ડોર્ઝે – ઇથોપિયા: વણાયેલી વાંસની ઝૂંપડીઓ

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
દક્ષિણ ઈથોપિયાના સ્થાનિક લોકોમાં વાંસ-વણાટનું કામ સદીઓથી થઈ રહ્યું છે. સ્થાનિક સ્તરે મળતાં વાંસ અને તેને વાપરવાની અદભુત કળાનો ઉપયોગ સ્થાનિક લોકો જીવનના દરેક ક્ષેત્રમાં એક યા બીજા સ્વરૂપે કરે છે. સ્થાપત્ય તેમાં અપવાદ ન હોઈ શકે. તેમાં પણ જ્યારે આવાસની વાત આવે, પરંપરાગત આવાસની વાત આવે, સાંસ્કૃતિક જીવનશૈલીને આધારિત આવાસની વાત આવે ત્યારે ત્યાંની વણાયેલી વાંસની ઝૂંપડીઓની વાત થાય એ સ્વાભાવિક છે.
ઇતિહાસમાં સ્થાન પામે એવી આ મહાન રચના નથી, પણ જે કંઈ મળી રહે તેનો ઉપયોગ કરી પોતાની જરૂરિયાત મુજબનું આવાસ બનાવવાની આ એક નોંધપાત્ર ઘટના છે. અહીં કોઈ પ્રકારની ભવ્યતા નથી, પણ વ્યક્તિ ગૌરવ અનુભવી શકે તેવી આ રચના છે. અહીં દૃશ્ય અનુભૂતિ માટે કોઈપણ પ્રકારનો વધારાનો પ્રયત્ન નથી, પણ આ રચનામાં મૂળભૂત સૌંદર્યની બાબતો વણાયેલી છે. અહીં દેખાવ માટેનું વિગતિકરણ નથી, પણ બનાવટમાં તકનીકી પારંગતતા વ્યક્ત થાય છે. અહીં વધારાનું કહી શકાય તેવું કશું જ નથી, પણ જરૂરિયાત સાથે કોઈ બંધછોડ પણ નથી. અહીં સાદગી છે, ઉપયોગિતા છે, અસરકારક અને કરકસરયુક્ત ઉપયોગ છે, સહજતા છે અને તે બધા સાથે સાંસ્કૃતિક યથાર્થતા છે.
આ વિસ્તારમાં વાંસના ઉપયોગથી જમીન ફરતી વાડ, ટોપલીઓ, વિવિધ પ્રકારના પાત્ર તથા રાચરચીલું તો બનાવવામાં આવે જ છે. આ માટે જે તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે તે જ તકનીકને આધારે અહીં આવાસ બનાવાય છે. એટલાં માટે જ તેને ગૂંથાયેલા અથવા વણાયેલા વાંસના આવાસ કહેવાય છે. આ પ્રજા કપાસના દોરાના વણાટ કામ માટે પણ પ્રખ્યાત છે. વાંસના વણાટકામમાં તેઓએ તે જ્ઞાનનો પણ ઉપયોગ કર્યો છે જેને કારણે વાંસના આવાસની રચનામાં જાણે પરફેક્શન – નિપુણતા આવી જાય છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈઃ નિસરણી ને તેનાં આકાર
આ આવાસ રચનાની પ્રક્રિયામાં સૌપ્રથમ તો, યોગ્ય પ્રકારના વાંસની પસંદગી કરી તેને વિભાજિત કરી પટ્ટી જેવાં બનાવાય છે. આ પટ્ટીને પરસ્પર ગૂંથીને ઇચ્છિત આકારની સપાટી તૈયાર કરવામાં આવે છે. એ જ વખતે, સાથે સાથે વાંસના જ ઉપયોગથી એક માળખું ઊભું કરાય છે. આ માળખાના આધાર માટે જે વાંસ ઊભાં કરાય છે તેની વચ્ચે વાંસની પટ્ટીઓ ગૂંથીને ધીમે ધીમે આવાસનું આવરણ બનાવાય છે. પછી આ સમગ્ર રચનાને કેળાના પાંદડાથી આચ્છાદિત કરી તેને વ્યવસ્થિત મજબૂતાઈ અપાય છે. આ સમગ્ર માળખું આશરે સાત મીટર જેટલી ઊંચાઇએ પહોંચે છે. આ પ્રકારની રચનાનો ઘેરાવો પાંચથી આઠ મીટર જેટલો રહે છે.
