સ્લો આર્કિટેક્ચર-સ્થાપત્યનું એક નવું ગતકડું…

સ્લો આર્કિટેક્ચર-સ્થાપત્યનું એક નવું ગતકડું…

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા

સ્થાપત્યનું આ એક નવું તૂત છે. અહીં વાસ્તવમાં શું થાય છે કે શું થવું જોઈએ, જે થાય છે તે થવું જોઈએ કે નહીં, ખરેખર સ્થાપત્યના કે સમાજના પ્રશ્નો ઉકેલવાનો આ યોગ્ય ઉકેલ છે કે નહીં-આ બધા પ્રશ્નો કોઈ પૂછતા હશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે. કહેવાય છે 1980ના દાયકામાં ધીમો ખોરાક, ધીમી ડિઝાઇન, ધીમી ફોટોગ્રાફી, ધીમી ગતિ, ધીમી વિચારશીલતા, ધીમાં શહેરો જેવી ધીમી વ્યવસ્થા કોઈકના મનમાં ઉદભવી, અને એક ટોળું તેનાં સમર્થનમાં ઊતરી આવ્યું. ભારત આમાં બાકાત ન હોઈ શકે. આમ પણ પશ્ચિમમાં જે થતું હોય છે તે સ્વીકારતા ભારત જેવા દેશને તો વાર નથી જ લાગતી.

આ પ્રકારની આ સ્વીકૃતિમાં નથી હોતી કોઈ બુદ્ધિની જરૂર કે નથી હોતી કોઈ તર્કસંગત વિચારશૈલી. બસ ત્યાં થયું છે એટલે બરાબર હશે ને આપણે ત્યાં પણ તે થવું જ જોઈએ, આપણે ત્યાં તો એ વધારે યોગ્ય હશે – એ પ્રકારની માનસિકતા સાથે આ પ્રકારના વિચાર સાથે કેટલાક બુદ્ધિજીવીઓ જોડાઈ જાય છે. આવી એક આર્કિટેક્ચરની વિચારધારાને જ્યારે સ્લો આર્કિટેક્ચર અથવા ધીમા સ્થાપત્ય જેવું નામ આપવામાં આવ્યું ત્યારે પીડા થાય.

અમુક મિત્રોને ધીમી જિંદગી-ધીમો વ્યવહાર ગમતો હશે, પરંતુ સત્ય છે કે આ ઝડપનો જમાનો છે. અહીં તો આજે આંબા ઉગાડીને કાલે ફળ ખાવાની ઈચ્છા રખાય છે. અહીં તો કોલેજમાંથી પાસ થઈને બીજે દિવસે અઢળક કમાણી કરી ત્રીજે દિવસે કાર લાવવાની ઈચ્છા રખાય છે અને ચોથે દિવસે પરદેશના પ્રવાસ માટે જવાનું આયોજન થાય છે. અહીં ધીમાનું ક્યાં સ્થાન છે. રોગનું નિદાન ધીમે થાય તેવી ઈચ્છા કોઈ ન રાખે. કોઈ જગ્યાએ પહોંચતા ત્રણ ગણો સમય લાગે તે કોઈને માન્ય ન હોય. હવે તો બાળકના ઉછેરમાં પણ વિજ્ઞાન ત્વરિતતા લાવવાનો પ્રયત્ન કરે છે.

જે તે વ્યક્તિ-સમૂહ દ્વારા સ્લો આર્કિટેક્ચરની વાત કરવામાં આવે છે તેમની દ્રષ્ટિએ જેને બનાવવામાં લાંબો સમય લાગે તે સ્લો આર્કિટેક્ચર. આ વાત જ કંઈક વિચિત્ર જણાય છે. સન 2011માં અપાયેલ પ્રિત્ઝકર પ્રાઈઝની જુરી દ્વારા આ શબ્દ વહેતો મુકાયો હતો એમ એક માન્યતા છે. પછી તો જે તે સ્થપતિ આ પ્રકારના આર્કિટેક્ચર માટેના નિષ્ણાત તરીકે સ્થાપિત કરાતા ગયા. પ્રશ્ન એ છે કે મકાનનું બાંધકામ ઝડપથી થાય તો વાંધો શું છે.શું મકાનનું બાંધકામ ધીમું થાય તો તેના સ્થાપત્યની શૈલી સુધરી જવાની છે?

એક જ ડિઝાઇનનું મકાનને બની શકે કે એક સંજોગોમાં બનાવતાં છ મહિના થાય અને બીજા સંજોગોમાં તે જ પ્રમાણેનું તેવું જ મકાન બનાવતાં છ વર્ષ થાય, તો શું આનાથી બીજા પ્રકારના સંજોગોવાળું મકાન સ્લો આર્કિટેક્ચરનું ઉદાહરણ બની જાય? ધીમી ઝડપથી કિમતમાં વધારો નહીં થાય, લોકોને અગવડતાનો સામનો નહીં કરવો પડે, તેનાથી બાંધકામમાં વપરાતી ઊર્જામાં બચત થશે,

આ વિચારધારા હેઠળ બનાવાતું મકાન કાર્યક્ષમતા, મજબૂતી અને દેખાવમાં વધુ સારું હશે – શું આ પ્રકારની ખાતરી કોઈ આપી શકે? મજાની વાત એ છે કે આ પ્રકારના વાદ માટેની દલીલ સ્વીકૃત બને તે માટે તેની સાથે પર્યાવરણ, માનવીય સંવેદના, કુદરતી સામગ્રી, કુદરતી જીવન, માનસિક શાંતિ, કારીગરીમાં નિપુણતા, જેવી વાતો જોડી દેવામાં આવે છે. એમ પણ સ્થાપિત કરવાનો પ્રયત્ન થાય કે ધીમે ધીમે મકાન બનાવવામાં આવે તો મકાનની રચનામાં થોડીક પરિપક્વતા આવી શકે, જે કંઈ ભૂલ દેખાતી હોય તે સુધારવાની તક મળે, ગ્રાહકની માનસિક તથા સામાજિક જરૂરિયાત સંતોષાવાની શક્યતા વધી જાય. પણ વાસ્તવિકતા ખરેખર તપાસવાની જરૂર છે.

