારની રજાના દિવસે આવું પૂછે એટલે હોરર ફિલ્મ જોયા સિવાય કબૂતરની જેમ ફફડી જવાય છે.
`કેમ, તારા માટે છોકરી જોવા પનવેલ કે વિરારમાં જવાનું છે? મને લોકલ વોકલ ટે્રનના ધક્કા ખાવાનું પસંદ નથી ટેકસીમાં જવાનું હોય તો માં નામ વિચારજે.’ મુંબઈગરા માટે કામ સિવાય બહાર જવું એ જહન્નમની મુસાફરી કરવા જવા જેવું ત્રાસદાયક થઇ રહે છે.
`મારા માટે છોકરી જોવા જવાનું નથી. એક ઇવેન્ટમાં ડિનર માટે જવાનું છે.’ રાજુએ મને જમવાનું ગાજર ધર્યું.
`રાજુ, ડિનર તો ઠીક છે. મારા ભૈ. ડિનર માટે કેટલા દોઢિયા ગાંઠેથી છોડવાના છે?’
`ગિરધરલાલ, ડિનર તો તદન મફત છે.’ રાજુએ માનો કે બ્રહ્મનાદ ઉચ્ચાર્યો ન હોય. પ્રેમ, લગ્ન કે રૂપિયા કરતાં પણ સંમોહન કરતો જો કોઇ આકર્ષક શબ્દ હોય તો મફત શબ્દ છે. મફત શબ્દ મડદામાં જાન ફૂંકી દે છે. મફતમાં જમવાનું મળે તો રાજુ માલદીવ જવા તત્પર હોય છે.
`રાજુ, નો લંચ ઇઝ ફ્રી એવી અંગ્રેજીમાં કહેવત છે. કોઇ પણ માણસ મને કે તને શું કામ મફત જમાડે. એ સસરો કે વેવાઇ થતો નથી. નક્કી ગરબડ ઝાલા, સમજલા?’ મેં ભાંગી તૂટી મરાઠીમાં આશંકા વ્યક્ત કરી.
`ગિરધરલાલ, એ આપણને જમાડતાં પહેલાં પોણા કલાકનું પ્રેઝન્ટેશન દેખાડશે. પછી આપણે મેમ્બર થવું હોય તો ઠીક. નહીંતર જમીને પાછા આવી જવાનું.’
`એટલે લાલો લાભ વિના લોટશે નહીં એમ જ ને?’
`આપણે સાંજે સાડા છએ જવાનું છે. તમે ભાભીને પણ લઇ લેજો. એમને સાંજના રાંધવાની લપમાં છૂટકારો મળશે.’ રાજુ રાધારાણી સાંભળે તેમ મોટા અવાજે બોલ્યો. રાધારાણીના સસલી જેવા કાન સરવા થયા.
`તમારા લોકોની પીવાબીવાની પાર્ટી હોય તો તમારો પીધા પછીનો બબડાટ ભવાડો જોવા મારે આવવું નથી. આમ, પણ પત્રકારો અને આબરૂને બાર ગાઉનું છેટું હોય. પણ અમારે તો આબરૂ જેવું કાંઇક હોય છે.’ રાધારાણીએ અલ્ટિમેટમ આપ્યું.
`રાધુ, તું સમજે તેવું નથી. કોઇ કંપનીએ તેના ધંધાના પ્રમોશન માટે ફંકશન રાખ્યું છે…’ મેં લાળા ચાવ્યા.
આખરે અમે ઘાટકોપરની પંચતારક હોટલમાં પહોંચ્યા. હોટેલના રિસેપ્શન કાઉન્ટર જઇને ડફોળ રિસોર્ટ કંપનીનો કાર્યક્રમ કયાં માળે છે તેની પૃચ્છા કરી. કોન્ફરન્સ રૂમની બહાર નાનું ટેબલ-ખુરશી રાખેલ. ત્યાં એક બ્યુટીફૂલ બાળા બિરાજમાન. કાળા સ્કર્ટ પર લાલ ટોપ પહેરેલ.એકઝીકયુટિવ કોટ પહેરેલ. એર હોસ્ટેસ પહેરે તેવા ગોઠણ સુધીના મોજા પહેરેલ. દેખાવમાં જ ફટાકડી લાગે. તેનું નામ લ્યુસી હતું. તેને જોઇને રાજુની આંખો ચકળવકળ થવા લાગી..
`વોટ કેન આઇ ડુ ફોર યુ?’ લ્યુસીનો અવાજ ટંકોરી જેવો હતો.
`એવરીથીંગ ડિયર.’ કોઇને સંભળાય નહીં તેમ રાજુ બોલ્યો.
`વોટ આર યુ સેઇંગ?’ લ્યુલીએ પૂછયું. `આઇ એમ ઓન ડયૂટી એવું બબડી પણ ખરી.
કોન્ફરન્સ રૂમમાં ગોળાકાર પાંચ છ ટેબલ હતા અમે ત્યાં ગોઠવાયા.
