ફાનજિંગશાન મંદિરો – એક અભૂતપૂર્વ ઈચ્છાશક્તિ

સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા
સન 2018માં વિશ્વ-વિરાસત તરીકે નિર્ધારિત થયેલાં, આશરે 2570 મીટરની ઊંચાઈ પર, લગભગ 90 અંશ કહી શકાય તેવાં ચઢાણ પર, ચીનના દક્ષિણપૂર્વ વિસ્તારમાં વુલિંગ પર્વતમાળાની ફાનજિંગશાન ચોટી પર બનાવવામાં આવેલ બૌદ્ધ ધર્મનાં આ બે મંદિરો ઘણી રીતે અદભુત છે. રસપ્રદ વાત એ પણ છે કે ફાનજિંગશાનને બ્રહ્માની ભૂમિ' કહેવામાં આવે છે અને એક મંદિર
મૈત્રેય’ નામથી અને બીજું ભગવાન બુદ્ધના નામથી ઓળખાય છે. આ બાબતો, આ નામ, સનાતની પરંપરા સાથે સંકળાયેલા છે. સનાતની પરંપરા અને સનાતની સંસ્કૃતિનો વિસ્તાર કેટલો હતો, ક્યાં સુધી હતો, કેટલી માત્રામાં હતો, કેટલી દ્રઢતાથી હતો તે આ વાતથી સમજી શકાય છે.
સન 639 પછી આ વિસ્તારમાં, તે વખતના તાંગ વંશના રાજવીઓ દ્વારા પરિવહન માટેની સવલતો ઊભી કરાયા પછી આ વિસ્તારનો સ્થાપત્યકીય વિકાસ વધુ સરળતાથી શક્ય બન્યો. તે વખતની સ્થાપિત પરંપરાને અનુસરીને, પછી અહીં, ઉલ્લેખનીય મહેલો અને મંદિરોનું નિર્માણ શક્ય બન્યું. જોકે અહીં કરાયેલાં બાંધકામનાં વર્ષ માટે ખાતરીથી કહી ન શકાય. આ રચના જ એ પ્રકારની છે કે જેનાં નિર્માણમાં ઘણો સમય પસાર થઈ જાય.
જે માત્રામાં બાંધકામની સામગ્રીની જરૂરિયાત ઊભી થઈ હશે, તે સામગ્રીને, અને તેનાં કારીગર વર્ગને આટલી ઊંચાઈએ પરિશ્રમ કરવા માટે તૈયાર કરવાં, તે માટે પ્રેરણા આપવી, અને તેમાં સફળતા મેળવવી, તે જ એક અકલ્પનીય ઘટના છે. માત્ર આ રચનાના ફોટા જોતાં જ કહી શકાય કે આટલી ઊંચાઈએ આ નિર્માણ કરવામાં કેટલી તકલીફ પડી હશે. આજે જ્યાં મુલાકાત માટે લગભગ 9000 જેટલાં પગથિયાનું ચઢાણ આટલું મુશ્કેલ જણાય છે તો તે વખતે તો સ્થિતિ કેવી હશે તેની કલ્પના જ રોમાંચિત કરી દે છે. બે શિખર પર બે મંદિર, બંનેને જોડતો કમાનાકાર પુલ, ઊંચાઈ પરથી જોવાં મળતું અભૂતપૂર્વ કુદરતી સૌંદર્ય – આ રચનાના આ મુખ્ય આકર્ષણ છે, એમ કહેવાય.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈઃ નિસરણી ને તેનાં આકાર
આટલી ઊંચાઈએ આટલાં માપનું બાંધકામ કરવાં માટેની અભૂતપૂર્વ ઈચ્છા શક્તિ જોઈએ. ધર્મના હાર્દને પ્રતિબિંબિત કરવા માટેની આ એક અકલ્પનીય ચેષ્ટા છે. અહીં ચોક્કસ પ્રકારની સાધના કરવા માટે જરૂરી એકાંતની વ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરાઈ છે. જો ધર્મ માટેની અપાર શ્રદ્ધા હોય, ઐશ્વરિય શક્તિમાં વિશ્વાસ હોય, ચોક્કસ પ્રકારની શુદ્ધતા અને પવિત્રતા જાળવી રાખવાનો આગ્રહ હોય, પર્યાવરણ સાથે નિર્મળતાથી સંપર્ક સાધવાની ઈચ્છા હોય, કુદરતનાં વિવિધ તત્ત્વોને – વિવિધ પાસાંને નજીકથી નિહાળવાની તમન્ના હોય, કુદરતી અને માનવસર્જિત પરિસ્થિતિ સાથે તાલમેલ સ્થાપિત કરવાની મહેચ્છા હોય અને તે બધાં સાથે કુદરતના પ્રભુત્વને સ્વીકારવાની પણ તૈયારી હોય તો જ આ પ્રકારની રચના અસ્તિત્વમાં આવી શકે. માનવ ઇતિહાસનું આ એક કુદરત સાથે સુમધુર તાદાત્મ્યતા સ્થાપતું
નિર્માણ છે.