આજના સંદર્ભમાં કોઈ એક કુટુંબ માટે આ જગ્યા કદાચ ઓછી કહેવાય પણ ત્યાંની જીવનશૈલી પ્રમાણે તે યોગ્ય છે. એમ પણ કહી શકાય કે તેના ગોળ આકારને કારણે અંદરના ભાગથી તે એટલું ગીચ ન જણાય. આ સમગ્ર રચનામાં જરૂરિયાત પ્રમાણે પ્રવેશ રખાય છે. આ આવાસમાં નીચેની ફરસ માટી-છાણનાં લીપણથી તૈયાર કરવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે આ સમગ્ર આવાસ દસ થી વીસ દિવસમાં તૈયાર થઈ જાય.
અન્ય લાકડાં કરતાં વાંસમાં ઉધઈ સામે ટકી રહેવાની ક્ષમતા વધારે હોય છે. તે છતાં પણ અમુક સમય પછી આ આવાસના પાયા જે તે કારણોસર નબળાં થઈ શકે. એવા સંજોગોમાં પાયો અથવા તો આધાર ફરીથી બનાવાય છે અને બાકીની સામગ્રીનો ફરીથી ઉપયોગ કરી લેવાય છે. એક અંદાજ પ્રમાણે આ આવાસ આશરે એંશી વર્ષ સુધી પણ ટકી શકે. જોકે તે દાવો માનવો મુશ્કેલ છે. સામાન્ય સમજ પ્રમાણે આ પ્રકારના આવાસ આશરે ત્રીસ વર્ષ સુધી ટકી રહે. પછી તેને નવેસરથી બનાવવું પડે અથવા તો તે વધારે માવજત માગી લે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ : બોઝિઝ ચેપલ-સાઉથ આફ્રિકા પ્રતીકાત્મક લયબદ્ધ દૃઢતા
આ આવાસમાં વાંસની આ રચનાને કારણે તેની કિમત ઓછી રહે છે, આ પ્રકારની રચનાની બનાવટ ત્યાંની પ્રજાને અનુકૂળ છે, આવી વાંસની રચનામાં રહી જતાં નાનાં છિદ્રને કારણે હવાની મર્યાદિત અવરજવર શક્ય બને છે અને આવાસની અંદરનું તાપમાન પ્રમાણમાં અનુકૂળ સ્થળે જળવાઈ રહે છે સાથે સાથે જરૂરિયાત ઊભી થાય ત્યારે આ પ્રકારના માળખાની માવજત અને રખરખાવ પણ સરળ રહે છે. આ રચનામાં વપરાતી સામગ્રી સ્થાનિક સ્તરે સરળતાથી પ્રાપ્ત હોવાથી અહીં કોઈ પર્યાવરણના પ્રશ્નો ઊભા થવાની સંભાવના નથી હોતી. આની રચનાના પ્રકારને કારણે કોઈ સ્થપતિ કે ઇજનેરની જરૂરિયાત પણ નથી હોતી. ત્યાંના જ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાની રીતે જાતે જ આ આવાસ બનાવે છે.
પરંપરાગત આવાસની અમુક ખાસિયત છે. અહીં જીવનશૈલી વ્યવસ્થિત રીતે પ્રતિબિંબિત થતી જણાય. અહીં સ્થાનિક સામગ્રીનો અસરકારક ઉપયોગ થાય અને તે ઉપયોગમાં સ્થાનિક કારીગરનો સહકાર જરૂરી બને. આબોહવાના વિપરીત પરિબળો સામે પરંપરાગત આવાસ વધુ અસરકારક રહેતાં હોય છે. એમ જણાય કે આ આવાસ જમીન સાથે જોડાયેલાં રહે, પરંપરા સાથે સંકળાયેલાં હોય, વ્યક્તિની સામાજિક ઓળખ મુજબનાં હોય, સ્થાપત્યના સૌંદર્યની પરંપરાગત સમજને અનુસાર હોય, અને તે બધાં સાથે અનુકૂળ આર્થિક સમીકરણ મુજબ હોય. અહીં તો ઝૂંપડીની વાત છે. તેથી તેમાં ન્યૂનતમતા, અસરકારકતા, પરિણામ-લક્ષ્યતા તથા સહકારની ભાવના વધુ દ્રઢતાથી વ્યક્ત થાય. માત્ર વાતો કરવાને બદલે આધુનિક સ્થાપત્યમાં આ બધી બાબતોનો સમાવેશ થાય તે ઇચ્છનીય પણ છે. અને જરૂરી પણ છે.