`સર, ગુડ ઇવનિંગ, આઇ એમ રૂચિ મલ્હોત્રા, એકઝીકયુટિવ, ડફોળ રિસોર્ટસ એન્ડ હોસ્પિટાલિટી કંપની’ રૂચિએ પરિચય આપી હસ્તધનૂન કર્યું. રૂચિએ અમારામાં રૂચિ લેવાનું શરૂ કર્યું. અમને થોડાક સવાલ પૂછ્યા, જેમકે …
`સર, તમારી પાસે ટેનામેન્ટ છે કે એપાર્ટમેન્ટ છે?’ રૂચિએ સવાલ ફેંક્યો. આ સવાલ સામેવાળાને બાટલામાં ઉતારી રિસોર્ટની મેમ્બરશીપ લેવા માટે ફાંસવાનો હોય.
`મારી પાસે ટેનામેન્ટ કે એપાર્ટમેન્ટ નથી.’ હું ધરાર જૂઠું બોલ્યો. રાધારાણીએ મને કોણી મારી. મેં તેના પગને પગ અડકડી તાલ જોવા સમજાવ્યું.
`સર, તમે ધર્મશાળામાં રહો છો?’ રૂચિએ પૂછયું.
`હું ધારાવીમાં રહું છું.’ અમે આજે અસત્યમેવ જયતે’નો સહારો લેવાનું નક્કી કરેલું. રૂચિના ચહેરા પર નિરાશાના વાદળો મંડરાવા લાગ્યા.
`સર, તમારે કંઇ કંપનીની કાર છે?’ રૂચિએ નવો દાવ ખેલ્યો.
`મારી પાસે એકસ કંપનીની સાઇકલ છે.’
`સર, તમે વરસમાં કેટલી વાર ફરવા જાવ છો? ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ટુર પર જાવ છો? ફલાઇટમાં જાવ છો કે બાય રેલવે જાવ છો…?’ રૂચિએ રહીસહી આશામાં સવાલો પૂછ્યા.
`હું રોજ પ્રવાસમાં જઉં છું’ મારા જવાબથી રૂચિના નેત્રો વિસ્ફારિત થયા.
`રીયલી સર? તો તો તમે અમારી કંપનીની મેમ્બરશીપ લઇ જ લો.’ રૂચિએ સીધી નાંખણી નાંખી..
`હું રોજ ઘરેથી લોકલ ટ્રેનમાં ઓફિસ જઉં છું. સાંજે ઓફિસેથી સબ વેમાં ઘરે પાછો ફરું છું. જે કોઇ પ્રવાસથી કમ થકવનારી કોઇ મુસાફરી હોતી નથી.’ મેં મુંબઈગરાની મુસીબતને વાચા આપી. અમારી આગળ રૂચિની દાળ ગળશે નહીં તેમ લાગતાં મોં કટાણું કરી ડિનરના વાઉચર આપ્યા.
`યોર કાઇન્ડ એટેન્શન પ્લીલીલીઇઝ. મિસ્ટર રાજુ રદી ડફોળ રિસોર્ટ હોસ્પિટલિટી કંપની પરિવારના સભ્ય તરીકે જોડાઇ રહ્યા છે. હિપ હિપ હુરે. બીગ કલેપિંગ ફોર હીમ. મિસ્ટર રાજુ રદીએ સિતેર નાઇટની દસ વરસની મેમ્બરશીપ લીધી છે. રાજુ રદી એક વરસ સાત નાઇટનો ઉપયોગ નહીં કરે તો તેની નાઇટઆગલા વરયે કેરી ફોરવર્ડ થશે અગર એટલી રકમનું ડોમેસ્ટિક ફલાઇટનું વાઉચર મળશે.
વધારામાં નવરાત્રીના પાસ, રાજુ રદીના માતાપિતા, રાજુના જન્મદિવસે હોટલમાં કોમ્પલીમેન્ટરી ડીનર મળશે. રિસોર્ટ કે હોટેલના રોકાણ દરમિયાન બ્રેકફાસ્ટ, લંચ, ડિનર મળશે. એરપોર્ટ જવા-આવવા અને ફરવા કાર મળશે. રાજુ રદીએ આ બધી ફેસિલિટી માત્ર બે લાખ એકાવન હજારમાં મેળવી છે.’ એનાઉન્સરે એનાઉન્સ કર્યું. રાજુ પાસે હવાઇ ચપ્પલ ખરીદવાનો વેંત નથી અને રૂપિયા અઢી લાખ?
સદ્ભાગ્યે રાજુ આ જા ફસા જા ચક્કરનો ભોગ બનતા બનતા રહી ગયો…પણ બીજા આબાદ બન્યા. ફ્રી ડિનરના ચક્કરમાં અનેકે અઢી લાખ રૂપિયાના નામનું નાહી નાંખ્યું છે. છ મહિના લગી હોટલ રૂમના નામે આંબલીપીંપળી દેખાડનાર ડફોળ રિસોર્ટ એન્ડ હોસ્પિટલિટી કંપનીએ પાટિયા પાડી દીધા ! હવે મેમ્બર બની ગયેલા તમામ લોકો ચોરની માની જેમ કોઠીમાં મોં ઘાલીને રડે છે!
આ પણ વાંચો…ઊડતી વાત: શું કહ્યું… ચૂંટણીમાં હારી ગયા? ચાલો, સારું થયું…!