અહીં આ પ્રકારનાં બાંધકામનો વિચાર આવ્યો એ જ એક ભવ્ય બાબત છે. પછી આ વિચારને મૂર્તિમંત કરવા માટે જે જે પ્રયત્ન કરવાં પડે, તેમાં આવતી મુશ્કેલીઓનું જે રીતે નિરાકરણ કરવું પડે, તે વખતે પણ જે રીતે વિશ્વાસ ટકાવી રાખવો પડે, અને આ સમગ્ર પ્રક્રિયામાં જે રીતે ધીરજ જાળવવી પડે, તે બધું જ અભૂતપૂર્વ કહેવાય. મજાની વાત એ છે કે આ સંપૂર્ણ બાંધકામમાં મકાન રચનાના મૂળભૂત સિદ્ધાંતો તથા એ વખતની પ્રવર્તમાન શૈલીમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરાઈ. આટલી મુશ્કેલ જગ્યાએ બાંધકામ કરાયાં પછી પણ બાંધકામની શાસ્ત્રીય પદ્ધતિનું વ્યવસ્થિત અનુસરણ
કરાયું છે.
કાર્ય ચોક્કસ કઠિન હશે. મુશ્કેલીઓ ઘણી ઊભી થઈ હશે. ઘણી તકલીફો સર્જાઈ હશે. સમય મર્યાદાનું પાલન પણ મુશ્કેલ બન્યું હશે. ખર્ચનો આંકડો વધતો ગયો હશે. કોઈક નિરાશ પણ થયું હશે. તે બધાં સાથે આ કાર્ય સંપન્ન થયું. માનવજાતની આ એક ઉલ્લેખનીય ઉપલબ્ધિ ગણાય. વળી, અહીં ભક્તિ અને સાધના માટે જનાર ભક્ત અને સંત-મહાત્માની ઈચ્છાશક્તિ અને ભક્તિ જ અનેરી હશે. સમાજ સાથેનાં સંપર્કનો અહીં, જાણે સંપૂર્ણતામાં છેદ ઉડાડી
દેવાયો છે.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ: જાપાનમાં કોન્બિની એટલે કે કન્વિનિયન્સ સ્ટોરની બોલબાલા…
આવી પરિસ્થિતિમાં રહેવું, ત્યાં અવરજવર કરવી અને ત્યાંની નીરવ એકલતામાં ખુશી ગોતવી, એ પણ એક ભવ્ય ઘટના છે. મહાત્માઓથી જ આમ સંભવ બને. આ રચના જોતાં એમ જ જણાય છે કે તે આ શ્રેણીનાં મહાત્માઓ માટે જ છે.
હવે તો લગભગ અડધી ઊંચાઈ સુધી રોપવે થકી પહોંચી શકાય છે અને તેથી મુલાકાતીઓની સંખ્યા વધી ગઈ છે. પરંતુ, ઘણાં સમય સુધી આ સ્થાન આધુનિકતાની ચહલપહલથી દૂર રહ્યું હતું, જેને કારણે ત્યાંની ભૌગોલિક સ્થિતિ, ત્યાંનો કુદરતી માહોલ તથા ત્યાંની સ્થાપત્ય શૈલી જળવાઈ રહી. આજે પણ તેની સકારાત્મક અસર ત્યાં જોવાં મળે છે. આશરે 500 મીટરથી 2570 મીટરની ઊંચાઈવાળા આ વિસ્તારમાં અલભ્ય વનસ્પતિ અને પશુ-પક્ષીઓની પ્રજાતિઓ આજ સુધી જળવાઈ રહ્યાં છે. સ્થાપત્ય સાથે કુદરતને પણ માણી શકવાની આ એક અનોખી તક છે.
અહીં કુદરત સાથે સરળતાથી સુંદર સંપર્ક સાધવા માટે જે તક ઊભી કરાઈ છે, આંતરિક પ્રસન્નતા માટે કુદરત સાથે જે રીતે તાલમેલથી સર્જવામાં આવ્યો છે, અહીં જાત સાથે જોડાવાની સંભાવના જે રીતે ઊભી થાય છે, તે બધાં સાથે આ સ્થાનની પવિત્રતા જાળવી રાખવા માટે ઈમાનદારી પૂર્વકનો જે પ્રયત્ન થયો છે, તે આ રચનાને વધુ નોંધપાત્ર અને રસપ્રદ બનાવે છે. આને સમકક્ષ જો કોઈ રચના હોય તો તે જે ભારતમાં આવેલ ઇલોરાનું કૈલાસ શિવ-મંદિર
માત્ર છે.