સ્લો આર્કિટેક્ચર માટે જે દલીલ કરવામાં આવે છે તેમાં એક દલીલ એ છે કે `ભવિષ્ય અજાણ છે’ અને તેથી બાંધકામ ધીમું થાય તે જરૂરી છે. મકાનની રચના વર્તમાન માટે કરવામાં આવે છે. જો ભવિષ્યમાં નાટકીય બદલાવ આવે તો તે પ્રમાણે મકાનમાં બદલાવ કરી શકાય છે. તેની માટે મકાનના બાંધકામની પ્રક્રિયા ધીમી કરવાની કોઈ જરૂર નથી હોતી.

વળી સ્લો આર્કિટેક્ચરની શ્રેણીમાં ન આવે તેવા મકાનો પણ મજબૂત બની શકે. આવાં મકાનોમાં સ્થાનની પ્રવાહિતતા અને સ્પષ્ટતા પણ હોઈ શકે, પર્યાવરણ સાથે પણ તાલમેલ સાધી શકાય, આબોહવાના વિપરીત પરિબળો સામે પણ રક્ષણ મળી શકે, અહીં માનવી કેન્દ્રમાં પણ રહી શકે, બાંધકામની તકનીકમાં કારીગરી અને તેની અધિકૃતતાનું મૂલ્ય પણ જળવાઈ શકે – તો પછી નિયમિત ઝડપે બંધાતા સ્થાપત્ય સાથે વાંધો શો છે.

આ જમાનો વાદનો છે. કશું પણ સ્વીકૃત બનાવવા માટે એક નવો વાદ ઊભો કરવામાં આવે છે. પછી તે નામથી તેની ઘણી ચર્ચા થાય છે. તે નામ સ્થાપિત કરવાના વ્યવસ્થિત પ્રયત્ન થાય છે. કેટલાક બુદ્ધિજીવીઓને આ આખી પ્રક્રિયામાં રસ પડે છે અને તેમાં સંમિલિત થાય. તેમના દ્વારા નિર્ધારિત કરાયેલ વ્યાખ્યા સર્વ સ્વીકૃત બને તેવા પ્રયત્ન થાય છે. આગળ જતાં એકબીજાના સંદર્ભ ટાંકીને ચોક્કસ બાબત સ્થાપિત કરવાનો પ્રયત્ન થાય.

આ માત્ર સ્થાપત્યમાં નહીં પણ સમાજના દરેક ક્ષેત્રમાં થતું હોય તેમ જણાય છે. સ્થાપત્યનું ક્ષેત્ર વધુ ગંભીર હોવાથી, માનવીની જીવન-ગુણવત્તાને વધુ પ્રભાવિત કરી શકે તેવું હોવાથી, તેનું અસ્તિત્વ પ્રમાણમાં ઘણા લાંબા સમય સુધી ટકી શકે તે પ્રમાણેનું હોવાથી, સ્થાપત્યમાં અમુક પ્રકારની ગંભીરતા તો હોવી જ જોઈએ. મકાનની ગુણવત્તા તે કેટલું ધીમું બને છે તેના પર આધાર નથી રાખતી. તે સ્થપતિની ક્ષમતા, સંવેદનશીલતા તથા સર્જનાત્મકતા પર આધાર રાખે છે. ઇતિહાસ સાક્ષી છે કે બહુ ઓછા સમયમાં બનાવાયેલ કેટલાંક મકાન થકી સ્થાપત્યની ક્ષિતિજો વિસ્તૃત થઈ છે. સ્થાપત્યમાં હકારાત્મક ફાળા માટે મકાનનું ધીમું બાંધકામ જરૂરી નથી જ.

શું ઝડપી મકાન બનાવવાથી સંસ્કૃતિ અને ઇતિહાસને ધ્યાનમાં ન રાખી શકાય, શું ઝડપી બનાવેલ મકાન ઓછું આકર્ષિત હોય, શું આ પ્રકારના મકાનની ઉપયોગીતા સાથે પણ બાંધછોડ કરાયેલી જ હોય, શું અત્યાર સુધી નિષ્ણાતો દ્વારા જે જે મકાનોને ચિન્હિત કરી તેને ઉલ્લેખનીય દર્શાવાયા તે બધા ખોટા? સ્લો આર્કિટેક્ચરની બધી ધારણાઓને માન્ય રાખીએ તો તો ઇતિહાસનું કદાચ એક પણ મકાન સ્વીકૃત ન બની શકે. ઇતિહાસનાં પાનાં પર જે જે મકાનને સ્થાન મળ્યું છે તેમાંના કોઈ પણ મકાનને અહીં સ્થાન જ ન મળે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button